સુરત: કોરોના સંક્રમણની પ્રથમ અને બીજી લહેર (corona wave)માં સુરતની કાપડ માર્કેટ (textile market)ની દુકાનો અને અન્ય રાજ્યોની કાપડ મંડીઓ બંધ રહેતાં સુરતના કેટલાક પ્રોસેસર્સ અને ટ્રેડર્સે કોરોનાનો રોગચાળો લાંબો સમય રહેવાનો છે એવું અનુમાન લગાવી ભારતીય અને વિદેશી ઇ-કોમર્સ કંપનીઓ સાથે કરાર કરી તેમની પ્રોડક્ટ ઓનલાઇન (online selling) વેચવા માટે મૂકી છે. જેને લીધે કોરોનાકાળમાં વેચાણમાં વધારો તો થયો છે, પરંતુ તેની સાથે નવી સમસ્યા પણ ઉદભવી છે.
ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર સાડી અને ડ્રેસ મટિરિયલ્સ વેચનારાઓને ખાયા-પિયા કુછ નહીં ગ્લાસ તોડા આઠ આના જેવો ઘાટ પણ થાય છે. કારણ કે, કેશ ઓન ડિલિવરીમાં રિટર્ન ગુડ્સનું પ્રમાણ વધીને 30થી 40 ટકા સુધી પહોંચી ગયું છે. લોકો સાડી અને ડ્રેસ મટિરિયલ્સ મંગાવ્યા બાદ ડિલિવરી સમયે ચેક કરે છે અને ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર રજૂ થયેલી પ્રોડક્ટ મુજબની નહીં જણાય તો પરત કરે છે. ત્યારે માલની ડિલિવરી અને રિટર્ન કુરિયરનો ખર્ચ એમ બમણો ખર્ચ માથે પડે છે.
જ્યારે સુરતની કંપનીઓનો ઇ-કોમર્સ કંપનીઓ સાથેનો કરાર એવો છે કે, ગ્રાહક સાડી અને ડ્રેસ મટિરિયલ્સનો ઉપયોગ કર્યા પછી તેમાં કોઇ ડિૅફેક્ટ આવે તો 15 દિવસમાં તેને પરત કરી શકે છે. કંપનીઓએ આ પરત થયેલી વસ્તુની પૂરેપૂરી રકમ ચૂકવવાની હોય છે. અથવા તો ગ્રાહક ઇચ્છે તો નવી પ્રોડક્ટ મંગાવી શકે છે. કોરોનાના 14 મહિના દરમિયાન ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર સુરતની 10-12 કંપનીઓની પ્રોડક્ટ બેસ્ટ સેલર રહી છે. મોટા ભાગે પાંડેસરા, સચિન જીઆઇડીસી અને કડોદરા, પલસાણાની ટેક્સટાઇલ કંપનીઓેએ આ પ્રોડક્ટ રજૂ કરી હતી.
પાંડેસરા જીઆઈડીસીની સાડીની પ્રોડક્ટ જાણીતી ઇ-કંપનીના પ્લેટફોર્મ પર બેસ્ટ સેલર બની
કોરોનાકાળમાં ઓછી કિંમતની અથવા મધ્યમ કિંમતની સાડીની ડોમેસ્ટિક માર્કેટમાં ભારે ડિમાન્ડ જોવા મળી છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ ફ્લિપકાર્ટ પર છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન 260 રૂપિયાથી 500 રૂપિયા સુધીની સાડીનું વેચાણ વધ્યું છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ પર તમામ સેગમેન્ટનાં વેચાણ પર સુરતની પાંડેસરા જીઆઇડીસી સ્થિત મિલની સાડી બેસ્ટ સેલર સાબિત થઇ છે. ડિજિટલ પ્લેટફોર્મ પર તેનું ખૂબ વેચાણ થયું હોવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. તેને જોતાં હવે અન્ય લોકો પણ આ પ્લેટફોર્મ પર આવવા માટે વિચારી રહ્યા છે.