સુરત: વહીવટી તંત્ર દ્વારા સુરતની કાપડ માર્કેટો (surat textile market) સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ખોલવાની (open till 6pm) છૂટ આપવામાં આવતાં સમગ્ર ટેક્સટાઇલ ચેઇનમાં પ્રોડક્શન શરૂ (production start) થયું છે. ડાઇંગ પ્રોસેસિંગ એકમો પછી હવે વિવિંગ અને એમ્બ્રોઇડરીનાં કારખાનાં પણ શરૂ થયાં છે.
ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિયેશન( fogva)ના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, કાપડ માર્કેટ શરૂ થતાં વિવિંગનાં 50 ટકા એકમો એક પાળી શરૂ થયા છે. હજી કારીગરોની ઘટ છે. કારખાનેદારો દ્વારા 10 કારીગરને યુપી, બિહાર અને ઓડિશાથી પરત લાવવા 10 ટિકિટ મોકલવામાં આવે છે તેની સામે 4 કારીગર સુરત આવે છે. અત્યારે 25થી 30 ટકા કારીગરોની હાજરી સાથે વિવિંગ એકમો ચાલુ થયાં છે.
પાંડેસરા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ કમલ વિજય તુલસ્યાને જણાવ્યું હતું કે, સુરતમાં કાપડ માર્કેટ શરૂ થતાં ડાઇંગ પ્રોસેસિંગ ઉદ્યોગમાં પણ પોઝિટિવ માહોલ ઊભો થયો છે. મિલમાલિકોને ટ્રેડર્સ દ્વારા નવા પ્રોગ્રામના ઓર્ડર મળવાના શરૂ થયા છે. ઉત્તર ભારતમાં પણ યુપી, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશમાં મંડીઓ શરૂ થઇ છે. ધીમી ગતિએ હવે માલ ડિસ્પેચ થવાનું શરૂ થયું છે. વિવિંગ એકમો અને મિલો શરૂ થતાં એમ્બ્રોઇડરીનાં કારખાનાં પણ હવે શરૂ થયાં છે. એમ્બ્રોઇડરી જોબવર્ક એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા મુજબ અત્યારે ઓછા કારીગરોની હાજરી વચ્ચે 25 હજાર જેટલાં એમ્બ્રોઇડરી મશીન કાર્યરત થઇ ગયાં છે. સુરત જિલ્લામાં કડોદરા, પલસાણા, સાયણ, જોળવા અને માંગરોળમાં કાર્યરત ટેક્સ્યુરાઇઝિંગ યુનિટો પણ શરૂ થયાં છે. એ રીતે સંપૂર્ણ ટેક્સટાઇલ ચેઇનમાં ઉત્પાદન શરૂ થયું છે. ઉદ્યોગકારો કહે છે કે, ઉત્તર ભારતમાં અને ઓડિશામાં 15 જૂન સુધી ખેતીનું કામ પૂરું થયા પછી બાકીના કામદારો પણ સુરત પરત આવી જશે અને જુલાઇ મહિનાથી ઉદ્યોગ 100 ટકા વર્કિંગ કેપેસિટીમાં આવશે.
દક્ષિણ ભારતનાં રાજ્યોમાં લોકડાઉનને લીધે સચિન-હોજીવાલાના હાઇસ્પીડ લૂમ્સ 15 ટકા શરૂ થયાં
સચિન જીઆઇડીસીના વિવર્સ અગ્રણી મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે, શહેરમાં 1 લાખથી વધુ હાઇસ્પીડ લૂમ્સ સચિન જીઆઇડીસી અને હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં આવેલાં છે. પરંતુ દક્ષિણ ભારતમાં લોકડાઉનને લીધે માત્ર 15 ટકા યુનિટ ફરી શરૂ થયાં છે. ડોમેસ્ટિક ડિમાન્ડ ઓછી છે. આ વિસ્તારની ઇન્ડસ્ટ્રી ઊંચી કિંમતની સાડી માટેનું કાપડ બનાવે છે. જેનો મુખ્ય વેપાર કર્ણાટક, તામિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે છે. જ્યાં હજી લોકડાઉન જેવી સ્થિતિ છે. પશ્ચિમ બંગાળમાં 10 ટકા મંડીઓ શરૂ થઇ છે. પરંતુ કોરોનાની પ્રથમ અને બીજી લહેરને લીધે રેપિયર, વોટરજેટ અને એરજેટ જેવા હાઇસ્પીડ લૂમ્સ ચલાવનાર વિવર્સની કેડ તૂટી ગઇ છે. પ્રોડક્શન કરવામાં માલનો ભરાવો થવાનો ભય રહે છે. આ રાજ્યોનું સચોટ ચિત્ર 10 જૂન પછી ખબર પડશે.