સુરત: (Surat) રિંગરોડની અલગ અલગ માર્કેટોના વેપારીઓની સાથે બોગસ નામથી વેપારી (Trader) તરીકેની ઓળખ આપીને મોટી માત્રામાં યાર્નનો (Yarn) જથ્થો ખરીદી સસ્તામાં વેચી દઇને ઠગાઇ કરનાર ભેજાબાજ વિનય દલાલ ઉર્ફે સંજયને પકડી લેવામાં આવ્યો હતો. આ વિનય દલાલે અત્યાર સુધીમાં ચાર જેટલી ફરિયાદો નોંધાઇ છે, જ્યારે વેપારી વિનય દલાલની સામે સુરતની કોર્ટમાં (Court) 36 જેટલી ચેક રિટર્ન ફરિયાદ નોંધાઇ છે.
- બોગસ નામ ધારણ કરીને યાર્નના 35 વેપારી સાથે કરોડોની ઠગાઇ કરનાર બે ભેજાબાજ પકડાયા
- પકડાયેલાઓ શરૂઆતમાં નાનુ પેમેન્ટ કરીને મોટી માત્રામાં યાર્ન ખરીદીને સસ્તામાં વેચી દેતા હતા
સુરતની રિંગરોડ માર્કેટમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક વેપારી અને દલાલોની ચીટર ટોળકી દ્વારા બોગસ નામ અને બોગસ નામથી દુકાન શરૂ કરીને વિવિધ વેપારીઓની સાથે ઠગાઇ કરવાનો પ્રિ-પ્લાન તૈયાર થઇ રહ્યો છે. તેવામાં કાપડ માર્કેટમાં યાર્ન વેપારીઓની સાથે બોગસ નામ ધારણ કરીને શરૂઆતમાં સમયસર પેમેન્ટ આપ્યા બાદ એક સાથે મોટી માત્રામાં યાર્નનો જથ્થો ખરીદી બારોબાર વેચી દેવાનું કૌભાંડ બહાર આવ્યું હતું. આ કૌભાંડ આચરનાર વિનય દલાલ ઉર્ફે સંજયભાઇ વસંતભાઇ જરીવાલા તેમજ મહેન્દ્ર કાશીરામ દલાલની સામે સુરતના સલાબતપુરા, ચોકબજાર, ખટોદરામાં ગુનાઓ નોંધાયા હતા.
આ બંને ચીટરોની સામે ચાર જેટલા ગુના નોંધાતા તેઓ ફરાર થઇ ગયા હતા. આ બંનેએ ખટોદરાની મહિલા વેપારીની પાસેથી રૂા. 79.55 લાખનું યાર્ન ખરીદી ફરાર થયા હતા. આ બાબતે ખટોદરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. દરમિયાન ઇકો સેલની ટીમને મળેલી બાતમીને આધારે પોલીસે સલાબતપુરા પોલીસ મથક નજીક વોચ ગોઠવી હતી. આ બંને ચીટરો ત્યાં આવતા જ પોલીસે ધરપકડ કરી લીધી હતી. પોલીસની પુછપરછમાં બંને ચીટરો ઉધારીમાં યાર્ન ખરીદતા હતા અને સસ્તા ભાવે વેચી દેતા હતા. હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરીને ખટોદરા પોલીસને સોંપી વધુ પુછપરછ શરૂ કરી હતી.
સસ્તામાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણની જાળમાં વધુ એક કાપડ વેપારી ભેરવાયો
સુરત: ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે સતત ઠગાઈ વધી રહી છે ત્યારે રાંદેરમાં વધુ એક કાપડ વેપારી ભોગ બન્યો હતો. વેપારી સાથે 4.92 લાખની ઠગાઈ થઈ હતી. રાંદેર પોલીસે આ અંગે વધુ એક ફરિયાદ નોંધી હતી. રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ પાટીયા જેનમ હોસ્પિટલ પાસે હમજા ટાવર ફ્લેટ નં-૪૦૩માં રહેતા 27 વર્ષીય મુઝઝમીલ મકસુદ હાજીમજી બુલ્લા ઘરે ઓનલાઈન કપડાનો વેપાર કરે છે. ગત નવેમ્બર 2021 માં તેમણે યુટ્યુબ પર ક્રીપ્ટોબીઝ કંપનીની જાહેરાત જોઈ તેના ટેલીગ્રામ ગ્રુપમાં જોડાયા હતા. જેમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના નામે લોભામણી જાહેરાત જોયા પછી ગત 22 મીના રોજ 4.92 લાખ રૂપિયા યુઍસડીટી કોઇન ખરીદવા ટ્રાન્સફર કર્યા હતા. જોકે બાદમાં તેમના વોલેટમાં કોઈન નહીં આવતા તેમણે સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી કરી હતી.
હાલમાં જ સાયબર ક્રાઇમ પોલીસે ક્રીપ્ટોબીઝ કંપની વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. અને આ કેસમાં આરોપીને પણ પકડી પાડ્યો હતો. જેથી મુઝઝમીલે ગઈકાલે રાંદેર પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઇમ પોલીસે પૂણેથી મૂળ ભાવનગરના સોફ્ટવેર કન્સલટન્ટ ઍહમદ ગુલામ મહમદ દલની ધરપકડ કરી પુછપરછ કરી હતી. જેમાં તેમની કંપની હાલ ક્રિપ્ટો કરન્સીનું ઍક્સચેન્જ ચલાવે છે અને તેમાં 2400 રોકાણકારો પાસે 36 કરોડનું રોકાણ કરાવ્યું હોવાની કબૂલાત કરી હતી. સાયબર ક્રાઇમ પોલીસે કંપનીના સીઇઓ રાહુલ વિજય રાઠોડ અને કોલર ઓમકાર દિપક સોનવણેને વોન્ટેડ જાહેર કરી તેમની તપાસ હાથ ધરી હતી.