સુરત: (Surat) સુરત મનપાના (SMC) ભાજપ (BJP) શાસકોને ફિક્સમાં મૂકનાર અને માત્ર સાત વર્ષમાં જ ખંડેર બની જનાર ભેસ્તાન આવાસોનું (Bhestan aavas) કામ કરનાર ઇજારદાર (Contractor) એ.એમ.ભંડેરીને (A.M.Bhanderi) જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નામ સાથે જોડાયેલી પ્રધાનમંત્રી આવાસ યોજનાનું 47.61 કરોડનું કામ સોંપવા માટેની ભલામણ સાથે વહીવટી તંત્ર દ્વારા શાસકો સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવી હતી.
- ભેસ્તાનમાં જર્જરિત આવાસ બનાવનાર એ.એમ.ભંડેરીનાં આવાસ યોજનાના 47 કરોડના ટેન્ડર પર બ્રેક
- ભેસ્તાનમાં બનાવાયેલાં આવાસો માત્ર સાત વર્ષમાં જર્જરિત થઈ જતાં કૌભાંડની શંકા ઊઠી હોવાથી મનપા કમિશનર દ્વારા તપાસ પણ સોંપાઈ છે
જો કે, તાજેતરમાં જ સ્થાયી સમિતિ ચેરમેન દ્વારા ભેસ્તાન આવાસ યોજનાના નબળા કામ માટે જવાબદાર કોણ ? એ અંગે તપાસ કમિટી મૂકવા કમિશનરને નોંધ મૂકવામાં આવી હતી. જેના અનુસંધાને મનપા કમિશનરે નિવૃત્ત આઇ.એ.એસ. આર.જે.માકડિયાને તપાસ પણ સોંપી હોવાથી સ્થાયી સમિતિએ આ ટેન્ડરની મંજૂરી પર બ્રેક મારી દઇ દરખાસ્ત મુલતવી રાખી છે. તેમજ જ્યાં સુધી તપાસનો રિપોર્ટ ના આવે ત્યાં સુધી આ એજન્સીને કામ નહીં સોંપવાનો નિર્ણય લેવાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એ.એમ.ભંડેરીએ ભેસ્તાનમાં જે આવાસો બનાવ્યાં તે માત્ર સાત વર્ષમાં જ જર્જરિત થઇ જતાં સ્લેબના પોપડા પડવા સહિતની ઘટનાઓ બની હતી. તેમાં નિર્દોષ બાળકીનો જીવ પણ ગયો હતો. ત્યાર બાદ મનપા દ્વારા તેનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવાતાં આવાસો જોખમી હોવાનું બહાર આવતાં મનપાએ કરોડો રૂપિયા ખર્ચીને માત્ર સાત વર્ષમાં રિપેરિંગ શરૂ કરવું પડ્યું છે.
ભેસ્તાન આવાસ યોજનામાં કૌભાંડ અને ગોતાલાવાડી ટેનામેન્ટ વિવાદમાં જવાબદાર ? : માકડિયાને તપાસ સોંપાઈ
સુરત : સ્થાયી સમિતિ ચેરમેન દ્વારા માત્ર સાત વર્ષમાં ખખડી ગયેલા ભેસ્તાનનાં આવાસોમાં કયા અધિકારીની જવાબદારી નક્કી થાય છે. તેમજ ગોતાલાવાડી ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં પણ જે વિવાદ થયો તેના કારણે સુરત મનપાને 18 કરોડનો બોજ આવ્યો છે. તેથી આ પ્રકરણમાં પણ કયા અધિકારીના કારણે આવું થયું તેની તપાસ કરવા નોંધ મુકાઇ હતી. જેના અનુસંધાને રાજ્ય સરકારે સુરત મનપાના ડેપ્યુટી કમિશનર તરીકે મોકલેલા નિવૃત્ત આઇએએસ અધિકારી આર.જે.માકડિયાને મનપા કમિશનરે તપાસ સોંપી છે. તેમજ 30 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.