SURAT

સુરત: એપાર્ટમેન્ટના 9માં માળના ફ્લેટમાં ઘસઘસાટ ઊંઘતી કિશોરીને જગાડવા ફાયરની ટીમ બોલાવવી પડી

સુરત (Surat) : પાલ (Pal) ગ્રીન સિટી (GreenCity) રોડ ખાતેની એક હાઈરાઈઝ બિલ્ડિંગમાં ગુરુવારે રાત્રે એક કિશોરી દરવાજાને લોક (Lock Door) કરી સૂઈ (Sleep) ગઈ હતી. ઘરે પરત ફરેલાં માતા-પિતાએ દરવાજો ખખડાવતાં અંતે તે ઊંઘમાંથી નહીં જાગતાં ફાયર બ્રિગેડ (Fire Brigade) બોલાવવી પડી હતી.

પ્રાપ્ત જાણકારી મુજબ પાલ-ભાઠા રોડ ઉપર ગ્રીન સિટી રોડ ઉપર આવેલી ગિરનાર હાઈટ્સ બિલ્ડિંગના ફ્લેટ નં.903માં રહેતા પરિવારના સભ્યો ગુરુવારે રાત્રે બહાર ગયા હતા. દરમિયાન 10 વર્ષીય જીયા નામની કિશોરી એકલી હતી અને તે સૂઈ ગઈ હતી.

રાત્રે 9:30 કલાકે જીયાનાં માતા-પિતા ઘરે પરત ફરતાં તેમણે ડોરબેલ વગાડ્યો, સતત દરવાજો ખખડાવ્યા બાદ તેના મોબાઈલ ફોન ઉપર પણ રિંગ કરી હતી. એ છતાં પણ અંદરથી કોઈ રિપ્લાય આવ્યો ન હતો. ડરના માર્યા જીયાનાં માતા-પિતાને કશુંક અજૂગતું થયું હોય તેવો ધ્રાસ્કો પડ્યો હતો. તેને કારણે તેમણે ફાયર કંટ્રોલ રૂમને જાણ કરતાં પાલ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.

ફાયર ઓફિસર ગીરીશ સેલારે જણાવ્યું હતું કે, ફ્લેટમાં પ્રવેશ કરવા માટે તેમણે બાજુના ફ્લેટની પાછલી ગેલેરીમાંથી ફાયરના જવાનના કમર પર દોરડું બાંધી બંધ ફ્લેટમાં પ્રવેશ કરી દરવાજો ખોલ્યો હતો. ત્યાર બાદ ઘસઘસાટ ઊંઘમાંથી જીયાને તેનાં માતા-પિતાએ જગાડી હતી.

અગાઉ મહિલાને જગાડવા ફાયરે દોડવું પડ્યું હતું
આ અગાઉ ગયા મહિને જુલાઈમાં એક મહિલાને જગાડવા માટે ફાયર બ્રિગેડે દોડવું પડ્યું હતું. શહેરના વેસુ વિસ્તારના છેવાડે ગેલ કોલોની નજીક સ્પર્શ રેસિડેન્સી નામની હાઈરાઈઝ બિલ્ડિંગમાં ત્રિપાઠી પરિવારના સભ્ય એવા 50 વર્ષીય મહિલા અનામિકા ત્રિપાઠી પોતાના ચોથા માળના ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરીને ઊંઘી ગયા હતાં. તેમના પતિ કૂતરાને ફેરવવા માટે બહાર નીકળ્યા હતાં અને તેઓ ઘરે પાછા આવ્યા ત્યારે પત્નીને ઉઠાડવા માટે ડોરબેલ વગાડ્યો હતો. પરંતુ પત્નીએ દરવાજો ખોલ્યો નહોતો.

જેથી તેમણે પત્નીને ફોન કરવાનું શરૂ કર્યું હતું તો પત્નીએ ફોન પણ રિસિવ કર્યો હતો. આટલું કરવામાં રાત્રે એક વાગી ગયો હતો. કંઇ અજુગતું બન્યું હોવાના ડરથી તેમણે રાત્રે એક વાગ્યે ફાયર કંટ્રોલને જાણ કરી હતી. જેથી વેસુ ફાયર બ્રિગેડની ટીમ સ્પર્શ રેસિડેન્સી પર પહોંચી હતી. ફાયરનો જવાન કમર પર દોરડું બાંધીને પાંચમાં માળેથી ચોથા માળની ગેલેરીમાં ઉતર્યો હતો અને અને મહિલાને જગાડી ઘરનો દરવાજો ખોલ્યો હતો.

Most Popular

To Top