સુરત: (Surat) શહેરના વકિલો મહિનાઓથી જેની રાહ જોતા હતા તે સુરત ડીસ્ટ્રીક્ટ બાર એસોસિએશનનીં (Surat District Bar Association) વર્ષ 2024 માટેની ચૂંટણી (Election) આજ રોજ શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. જેમાં પ્રમુખ તરીકે પટેલ ઉદયકુમાર હસમુખલાલ 1937 મત મેળવી વિજયી થયા હતા. ઉપપ્રમુખ તરીકે શાહ અભિષેક સતિષભાઈ, મંત્રી પદ પર પટેલ અશ્વિનકુમાર ઠાકોરભાઈ, સહમંત્રી પદ પર બક્કરીયા નિર્મલ જમનાદાસ (નેવિલ) તેમજ ખજાનચી પદ પર પટેલ અનુપ કુમાર રજનીકાંતનો વિજય થયો હતો.
પ્રમુખપદ, ઉપપ્રમુખપદ, મંત્રી, સહમંત્રી અને ખજાનચી ઉપરાંત 11 કારોબારી સભ્યો માટે ચૂંટણી હોવાથી આ વખતે વકિલોમાં ભારે ઉત્સુક્તા હતી. સવારે 9 વાગે શરૂ થયેલું મતદાન બપોરે 4.30 વાગ્યા સુધી ચાલુ રહ્યું હતું. ત્યાર બાદ પણ કેટલાક વકિલો મતદાન માટે આવ્યા પરંતુ સમય થઈ ગયો હોવાથી તેમને મતદાન કરવા દેવાયું ન હતું. કોર્ટ બિલ્ડિંગમાંથી મળતી માહિતી અનુસાર ગત વર્ષે પ્રમુખપદ માટે 8 ઉમેદવાર હતા અને આ વખતે પ્રમુખપદ માટે માત્ર ત્રણ ઉમેદવાર હોવા છતાં ગત વર્ષની તુલનામાં વકિલોમાં ભારે ઉત્સાહ હતો. તેનું કારણ કોર્ટ બિલ્ડિંગસ્થળાંતર મુદ્દો છે. ખાસ કરીને પ્રમુખપદના ઉમેદવારો એડવોકેટ ઉદય પટેલ, એડવોકેટ તરમીશ કણિયા તેમજ એડવોકેટ હિરલ પાનવાલાએ એડીચોટીનું જોર લગાવ્યું હતું.
કોર્ટ બિલ્ડિંગમાં માત્ર ઉમેદવારો કે વકિલો જ નહીં પરંતુ ઉમેદવારોના પરિવારના સભ્યો અને મિત્ર વર્તુળ પણ ઉમેદવારોનો ઉત્સાહ વધારવા આવ્યા હતા. વકિલ મતદાર મત આપતા મતકુટીર સુધી જાય ત્યાર સુધી તમામ ઉમેદવારનો ટેકેદારો પોતાના ઉમેદવારના તરફેણમાં મત આપે તે માટે સમજાવતા જોવા મળ્યા હતા. છેલ્લી ઘડિ સુધીમાં 3054 વકિલ મતદારોએ મતદાન કર્યું હતું. જે આ વર્ષે નોંધાયેલા કુલ મતદારો 4619ના 70 ટકા થાય છે. ઉલ્લેખનીય છે કે ગતવર્ષે 3887 વકિલ મતદારો નોંધાયા હતા. તે પૈકી 2833 વકિલ મતદારોએ મતદાન કર્યું હતું.
કોને કેટલા મત મળ્યા?
પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં વિજેતા ઉમેદવાર પટેલ ઉદયકુમાર હસમુખલાલને 1937 મત મળ્યા હતા જ્યારે હિરલ બેનને 347 મત અને ટરમીશભાઈને 740 મત મળ્યા હતા. ખજાનચી પદના ઉમેદવાર અનુપકુમાર રજનીકાંત પટેલને 1191 મત અને મયંકકુમાર કાંતીલાલ ચોહાણને 1017 મત અને બ્રિજેશકુમાર કાંતિભાઈ લાઠિયાને 783 મત મળ્યા હતા. સહમંત્રી પદના ઉમેદવાર નિર્મલ જમનાદાસ બાકરિયાને 1765 મત અને વિશાલભાઈ છગનભાઈ લાઠિયાને 1259 મત મળ્યા હતા. 29 મત રદ્દ થયા હતા. મંત્રીપદના ઉમેદવાર અશ્વિનકુમાર ઠાકોરભાઈ પટેલને 1528 મત, નિલેશકુમાર રમેશભાઈ માનિયાને 1487 મત મળ્યા હતા. 33 મત રદ્દ થયા હતા. ઉપપ્રમુખ પદના ઉમેદવાર અભિષેક સતીષભાઈ શાહને 1858 મત અને અનિલ દેવીદાસભાઈ જાદવને 1168 મત મળ્યા હતા.
પરિણામ પહેલા જ ઢોલનગારાવાળાઓને બોલાવી લીધા
ચૂંટણીનું પરિણામ આવતા વકિલોમાંક હી ખુશી કહી ગમ જેવો માહોલ હતો. ખાસ વાત તો એ છે કે પરિણામ પહેલા જ તમામ ઉમેદવારોને એવો પાકો વિશ્વાસ હતો કે તે જ જીતશે.