સુરત: (Surat) સુરતની કાપડ માર્કેટના (Textile Market) વેપારીઓ દ્વારા ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટર (Transporter) પાસે બીજાં રાજ્યોમાં કાપડના પાર્સલોની (Parcel) ડિલિવરી કરાવવામાં આવે છે. યુપી, બિહાર, ઝારખંડ, દિલ્હી, બંગાળ, રાજસ્થાન જેવાં રાજ્યોમાં કાપડનાં પાર્સલ પહોંચ્યા પછી રિટર્નમાં પાર્સલ મળતાં નહીં હોવાથી ટ્રકો બહારગામ અટકી રહે છે. તેનું કારણ એ છે કે, ડીઝલના ભાવ લિટરે 100 રૂપિયા ઉપર પહોંચી જતાં ટ્રાન્સપોર્ટરને એક તરફનું ભાડું પરવડતું નથી. તેથી ટ્રકો અટકી રહેતાં 30 ટકા કાપડની ડિલિવરીને અસર થઈ છે.
એક સમયે દિવાળીની સિઝનમાં જ્યાં રોજ 400 ટ્રક ભરી બહારગામ કાપડ જતું હતું તેના બદલે હવે 300થી 350 ટ્રક જઈ રહી છે. ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટર યુવરાજ દેસલે કહે છે કે, ડીઝલ મોંઘું થતાં રિટર્નમાં કેમિકલ, દવાઓ, મશીનરી લાવવા રાહ જોવામાં આવે છે. કેટલાક પાસે કામનું ભારણ વધુ છે. તેના લીધે વેઇટિંગ વધતાં નવી ડિલિવરી કે બુકિંગ લેવાનું બંધ કરવામાં આવ્યું છે. રિટર્ન ગુડ્ઝ માટે પણ હવે ભાવ લેવામાં આવી રહ્યો છે. અગાઉ એક કરતાં વધુ વેપારીઓનું ભેગો માલ પરત લાવવામાં આવતો હતો.
ટ્રાન્સપોર્ટથી રિટર્ન આવેલા કાપડના પાર્સલ પર વધારાના ચાર્જ વસુલાશે
સુરત: સુરત જિલ્લા ટેક્સટાઇલ માર્કેટિંગ ટ્રાન્સપોર્ટ લેબર યુનિયનના પદાધિકારીઓની આજે યોજાયેલી બેઠકમાં ટ્રાન્સપોર્ટથી રિટર્ન આવેલા કાપડના પાર્સલ પર વધારાની મજૂરી વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિટર્ન ગુડઝમાં વેપારીઓ વધારાનો ચાર્જ ચુકવતા નહીં હોવાથી કામદારોને વિના મૂલ્યે બમણી મજૂરી કરવી પડતી હતી.
યુનિયનના પ્રમુખ ઉમાશંકર મિશ્રા અને પ્રવક્તા શાન ખાને જણાવ્યું હતું કે દિવાળી સિઝનમાં ટ્રાન્સપોર્ટથી મોટી સંખ્યામાં પાર્સલ રિટર્ન આવી રહ્યા છે. વર્તમાન પરિસ્થિતિમાં ટ્રાન્સપોર્ટ દ્વારા બુકિંગ ન લેવાના કારણે લગભગ 25 થી 30 ટકા પાર્સલો પરત આવી રહ્યા છે. કેટલીકવાર એક જ પાર્સલને 3 થી 4 વાર ટ્રાન્સપોર્ટમાં લઇ ગયા પછી પણ માલ રિટર્ન આવે છે જેનું ફરી બુકિંગ કરવામાં આવે છે, વ્યાપારીઓ દ્વારા રિટર્ન પાર્સલોનું કોઈ પણ વધારાના ચાર્જ ચૂકવવામાં આવતો નથી. તેને કારણે મજૂરોને ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે, યુનિયન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે વેપારીઓને પરત આવેલા તમામ પાર્સલ પર વધારાના ચાર્જ ચૂકવવા પડશે, રિટર્ન પાર્સલ માટે વધારાનો ચાર્જ જે વેપારી ચુકવશે તે વેપારીઓના પાર્સલ કામદારો ઉપાડશે નહીં.