સુરતમાં કરૂણ ઘટના: પિતાએ ટ્રેક્ટર રિવર્સ લીધું અને પોતાની જ ત્રણ વર્ષની માસૂમ બાળકીને કચડી મારી

સુરત: (Surat) પાલમાં નવી બંધાતી બિલ્ડીંગના પેસેજમાં એક કરૂણ ઘટના ઘટી હતી, જેમાં એક પિતા કામ કરતી વેળા ટ્રેક્ટર (Tractor) રિવર્સ (Reverse) લઇ રહ્યા હતા, આ દરમિયાન ટ્રેક્ટરની અડફેટે પિતાની ત્રણ વર્ષની માસૂમ પુત્રી (Daughter) આવી જતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ આકસ્મિક ઘટનામાં પિતાના હાથે જ પુત્રીનું મોત નીપજ્યું હોવાનું પોલીસે કહ્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મૂળ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના જેતપુર ગામના વતની સુકેશ બારીયા હાલ તેની પત્ની સાથે કડિયાકામ કરે છે. તેને સંતાનમાં બે દીકરી છે. સુકેશ હાલમાં ગૌરવપથ રોડ ઉપર શ્રીપદ અરેણા નામની બાંધકામ સાઇટ ઉપર કામ કરી રહ્યો હતો. સુરેશને ટ્રેક્ટર ચલાવતા પણ આવડે છે, શનિવારે સવારે સાડા દસ વાગ્યે બાંધકામ સાઇટ ઉપર સુકેશ ટ્રેક્ટરમાં લાકડાના ટેકા મુકીને તેને એક જગ્યાએ બીજી જગ્યાએ લઇ જતો હતો. સુકેશે ટ્રેક્ટર રિવર્સ લીધું હતું, આ દરમિયાન તેની ત્રણ વર્ષની માસૂમ પુત્રી શિતલ અડફેટે આવી હતી. શિતલને જમણા પગે અને પેટના ભાગે ગંભીર ઇજા થઇ હતી. શિતલ ટ્રેક્ટર અડફેટે આવતા જ ત્યાં હાજર લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. શિતલને તાત્કાલીક 108 મારફતે નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ડોક્ટરોએ શિતલને મૃત જાહેર કરી હતી. બનાવ અંગે અડાજણ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

મકાનની ગટરમાંથી નવજાત બાળકીનો મૃતદેહ મળી આવ્યો

સુરત : બમરોલી રોડ ઉપર મકાનની ગટરમાંથી તાજી જન્મેલી બાળકીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. સ્થાનિક લોકોએ બાળકીને જોતા જ તેઓએ પોલીસને જાણ કરી હતી. બાળકીને હોસ્પિટલમાં લઇ જવાઇ પરંતુ ડોક્ટરોએ તેણીને મૃત જાહેર કરી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ પાંડેસરામાં બમરોલી રોડ પાસે તુલસીધામ સોસાયટીના એક મકાનમાં ગટરના ખાનામાં શનિવારે વહેલી સવારે કોઈ અજાણ્યો વ્યક્તિ એક દિવસની જન્મેલી નવજાત બાળકીનો મૃતદેહ મૂકીને નાસી ગયો હતો. જ્યાં આસપાસના લોકોએ બાળકીનું મૃતદેહ જોઈને ચોકી ગયા હતા. સ્થાનિક લોકોએ જ પોલીસ વિભાગ અને 108ને જાણ કરી હતી. બાળકીને તાત્કાલીક 108 મારફતે નવી સિવિલમાં લઇ જવામાં આવી હતી. ડોક્ટરોએ બાળકીને મૃત જાહેર કરીને તેનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે કોઇ મહિલાનું ગર્ભપાત થઈ ગયું હોય જેના કારણે સમાજમાં બદનામી ન થાય આથી જન્મ છુપાવવા માટે બાળકીને મૂકીને ભાગી ગઈ હોય એવું પ્રાથમિક અનુમાન છે. આ બાબતે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top