સુરત (Surat) : સુરતમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક કાપડના વેપારી પોતાની દુકાન વેચી દીધા બાદ નોકરી કરવા માંડ્યો હતો અને બાદમાં એવું કંઈક થયું કે તે સીધો જેલ ભેગો થયો છે. વાત એમ છે કે આ વેપારીને એમ્બ્રોઇડરીના (Embroidery ધંધામાં નુકસાન થયું હતું, તેથી તેણે પોતાની દુકાન બે વ્યક્તિને વેચી દઇને તેઓને વેચાણ કરાર કરી આપ્યા હતા, આ ઉપરાંત પોતે પણ અન્ય વેપારીને ત્યાં નોકરી (Job) ઉપર લાગી ગયો હતો. દુકાનના બે માલિકોએ ભાડુઆત (Tenant) પાસે ભાડુ માંગતા સમગ્ર ઘટના બહાર આવી હતી.
- બેગમવાડીની હરીઓમ માર્કેટની દુકાનને બારોબાર બીજી વ્યક્તિને વેચી દેવાઇ
- બે માલિકોએ ભાડુઆતની પાસે ભાડુ માંગતા ભાડુઆત પોતે અચંબામાં પડ્યો અને ઘટના બહાર આવી
- એમ્બ્રોઇડરીના વેપારમાં મોટુ નુકસાન થતા વેપારીએ એક દુકાન બેને વેચીને પોતે નોકરી કરવા લાગી ગયો
પ્રાપ્ત વિગતો મુજબ રાંદેરના પાલનપુર પાટીયા પાસે ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા હરેશકુમાર ગુરૂમુખદાસ નેભનાણી કાપડનો વેપાર કરે છે. તેઓએ રામનગરના સિંધુવાડી પાસે રહેતા દેવાનંદ સંતકુમાર બચ્ચાણી પાસેથી રિંગરોડ બેગમવાડીમાં હરીઓમ માર્કેટમાં આવેલી દુકાન નં. 4057 ખરીદ કરી હતી. આ મિલકત પેટે હરેશભાઇએ રૂા.10 લાખ આપી દીધા હતા. આ દુકાનમાં પહેલાથી જ એક વેપારીએ દુકાન ભાડે લઇને વેપાર કરતો હતો. ત્યાં દેવાનંદએ આ દુકાન પુનમબેન દિનેશભાઇ છાબડાને પણ વેચી દીધી હતી અને તેની પાસેથી પણ રૂપિયા લઇને વેચાણ સહિતનો કરાર બનાવી આપ્યો હતો. પુનમબેન તેમજ હરેશકુમાર બંનેએ ભાડુઆતો પાસેથી ભાડુ માંગ્યું હતું, ત્યારે ભાડુઆત પોતે અચંબામાં પડ્યો હતો અને ભાડુ કોને આપવું તેને લઇને માથાકૂટ થતા સમગ્ર ઘટના બહાર આવી હતી.
આ મામલે હરેશભાઇએ દેવાનંદને કહીને પોતાના રૂપિયા પરત માંગ્યા હતા. પરંતુ દેવાનંદએ રૂપિયા આપ્યા ન હતા. આ મામલે હરેશકુમારે સલાબતપુરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી દેવાનંદની ધરપકડ કરી હતી. બનાવ અંગે સલાબતપુરા પોલીસના જણાવ્યા પ્રમાણે દેવાનંદ ભૂતકાળમાં એમ્બ્રોઇડરી કાપડનો વેપાર કરતો હતો. ધંધામાં નુકસાન આવતા તેને પોતાની માલિકીની દુકાન હરેશકુમાર તેમજ પુનમબેનને વેચી દીધી હતી. આ ઉપરાંત દેવાનંદ પહેલા વેપાર કરતો હતો ત્યાં જ હવે નોકરી ઉપર લાગી ગયો હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.