Business

સુરતની કાપડની મિલો પર ખંભાતી તાળાં લાગી જવાનો ડર, જો…

સુરત (Surat): કાપડનાં વેપારીઓનાં (Textile Traders) અધિકૃત નોંધાયેલા સંગઠન ધી સુરત મર્કંન્ટાઇલ એસોસિએશન દ્વારા મહેશ્વરી ભવન ખાતે આયોજિત કાપડના વેપારીઓ સાથેની બેઠકમાં સાઉથ ગુજરાત ટેક્સટાઈલ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રમુખ જીતેન્દ્ર વખારીયાએ જણાવ્યું હતું કે, માર્કેટમાં જેમને કોઈ સીધો કામ ધંધો નથી એવા લોકો વેપારીઓને ખોટી રીતે ઉશ્કેરી રહ્યાં છે. મિલ માલિકોએ વેપારીઓ અને ઉદ્યોગની સ્થિતિ જોઈ જોબચાર્જમાં કોઈ ભાવ વધારો કર્યો નથી. વેપારીઓ અને મિલ માલિકોનાં સંબંધો દાયકાઓ જુના છે.

  • આર્થિક મંદીમાં વેપારીઓ 30 દિવસમાં પેમેન્ટ નહીં ચૂકવે તો કાપડ મિલો બંધ પડશે : જીતેન્દ્ર વખારીયા
  • મહેશ્વરી ભવનમાં કાપડના વેપારીઓ સાથે SGTPA નાં પ્રમુખે મિલોએ કોઈ જોબચાર્જ વધાર્યો નહીં હોવાની સ્પષ્ટતા કરી

કોઈ મિલ માલિક વેપારીને ઊચું ડિસ્કાઉન્ટ આપે તો એસોસિએશનને કોઈ વાંધો ન હોય શકે. વૈશ્વિક લેવલે ઈકોનોમિક સ્લોડાઉનની અસર સુરતનાં કાપડ ઉદ્યોગ પર પડી છે. એ સ્થિતિમાં વેપારી, મિલમાલિક, યાર્ન ડીલર વિવર્સ દરેકે વેપારમાં પેમેન્ટના નિયમ બનાવવા પડશે. કેમિકલ, ડાઈઝ, ઇન્ટર મીડિયેટ, લિગ્નાઈટના વેપારીઓ મિલ માલિકો પાસે એડવાન્સ પેમેન્ટ માંગી રહ્યાં છે. તો ક્યાંક 30 દિવસમાં પેમેન્ટની જોગવાઈ થઈ છે. આવી સ્થિતિમાં જો મિલ માલિકને વેપારીઓ 30 દિવસમાં પેમેન્ટ નહીં આપે તો મિલો બંધ થઈ જશે.

દિવાળી પછી સુરતનાં ટેક્સટાઈલ ક્લસ્ટરમાં 8 મિલો બંધ પડી છે. હજી કેટલાક ડચકાં ખાઈ રહી છે. વેપારીઓએ પણ પેમેન્ટ ધારા મામલે કડક થવું પડશે. ભલે ઓછો વેપાર થાય પણ પેમેન્ટની સલામતી સાથે થવો જોઈએ. વેપારી છે તો મિલ છે અને મિલ છે તો વેપારી છે. અત્યાર સુધી 60 દિવસથી 6 મહિનાની ક્રેડિટ પર પણ કામો થયાં હવે એ મુજબ કોઈ કામ કરવા જાય તો યુનિટને તાળા મારવા પડે. એટલે પ્રોસેસર્સ એસોસિએશને 30 થી 60 દિવસમાં પેમેન્ટ થશે તો 2% વ્યાજ ચૂકવવું પડશે. 60 દિવસ પછી પેમેન્ટ નહીં આવે તો મિલ માલિકોની એરિયા વાઇઝ બનેલી કમિટી વેપારીને પેમેન્ટ આપવા સમજાવવા જશે.

મિલ માલિકોનું એસોસિએશન કોઈ નિર્ણય વેપારીઓ પર થોપે નહીં
ધી સુરત મર્કંનટાઇલ એસોસિએશનનાં પ્રમુખ નરેન્દ્ર સાબુએ કહ્યું હતું કે, પ્રોસેસર્સ દ્વારા પેમેન્ટ ધારા કે જોબચાર્જમાં વધારા સહિતના નિર્ણયો લેતા પહેલા વેપારીઓ કે એમના સંગઠનને વિશ્વાસમાં લેવા જોઈએ. ચર્ચા વિચારણા થવી જોઈએ. જેન્યુઇન વેપાર કરનાર કોઈ કાપડનો વેપારી મિલ માલિકના રૂપિયા દબાવી રાખી વેપાર કરવા માંગતો નથી. પેમેન્ટને લીધે મિલ બંધ થાય એવું પણ કોઈ વેપારી ઇચ્છતો નથી. મિલ માલિક અને વેપારી સહમતીથી પેમેન્ટ ધારા મુજબ કામ કરે, મિલ માલિકોનું એસોસિએશન કોઈ નિર્ણય વેપારીઓ પર થોપે નહીં.

Most Popular

To Top