SURAT

વિયેતનામનાં પ્રવાસે ગયેલા સુરતનાં પ્રવાસીઓને હોટેલ સંચાલકોએ ગોંધી રાખ્યા

સુરત: (Surat) સુરતનાં અઠવાગેટ સ્થિત સત્યમ ટ્રાવેલ્સ થકી વિયેટનામના (Vietnam) પ્રવાસે ગયેલા 370 થી વધુ પ્રવાસીઓ (Tourists) વિદેશમાં ફસાઈ જતાં કેટલાક પેસેન્જરોએ સુરતનાં સાંસદ અને કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્ય મંત્રી દર્શનાબેન જરદોશને ફરિયાદ કરતા તેમણે આ પેસેન્જરોને સલામત રીતે પરત લાવવા પ્રયાસ શરૂ કર્યા છે. હોટેલ માલિકોની ચુંગાલમાંથી છટકી હનોઈ એરપોર્ટ પહોંચેલા સુરતનાં બરફીવાલા પૂર્વાંગ અને ઝંખના તથા એમના મિત્ર પ્રતીક હર્ષદકુમાર પાસેથી એરપોર્ટ પર હાજર હોટેલના સ્ટાફ પાસપોર્ટ ઝુંટવી લેતા મામલો હનોઈ પોલીસ સુધી પહોંચ્યો છે.

  • વિયેતનામનાં પ્રવાસે ગયેલા સુરતનાં પ્રવાસીઓને હોટેલ સંચાલકોએ ગોંધી રાખ્યા
  • સુરત લેઉઆ પાટીદાર સમાજનાં 370 પ્રવાસીઓ સુરતની સત્યમ ટ્રાવેલ્સ દ્વારા વિયેટનામનાં પ્રવાસે ગયા હતાં

પૂર્વાંગ બરફીવાલા એ જણાવ્યું હતું કે 4 ઓક્ટોબરે અમે વિયેતનામ આવ્યા હતાં. આજે હોટેલમાંથી ચેક આઉટ કરવાનો દિવસ હતો. પણ હોટેલ માલિકે પ્રવાસીઓના રૂપિયા ચૂકવાયા નથી એવું જણાવી 150 પેસેન્જરનાં એક બેન્ચને ગોંધી રાખતા લોકો જેમ તેમ ધક્કા મુક્કી કરી એરપોર્ટ પહોંચ્યા હતાં. આજે સાંજે 07:15 કલાકની વિયેતનામનાં હનોઈથી અમદાવાદની રિટર્ન ફ્લાઈટ હતી. કેટલાક ફ્લાઈટ ચુકી ગયા છે. બરફીવાલા એ વધુમાં જણાવ્યું હતું કે અમે એરપોર્ટ પહોંચ્યા ત્યારે ટીકીટ બોર્ડિંગ માટે સ્કેન કરવા સ્થાનિક લોકો પાસે માહિતી માંગતા અમને ખબર ન હતી કે એ લોકો પૈકી બે મહિલા અને એક પુરુષ હોટેલના કર્મચારીઓ જ છે.

તેઓએ પાસપોર્ટ જોવા માટે માંગી એક વ્યક્તિને આપી ભગાડી મુક્યો હતો. મને બંને મહિલાઓએ પકડી લેતા એરપોર્ટનાં સિક્યોરિટી મેન આવતા બંને મહિલાઓએ છેડતીની ફરિયાદ કરી મામલો દબાવવા પ્રયાસ કર્યો હતો. પણ આ બે મહિલાનો સાગરીત અમારો પાસપોર્ટ લઈ ભાગી ગયો હોવાની માહિતી આપતાં એરપોર્ટ સિક્યોરિટી એ હનોઈ પોલીસને જાણ કરતા પોલીસ એરપોર્ટથી એક કિમિ.દૂર પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. હોટલ માલિકને રૂમ સ્ટે અને બસના રૂપિયા નહીં મળ્યાની તેઓની ફરિયાદ હતી. અમે સત્યમ ટ્રાવેલ્સના માલિક શિરીશભાઈ પટેલ લાવ્યા હોવાની જાણ કરી હતી.

150 લોકોનાં બીજા બેચએ હોટેલ સંચાલકો ને 50-50 ડોલર ચૂકવી સમાધાન કર્યું
પૂર્વાંગ જરીવાળાએ ત્યાંની સ્થિતિ જણાવતા કહ્યું હતું કે,અમને ત્રણ જણને પોલીસ સ્ટેશનમાં રોકવામાં આવ્યા છે. 150 લોકોનાં બીજા બેચએ હોટેલ સંચાલકો ને 50-50 ડોલર ચૂકવી સમાધાન કર્યું છે. તેઓને એરપોર્ટ જવા દીધા છે. જ્યારે ત્રીજો બેન્ચ ક્રુઝની મજા માણી પોર્ટ પર ઉતરતા જ હોટેલ આવ્યો હતો. એમનો ચેક આઉટ ટાઈમ બીજા દિવસે હતો પણ હોટેલ માલિકોએ 150 લોકો જેમાં રહ્યા એ રૂમ ખાલી કરાવી દીધો છે.

શિરીષભાઈ પ્રવાસીઓને લાવવાની વ્યવસ્થા કરી રહ્યાં છે: નીલમ ઘીવાળા
આ મામલામાં ગુજરાતમિત્ર એ સત્યમ ટ્રાવેલ્સની સુરત ઓફિસના કર્મચારી નીલમબેન ઘીવાળાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે કોઈ ગેરસમજ થઈ હશે શિરીશભાઈ પટેલ પ્રવાસીઓને પરત લાવવા પ્રયાસ કરી રહ્યાં છે. અમારી પાસે વધુ વિગત નથી કારણકે છેલ્લે તેમનો સંપર્ક થઈ શક્યો નથી. તેઓ જાતે 450 જેટલા લોકોની આ ટુર લઈ વિયેતનામ ગયા છે ત્યાં શુ થયું અમને ખબર નથી.

પ્રવાસીઓ સંપર્કમાં છે ચિંતા કરવી નહીં: દર્શના જરદોશ
કેન્દ્રીય ટેક્સટાઇલ અને રેલવે રાજયમંત્રી દર્શનાબેન જરદોશએ જણાવ્યું હતું કે વિયેટનામથી કેટલાક પેસેન્જરો એ ટેલિફોનિક ફરિયાદ કરી હતી. માહિતી મુજબ 150 પ્રવાસીઓનો એક બેન્ચ ફ્લાઈટમાં પરત આવી રહ્યોં છે. બીજા બેંચે પણ સેટલ કર્યું છે એવા 150 પ્રવાસીઓ પણ પરત આવશે. પેસેન્જરો ટચમાં છે. ચિંતા કરવાની અત્યારે જરૂર નથી.

Most Popular

To Top