સુરત: (Surat) શહેરમાં એક જ દિવસમાં એક સાથે બે મહિલાઓ દ્વારા તાપી નદીના (Tapi River) હોપ પુલ (Hope bridge) પરથી આપઘાતનો પ્રયાસ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે એક મહિલાને બચાવી લેવામાં આવી છે જ્યારે બીજી મહિલાએ હોપ પુલ પરથી તાપીમાં ઝંપલાવી દીધું હતું. જેને બચાવવા એક યુવક પણ તેની પાછળ કૂદી પડ્યો હતો પરંતુ મહિલા પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી.
શહેરના હોપ પુલ પર મંગળવારે એક સાથે બે ચકચારી બનાવો બન્યા હતા. જેમાં એક મહિલાનું મોત થયું હતું જ્યારે બીજી મહિલાને બચાવી લેવાઈ હતી. ભરબપોરે બનેલી આ ઘટનાને લઈ લોકોના ટોળા પુલ ઉપર ભેગા થઈ ગયા હતા. બચાવવા તાપી નદીમાં કૂદી પડેલા યુવકે કહ્યું હતું કે, ખૂબ જ દુઃખ થાય છે કે હું એને બચાવી ન શક્યો. લોકોએ ઘટનાની જાણ ફાયરને કરતા ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક હોપ પુલ પર દોડી આવ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે એક મહિલાને તો બચાવી લેવાઈ છે. જોકે બીજી મહિલા નદીના પાણીના વહેણમાં તણાઈ ગઈ હોવાનું પ્રાથમિક કહી શકાય છે જેની શોધખોળ હાથ ધરાઈ છે.
શહેરના વિનસ હોસ્પિટલની નર્સે બ્રિજ પરથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ચોક બજાર તાપી નદી હોપ પુલ પરથી તેણે કૂદકો માર્યો હતો. પુષ્પાબેન બિપિનભાઈ વાઘે તાપી નદીમાં ઝંપલાવ્યું હોવાની માહિતિ મળતા જ ફાયર વિભાગ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અંગત કારણોસર પગલું ભર્યું હોવાનું જાણવા મળ્યું છે. ફાયર વિભાગે તપાસ શરૂ કરી છે. દીકરીના આપઘાતને પગલે પરિવારજનોએ કલ્પાંત કરી મૂક્યો હતો.
પુષ્પાને બચાવવા માટે તેની પાછળ તાપીમાં કૂદનાર આદિલ શેખએ જણાવ્યું હતું કે બે મહિલાઓ બ્રીજ ઉપર ચઢી હતી. ત્યારબાદ કોઈક સાથે ફોન પર વાત કરીને એક તાપી નદીમાં કૂદી પડી હતી. જ્યારે બીજી મહિલા કૂદે તે પહેલાં જ તેને બચાવી લેવાઈ હતી. તાપીમાં ઝંપલાવનાર મહિલાને બચાવવા તે તાત્કાલિક દોડી ગયો હતો અને નદીમાં કૂદીને પુષ્પાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે એ મને પાણીમાં ખેંચી રહી હતી એટલે હું એને છોડી કિનારે આવવા મજબૂર બન્યો હતો. આદિલે કહ્યું કે મને ખૂબ જ દુઃખ થાય છે કે હું એને બચાવી ન શક્યો.