Dakshin Gujarat Main

નવસારી જિલ્લામાં કોરોનાનો રાફડો ફાટ્યો, 2 જ દિવસમાં 88 કેસ નોંધાયા

નવસારી: (Navsari) નવસારી જિલ્લામાં આજે રવિવારે જિલ્લામાં કોરોનાના રેકોર્ડ બ્રેક નવા 47 કેસો (Case) નોંધાયા છે. જેમાં ગણદેવીમાં 4 મળી તાલુકામાં 28 કેસ, નવસારીમાં 15, ખેરગામ અને વિજલપોરમાં 2-2 કોરોનાના નવા કેસ નોંધાયા હતા. શનિ અને રવિ 2 દિવસમાં 88 કેસો કોરોનાના નોંધાયા છે. એ સાથે જ જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસો વધીને 209 થયા છે. નવસારી જિલ્લામાં રોજ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના નવા 41 અને આજે રવિવારે કોરોનાના રેકોર્ડ બ્રેક 47 કેસ મળી 2 દિવસમાં 88 કેસો નોંધાયા છે. નવસારી જિલ્લામાં આજે 1683 સેમ્પલો લેવામાં આવતા અત્યાર સુધીમાં કોરોનાના 182990 સેમ્પલ (Sample) લેવામાં આવ્યા છે, જેમાંથી 179383 સેમ્પલ નેગેટીવ રહ્યા હતા, જ્યારે 1959ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. આજે વધુ 15 કોરોના પોઝિટિવ દર્દીઓએ કોરોનાને માત આપતા કુલ 1648 દર્દીઓને સાજા થઇ ગયા છે, જ્યારે 102 દર્દીઓના કોરોનાને કારણે મૃત્યુ થયા છે.

  • એક્ટિવ કેસોની બેવડી સદી, રવિવારે એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક નવા 47 કેસ સામે આવ્યા
  • ગણદેવીમાં 4 મળી તાલુકામાં 28 કેસ, નવસારીમાં 15, ખેરગામ અને વિજલપોરમાં 2-2

નવસારી : નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણને અટકાવવા માટે કલેક્ટર અને પ્રભારી સચિવની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ, રેવન્યુ વિભાગ, પોલીસ વિભાગ, શિક્ષણ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટર વગેરેની હાજરીમાં કોરોના સંક્રમણને કઈ રીતે અટકાવી શકાય તે માટેની ચર્ચા કરવામાં આવી હતી. નવસારી જિલ્લામાં વધુ દસ હોસ્પિટલો પાસેથી અન્ડરટેકિંગ મેળવી તે હોસ્પિટલોને કોરોના પોઝિટિવ દર્દીઓને પણ દાખલ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સાથે સાથે નવસારી સિવિલ હોસ્પિટલમાં વધુ 50 બેડ ઓક્સિજન સપ્લાય સાથે ઉભા કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ચીખલી સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલમાં 30 દર્દીઓને દાખલ કરવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. જ્યાં 15 દર્દીઓને ઓક્સિજન સાથેના બેડ ઉપલબ્ધ થશે. ઓછા ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને ઓક્સિજન કોન્સન્ટ્રેટર દ્વારા ઓક્સિજન પૂરો પાડવામાં આવશે. તેમજ ફિઝિશિયન અને એનેસથેટીસટ તબીબો ઉપલબ્ધ છે. ગણદેવી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પણ 12 દર્દીઓને દાખલ કરી શકાય તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે. તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે સામાન્ય તકલીફો ધરાવતા દર્દીઓને સારવાર આપવામાં આવશે. તેમજ જરૂર પડે દાખલ કરવામાં આવશે. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે 126 બેડ સાથેનું કોવીડ કેર સેન્ટર ચાલુ કરવામાં આવેલું છે. નવસારી સિવિલ હોસ્પિટલમાં હાલમાં 175 બેડની જોગવાઈ છે. ખાનગી હોસ્પિટલો સાથે મળીને કુલ 750 કરતા વધુ બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે પોલીસ વિભાગ દ્વારા વધુ કડકાઈથી માસ્ક નહી પહેરનારાને દંડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે ઉપરાંત જે જગ્યાએ સોશિયલ ડિસ્ટિંસીંગનું પાલન થતું ન હોય તેમને પણ દંડ કરવામાં આવશે.

નવસારી ધારાસભ્યના પ્રયત્નોથી ગોહિલ હોસ્પિટલમાં 5 ઓક્સિજન કન્ડકટર દાનમાં મળ્યા
નવસારીની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત વર્તાતી હોવાની બૂમો સંભળાઈ રહી છે. તો બીજી તરફ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. ત્યારે નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઈના પ્રયત્નોથી એન.જે. ગૃપના જીગ્નેશભાઈ દેસાઈએ નવસારીની ગોહિલ હોસ્પિટલમાં 5 ઓક્સિજન કન્ડકટર દાનમાં આપ્યા હતા. જે હાલમાં કોરોના પોઝિટિવ દર્દીઓના ઉપયોગમાં આવી શકે.

Most Popular

To Top