સુરત: સુરતમાં (Surat) એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં 15 વર્ષના પુત્રએ પોતાના જ પિતા પર ચપ્પુથી હુમલો (Son Attack on Father) કર્યો છે. આ ઘટનાને પગલે આસપાસના લોકો ડરી ગયા હતા. પરિવારને પણ ઘેરો આઘાત લાગ્યો હતો. આ કેસની વિગત એવી છે કે સુરતના ઉધના વિસ્તારમાં આવેલા પાલિકાના સાઈ આવાસ ખાતે બિલ્ડિંગ નં. 2ના ચોથા માળે રૂમ નંબર 15માં નવઘણ ઉર્ફે રવી રંકનિધિ (ઉં.વ. 42) પોતાની પત્ની અને 15 વર્ષના પુત્ર સાથે રહેતા હતા. રવીને નશો કરવાની ટેવ હતી. નશો કર્યા બાદ તે પત્ની અને પુત્ર સાથે અવારનવાર માથાકૂટ કરતો હતો.
21 નવેમ્બરે પણ દારૂના નશામાં રવીએ પત્ની સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ ઘરેથી જતો રહ્યો હતો અને બીજા દિવસે સવારે પાછો આવ્યો હતો. અને ફરી મગજમારી કરી હતી. 15 વર્ષના પુત્ર સાથે પણ ઝઘડો કર્યો હતો. ઝઘડો ઉગ્ર બન્યો હતો. ગુસ્સામાં પુત્ર પિતાને મારવા તૈયાર થયો હતો અને શાકભાજી કાપવાના ચપ્પાથી પિતાને ઘા મારી દીધા હતા. પુત્ર એટલો ગુસ્સે ભરાયો હતો કે હથોડી લઈ રવીના કાનના ભાગે મારી દીધી હતી. માથાના ભાગે ઈજા થતા રવીનું મોત નિપજ્યું હતું. પોલીસે સગીર પુત્ર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પાંડેસરામાં પાણીના ટેન્કરે બાઈકને ઉડાવી દેતા યુવાનનું મોત
સુરત: પાંડેસરા પ્રતિભા મિલ ચોકડી પાસે પાણીના ટેન્કરની ટક્કરના લીધે બાઈક ચાલક યુવકનું મોત નિપજ્યું છે. આ કેસની વિગત એવી છે કે મૂળ યુપીના ફતેપુર જિલ્લાના ગાજીપુર થાણામાં આવેલા ખેસાહણ ગામના વતની અને હાલ નવાગામ ડીંડોલીની ગણપતિ ધામ સોસાયટીમાં રહેતા સોનુ સિંગ ધર્મપાલ સિંહ ઠાકોર પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે કે, સોનુ સિંગની ફોઈનો દીકરો પવન કુમાર લાલ કુમાર સિંગ પોતાની મોટર સાયકલ પર પ્રતિબંધ ચોકડી પાંડેસરા જીઆઈડીસી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બેફામ દોડતા ટેન્કર ચાલકે પવન કુમારની બાઈકને અડફેટે લેતા તે જમીન ઉપર ભટકાયો હતો, જેમાં તેને શરીરે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજયું હતું. ટેન્કરચાલક ટેન્કર મુકી નાસી છૂટ્યો હતો. આ અંગે પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસહાથ ધરી છે.