સુરત: (Surat) સુરતના શેખપુર ખાતે આવેલ એક સોસાયટીમાં 13 વર્ષથી રહેતા લોકોને અચાનક આખેઆખી સોસાયટીની (Society) હરાજી કરવાની નોટિસ (Notice) મળતા ત્યાંના રહેવાસીઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. શેખપુરની હરિદર્શન સોસાયટીમાં મકાન માલિકોને (Building Owners) 13 વર્ષ બાદ અચાનક ટાટા કેપિટલ ફાયનાન્સ તરફથી આખેઆખી સોસાયટીની હરાજીની (Auction) નોટિસ મળી હતી. જેના કારણે ત્યાંના રહેવાસીઓ પર જાણે આભ તૂટી પડ્યો હતો. આ ઘટનાને પગલે સોસાયટીના રહેવાસીઓ દોડતા થઈ ગયા હતા. મકાન માલિકોએ આ મામલે બિલ્ડરની ઓફિસ ઉપર મોટી સંખ્યામાં પહોંચીને વિરોધ નોંધાવ્યો હતો.
સુરતની શેખપુર ખાતે આવેલી હરિદર્શન સોસાયટીના બિલ્ડરે અગાઉ પ્રોજેક્ટ લોન લીધા બાદ બેંકમાં રૂપિયા ન ભર્યા હોવાથી સમગ્ર ઘટના બહાર આવી હતી. વર્ષ 2009માં આ સોસાયટી બની હતી. સોસાયટીમાં કુલ 1450 જેટલા રો- હાઉસ અને ફ્લેટ બન્યા હતા. આ રો-હાઉસ બન્યા બાદ તમામ રો-હાઉસ વેચી દેવાયા હતા. હવે 13 વર્ષ બાદ સોસાયટીને અચાનક જ મકાન ખાલી કરવાની નોટિસ મળી છે. ત્યાંના રહેવાસીઓને જાણવા મળ્યું છે કે આગામી 4 તારીખે તેમની સોસાયટીની હરાજી રાખવામાં આવી છે.
મકાન માલિકોને હરાજીની નોટિસ મળી ત્યારે તપાસ કરાતા જાણવા મળ્યું હતું કે બિલ્ડરે આ જગ્યા પર 52 કરોડ 26 લાખ રૂપિયાની પ્રોજેકટ લોન લીધી હતી. જેને પગલે સોસાયટીના લોકો આર સી એન્ડ કંપનીના બિલ્ડરને મળ્યા હતાં અને NOCની માંગ કરી હતી. તે સમયે બિલ્ડરે 45 દિવસનો સમય માંગ્યો હતો. પરંતુ 4 તારીખે હરાજી અંગેની જાણ થતાં અને નોટિસ મળતા મોટી સંખ્યામાં સોસાયટીના લોકો સુરતના સરથાણા ખાતે આવેલી આર સી એન્ડ કંપનીની ઓફિસ ખાતે પહોંચ્યા હતા. આ અંગે બિલ્ડર રમેશ હિરપરાએ જણાવ્યું કે બધાજ મકાન પર લોન બાકી નથી. કેટલાક મકાનો ઉપર પ્રોજેક્ટ લોનની રકમ ભરવાની બાકી છે. તે ભરવા માટેની પ્રક્રિયા અમે કરી રહ્યા છીએ. અમે બેંક પાસેથી વધુ 45 દિવસનો સમય માંગ્યો છે.