સુરત: (Surat) સુરતના કાપડ ઉદ્યોગમાં (Textile Industries) થતાં ઊઠમણામાં મોટાભાગે રાજસ્થાની કે સૌરાષ્ટ્રવાસી વેપારી સામે ફરિયાદો નોંધાતી આવી છે. વર્ષો પછી સુરતી કાપડનો વેપારી ઊઠી જવાનો પ્રથમ કિસ્સો સામે આવ્યો છે. ફોસ્ટાના સૂત્રોના જણાવ્યાં મુજબ ટીટી માર્કેટમાં જુદી જુદી ફર્મના નામે સાડીનો વેપાર કરનાર જે. દાઢી નામનો કાપડનો વેપારી (Textile Trader) ત્રણ દિવસ પહેલા દુકાનને તાળું મારી ગાયબ થઈ જતા મોટા ભાગના સુરતી લેણદારો ભટારમાં કાપડિયા હેલ્થ ક્લબ સામે આવેલી સોસાયટીમાં પહોંચ્યા હતાં.
- ટીટી માર્કેટનો જે.દાઢી નામનો કાપડનો વેપારી સાડીના વેપારીઓ પાસે ક્રેડિટ પર માલ વેચવા લઈ ઘરને તાળું મારી નાસી છૂટ્યો
- ઉઠમણામાં સુરતી વેપારીઓ સહિત સાડીના 12 વેપારીનું પેમેન્ટ ફસાયું
- વેપારીઓ ભેગા મળી ફોસ્ટામાં રજૂઆત કરશે
- વર્ષો પછી સુરતી કાપડનો વેપારી 4 કરોડમાં ઊઠી ગયો
- કાપડ ઉદ્યોગમાં થતાં ઉઠમણાંમાં મોટા ભાગે રાજસ્થાની કે સૌરાષ્ટ્રવાસી વેપારી સામે નોંધાતી ફરિયાદો
તપાસ કરતાં જે. દાઢી બે દિવસ પહેલા પોતાના બંને પુત્રો, વહુઓ, પૌત્ર સહિતના પરિવાર સાથે ઘરને તાળું મારી નાસી છૂટ્યો હતો. આ ઉઠામણામાં 12 થી 15 વેપારીઓની 4 થી 5 કરોડની મૂડી ફસાઈ છે. જયુ દાઢી ધાર્મિક નામો સાથે 3 ફર્મ થકી ઉધાર ખરીદી કરી વર્ષોથી વેપાર કરતો હતો. લોકોનો વિશ્વાસ કેળવી તેણે કોરોના સંક્રમણ પહેલા મોટાપાયે સાડીની ખરીદી કરી હતી. બીજી લહેર પછી લેણદારોને પેમેન્ટનો એક-એક હપ્તો આપી દેવું થઈ ગયું છે કહી હાથ ઊંચા કરી લીધા હતાં. લેણદારોએ દબાણ વધારતા તે દુકાનને તાળું મારી ગાયબ થઈ ગયો હતો. છોકરાઓ, વહુઓ, પૌત્ર સાથે ઘરને તાળું મારી ભાગી ગયો છે. ઉઠમણું કરનાર કાપડિયા હેલ્થ ક્લબ પાસે આવેલી સોસાયટીમાં રહે છે. આ ઉઠામણામાં સુરતી વેપારીઓ સહિત સાડીના 12 થી જેટલા વેપારીઓનું પેમેન્ટ ફસાયુ છે. આવતીકાલે વેપારીઓ ભેગા મળી ફોસ્ટામાં રજૂઆત કરવા જશે.