SURAT

સુરતમાં પહેલીવાર ગગનચુંબી 28 માળ ઊંચી બે બિલ્ડિંગ બનશે

સુરત: સુરત શહેરમાં પહેલીવાર 28 માળ ઊંચી બિલ્ડિંગ બનાવવાની મંજૂરી મળી ગઈ છે. શહેરના રિંગરોડ પર જૂની સબજેલવાળી જગ્યા પર સુરત મહાનગરપાલિકાના વહીવટી ભવન માટે આ ગગનચુંબી ઈમારત બનાવવામાં આવશે. લાંબા સમયથી અહીં પાલિકા માટે ઈમારત બનાવવા અંગે હિલચાલ ચાલી રહી હતી, પરંતુ હવે આખરે રાજ્ય સરકારની ટોલ બિલ્ડિંગ કમિટી તરફથી લીલી ઝંડી મળી ગઈ છે.

સુરત મનપાનું (SMC) નવું વહીવટી ભવન રિંગ રોડ ખાતે જૂની સબજેલવાળી જગ્યા ૫૨ બનશે. 28 માળના વહીવટી ભવન બિલ્ડિંગના બાંધકામ માટે રાજ્યની ટોલ બિલ્ડિંગ કમિટીએ મંજૂરી આપી દીધી છે અને ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરી દેવાઈ છે, ત્યારે હવે 28 માળની બે બિલ્ડિંગ વચ્ચે ગ્રાઉન્ડ લેવલથી 21.60 મીટર ઊંચાઈ સુધીના પોડિયમ તથા સીડીસીઆરની જોગવાઈ મુજબ પ્રોજેક્ટમાં લાગુ પડવા યોગ્ય સેટબેકમાંથી પણ મુક્તિ આપી છે.

દેશમાં પહેલીવાર એક જ છત નીચે મનપા, રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની ઓફિસો કાર્યરત થશે
અહીં 22,500 ચો.મી. જમીન પર મનપાના નવા વહીવટી ભવન બિલ્ડિંગ પ્રોજેક્ટમાં વિશેષતા એ છે કે, દેશમાં પ્રથમ વખત એક જ છત નીચે મનપા, રાજ્ય અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોની ઓફિસો કાર્યરત થશે. આ પ્રોજેક્ટમાં બંને બિલ્ડિંગોમાં કોમન રીતે ગ્રાઉન્ડ વત્તા 4 ફ્લોર સુધીના પોડિયમનું આયોજન કરાયું છે, જેમાં ડીસીઆરની મર્યાદાથી પોડિયમની હાઇટ વધુ હોવાધી મનપા દ્વારા સરકાર સમક્ષ વિશેષ મંજૂરી માટે ફાઇલ રજૂ કરવામાં આવી હતી. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ઓક્ટોબર માસના અંતમાં સુરત મનપાના સૂચિત વહીવટી ભવન બિલ્ડિંગના બાંધકામ પ્લાનને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.

આઠ વર્ષથી પ્રોજેક્ટ અટવાયો હતો
છેલ્લાં આઠ વર્ષથી વિવાદોમાં અટવાઇ રહેલા સુરત (Surat) મનપાના (SMC) નવા વહીવટી ભવન (New Administration Building) માટે ખાતમુહૂર્ત થવાનાં 8 વર્ષ બાદ આખરે ત્રણ મહિના પહેલાં ઓગસ્ટમાં જાહેર થયા હતા. માંડ હવે આ પ્રોજેક્ટ ફ્લોર પર આવ્યો છે અને આગામી ત્રણ વર્ષમાં મનપાને આધુનિક વહીવટી ભવન મળી જશે તેવી આશા રાખવામાં આવી રહી છે. કારણ કે, છેક વર્ષ-2014માં તત્કાલીન મુખ્યમંત્રી આનંદી પટેલના હસ્તે સબજેલવાળી જગ્યા પર વહીવટી ભવન માટે ભૂમિપૂજન થયું હતું. ત્યારથી પ્રોજેક્ટ અટવાઇ રહ્યો હતો. રાજકીય દાવપેચમાં અટવાયેલા આ પ્રોજેક્ટનો મુદ્દો છેક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો હતો. આખરે ત્યાંથી લીલી ઝંડી મળ્યા બાદ હવે સંઘ કાશીએ પહોંચે તેવી આશા ઊભી થઇ છે.

28 માળના બે ટાવર માટે 1080 કરોડનો ખર્ચ કરાશે
અત્યાધુનિક એવી 106 મીટર ઊંચાઈ અને 28 માળના બે ટાવર ધરાવતા વહીવટી ભવન માટે 1080 કરોડ રૂપિયાનાં ટેન્ડર બહાર પડ્યાં છે, જેમાં 1000 કરોડ ઇમારત માટે અને 80 કરોડ પાંચ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સુરત મનપાના નવા વહિવટી ભવનને આઇકોનિક બનાવવા માટે ખાસ સૂચના અપાઇ હોય, સબજેલની 22,563 ચોરસ મીટર જમીન પર બનનારી આ ઇમારતમાં 28-28 માળના બે ટાવર હશે. બન્નેની ઉંચાઇ 109.15 મીટરની હશે, આ ઇમારત દક્ષિણ ગુજરાતની સૌથી ઉંચી બિલ્ડિંગ હશે અને દેશની સૌથી ઉંચી સિટી ઇમારતોમાં તેની ગણના થશે. તેમજ અહી મોટા પ્રમાણમાં મુલાકાતીઓ આવવાના હોવાથી તેના માટે જરૂરી પાર્કિંગ માટે ભોંયતળિયે ચાર માળનું પાર્કિંગ તૈયાર કરાશે.

Most Popular

To Top