સુરત: (Surat) દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે. ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોરોનાનું સંક્રમણ ફેલાઈ રહ્યું હોય કાપડ બજાર (Textile Market) પર માઠી અસર દેખાવા લાગી છે. કોરોનાગ્રસ્ત રાજ્યોમાંથી આવતા વાહનો પર નિયંત્રણ મુકવામાં આવવા સિવાય કેટલાક ટ્રકચાલકો અને ક્લીનરો પણ કોરોના ગ્રસ્ત થતા હાલમાં સુરતથી બહાર જતા કાપડની રવાનગીમાં (Delivery) 50 ટકાનો ઘટાડો નોંધાયો છે. જેને લીધે લગ્નસરાની સીઝન પણ ફ્લોપ જાય તેવો ભય ઉભો થયો છે.
- મહારાષ્ટ્રના માલેગામ અને ભિવંડીથી ગ્રે કાપડની ડિલિવરી અટકી
- સેલવાસ-દમણથી યાર્નની ડિલિવરી અટવાઇ
છેલ્લાં બે અઠવાડિયાથી સુરત શહેરમાં કોરોનાનો રાફડો ફાટ્યો છે, જેના લીધે તંત્ર દ્વારા અનેક નિયંત્રણો લાદી દેવામાં આવ્યા છે. કાપડ માર્કેટમાં ટેસ્ટિંગ અને વેક્સિનેશન વિના એન્ટ્રી આપવામાં આવી રહી નથી, તેના લીધે લોકડાઉન વિના જ વેપાર બંધ થઇ ગયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ કેસ વધી રહ્યાં છે, જેના લીધે ઓર્ડર ઘટી ગયા છે, જેની અસર ડીલિવરી પર દેખાવા લાગી છે.
સુરત ટેક્સટાઈલ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ યુવરાજ દેશલેએ કહ્યું કે, હાલમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢથી માંડ 20 ટકા બુકિંગ છે. યુપી, બિહારના સારા ઓર્ડર છે. તેથી ઉત્તર ભારત તરફ ટ્રકો જઈ રહી છે. રાયપુરમાં લોકડાઉન લગાવાયું હોય તે તરફના રૂટ બંધ થયા છે. અનેક ટ્રક કોરોના સંક્રમિત રાજ્યોમાં ફસાઈ ગઈ છે. તેથી કાપડના ડિસ્પેડિંગમાં ભારે ઘટાડો નોંધાયો છે. લગ્નસરાની સિઝન હોવા છતાં માલની હેરફેરમાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જો કોરોના પર નિયંત્રણ નહીં આવશે તો ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ લગ્નસરાની સીઝનની ખરીદી ફ્લોપ જશે તેવી આશંકા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
મહારાષ્ટ્રથી સુરત મોકલવામાં આવતી ગ્રે કાપડની ડિલિવરીને અસર
સુરત: સુરતમાં અને મહારાષ્ટ્રના માલેગાવ તથા ભીવંડીમાં કોરોનાના સંક્રમણના કેસો વધતાં મહારાષ્ટ્રથી સુરત મોકલવામાં આવતી ગ્રે કાપડની ડિલિવરીને અસર થઇ છે. સુરત અને તાપી જિલ્લાની ચેકપોસ્ટ પરથી માલેગાવ અને ભીવંડીથી ટ્રક અને ટેમ્પોમાં ભરીને આવતું ગ્રે કાપડ પરત મોકલવામાં આવી રહ્યું છે. સુરતમાં મહારાષ્ટ્રથી આવતા લોકોને અટકાવવામાં આવી રહ્યા છે. જેમની પાસે આરટીપીસીઆર ટેસ્ટનું 72 કલાકની મર્યાદાનું સર્ટિફિકેટ છે તેમને જ પ્રવેશ આપવામા આવી રહ્યો છે. એવી જ રીતે સુરતમાં સ્થાનિક વિવિંગ ઉદ્યોગ પણ કારીગરોના પલાયનને લીધે એક પાળીમાં આવી જતાં ગ્રે કાપડની ડિલિવરીમાં મોટો ઘટાડો નોંધાયો છે. બીજી તરફ પશ્ચિમ અને ઉત્તર ભારતમાં કોરોના સંક્રમણ વધતાં ડિમાન્ડ પણ ઘટી છે.
સારોલીની માર્કેટોમાં કાપડની ડિલિવરી થઈ, રિંગરોડના વેપારીઓમાં નારાજગી
ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશન દ્વારા ગઇ કાલે તમામ માર્કેટ એસોસિયેશનોને સૂચના આપવામાં આવી હતી કે, શનિવારે કાપડ માર્કેટોમાં કોઇપણ પ્રકારના કાપડની ડિલિવરી કે ડિસ્પેચિંગ નહીં થશે. પરંતુ શનિવારે સારોલી વિસ્તારની માર્કેટોમાં કાપડની ડિલિવરીના ફોટો વાયરલ થતાં રિંગ રોડ ઉપર કાપડ માર્કેટના વેપારીઓમાં નારાજગી જોવા મળી હતી. તેમનું કહેવું હતું કે, કોરોના ફક્ત રિંગ રોડના કાપડ વેપારીઓને જ નડે છે કે શું?