SURAT

ગોતાલાવાડી ટેનામેન્ટના અસરગ્રસ્તોની દિવાળી સુધરી: હાઇકોર્ટનો 1304 પરિવારને રાહત આપતો આદેશ

સુરત: (Surat) છેલ્લાં ત્રણ વર્ષથી અટવાયેલા અને 14 માસથી કોર્ટ કેસના કારણે અધ્ધરતાલ થઇ ગયેલા ભાજપ શાસકો માટે ગળાનું હાડકું બની ચૂકેલા કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટ (GotalaVadi Tenement) રિ-ડેવલપમેન્ટ (Redevelopment) કેસમાં સામી દિવાળીએ હાઇકોર્ટે (High Court) 1304 પરિવારને રાહત આપતો આદેશ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. કોર્ટ દ્વારા મનપાએ ઇજારદારને બ્લેકલિસ્ટ કરવા માટે કરેલા નિર્ણયમાં ફેરવિચારણા કરી આ ઇજારદાર પાસે જ સ્થળ પર તત્કાળ અસરથી પ્રોજેક્ટનું કામ શરૂ કરાવવા મનપાને આદેશ આપ્યો છે. ઉપરાંત ઇજારદારને નવેમ્બર મહિનાથી અસરગ્રસ્ત પરિવારોને નક્કી કરેલું ભાડું ચૂકવવાનું ચાલુ કરવા હુકમ કરવામાં આવ્યો છે. જેના પગલે 1304 પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે.

  • ગોતાલાવાડી ટેનામેન્ટના અસરગ્રસ્તની દિવાળી સુધરી : જૂના ઇજારદાર સાથેનો કોન્ટ્રાક્ટ રદ કરવાના મનપાનો નિર્ણય કોર્ટે રદ કર્યો
  • ઇજારદાર આવતા માસથી ટેનામેન્ટધારકોને ભાડું ચૂકવે તેવો પણ હાઈકોર્ટનો હુકમ
  • ગોતાલાવાડી ઓનર્સ એસોસિયેશનની જીત થતાં 1304 પરિવારમાં 15 દિવસ પહેલાં જ દિવાળીનો માહોલ

ગોટાલાવાડી ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં ઇજારદાર દ્વારા ભારે વિલંબ બાદ વિવાદ થતાં મનપા દ્વારા ઠરાવ કરી ઇજારદાર જે.પી.ઇસ્કોનને બ્લેકલિસ્ટ કર્યો હતો. જો કે, મંદીના માહોલમાં જો આ ઇજારદાર બ્લેકલિસ્ટ થાય તો નવો ઇજારદાર મળવો મુશ્કેલ હોવા ઉપરાંત પ્રોજેક્ટ વધુ ડીલે થાય તેવી દલીલ સાથે અસરગ્રસ્તોએ ગોતાલાવાડી ઓનર્સ એસોસિએશન દ્વારા પૂર્વ કોર્પોરેટર અને હાલમાં શિક્ષણ સમિતિ ઉપચેરમેન સ્વાતિ સોસાની આગેવાનીમાં આંદોલન પણ થયું હતું અને કેસ આખરે 14 માસ બાદ હાઇકોર્ટમાં અસરગ્રસ્તોના હિતમાં હુકમ થતાં અહીં 15 દિવસ પહેલાં જ દિવાળી જેવો માહોલ સર્જાયો છે.

હાઇકોર્ટ દ્વારા કરાયેલા હુકમ
-ઇજારદાર જે.પી.ઇસ્કોનને બ્લેક લિસ્ટ કરવાનો મનપાનો ઠરાવ રદ કરવો
-ઇજારદાર સાથે રદ કરાયેલું એગ્રીમેન્ટ યથાવત રાખવું
-ઇજારદારને સ્થળ પર કામ ચાલુ કરવા મનપાએ તમામ સહકાર આપવો
-ઇજારદારે 11મા મહિનાથી અસરગ્રસ્તોને એગ્રીમેન્ટ મુજબ નિયમિત ભાડું ચૂકવવાનું શરૂ કરવું
-ઇજારદારે એગ્રીમેન્ટમાં આપેલી બાંયધરી મુજબ લાઇબ્રેરી સહિત સાત માળનું બાંધકામ નક્કી કરેલા વધારાના ફ્લેટ મનપાને આપવા સહિતની શરતોનું પાલન કરવું

Most Popular

To Top