સુરત: (Surat) સુરત શહેરની જીવાદોરી સમાન તાપી નદી અત્યારે કતારગામ કોઝવેથી મગદલ્લા સુધી મૃતઃપ્રાય બની ચૂકી છે. હવે સુરત શહેર માટે અત્યંત મહત્ત્વનો એવો કન્વેન્શિયલ બેરેજનો પ્રોજેક્ટ મંજૂર થઇ ચૂક્યો છે. રૂંઢ અને ભાઠા વચ્ચે નદી પર 13 મીટરની હાઇટનો આ બેરેજ બન્યા બાદ તાપી નદી શહેર વચ્ચેથી માંડીને ગાય પગલા સુધી છલોછલ ભરેલી દેખાશે. તેથી તાપી નદીના (Tapi River) કિનારા પર પિકનિક પોઇન્ટ બને તેવા પ્રોજેક્ટ સાકાર કરવામાં આગળ વધી શકાશે.
આ શક્યતાને ધ્યાને રાખીને સુરતમાં અમદાવાદના રિવરફ્રન્ટ (RiverFront) જેવો નયનરમ્ય રિવરફ્રન્ટ સાકાર કરવાનો પ્રોજેક્ટ (Project) તૈયાર કરાયો છે. જેના 3904 કરોડના અંદાજને સૈદ્ધાંતિક મંજૂરી પણ અપાઇ ચુકી છે. આ પ્રોજેકટ માટે વર્લ્ડ બેંકે (World Bank) પણ લોન આપવા અંગે રસ દાખવ્યો છે. આ લોન લેવા માટે કેન્દ્ર સરકારની વિવિધ વિભાગોની સહમતી હોવી જરૂરી છે. આ અંગે મ્યુનિ.કમિ. બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, સુરતના આ પ્રોજેકટને વર્લ્ડ બેંક લોન આપે તે માટે નીતિ આયોગે પણ મંજૂરી આપી દીધી છે. અગાઉ કેન્દ્ર સરકારના મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર દ્વારા પણ મંજૂરી મળી ચૂકી છે. હવે માત્ર સેન્ટ્રલ વોટર કર્ન્ઝવેશન બોર્ડની મંજૂરી બાકી છે. જો કે તે પણ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક અફેર્સની હવે પછીની મીટિંગમાં મળી જશે તેવી આશા કમિ. બંછાનિધી પાનીએ વ્યકત કરી છે.
આ પ્રોજેક્ટની વિગતો એવી છે કે, રૂંઢ અને ભાઠા વચ્ચે બેરેજ બની જતાં પાણીથી ભરેલી તાપી નદીના બંને તરફ આવેલા અને સુરત શહેરમાંથી પસાર થતાં ૩૩ કિ.મી.ના પટ એટલે કે ૬૬ રનિંગ કિ.મી. વિસ્તારને આકર્ષક બનાવવા માટે રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટનું આયોજન કરાયું છે. આ પ્રોજેક્ટ માટે 3904 કરોડના અંદાજ બનાવાયા છે. આ પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન થોડા દિવસો પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ પણ કરાયું હતું. અને રૂપાણી પણ પ્રભાવિત થયા હતા. તેમજ ઝડપથી આ પ્રોજેક્ટમાં આગળ વધવા લીલી ઝંડી આપીને જમીન સંપાદન તેમજ અન્ય સરકારી કાર્યવાહી માટે સંબંધિત વિભાગોને પણ મનપાને સહકાર આપવા આદેશ કરી દીધા છે. હવે શાસકો આ અંદાજોને મંજૂરી આપે એટલે નક્કર પ્લાનિંગ સાથે આગળ વધી શકાશે.