સુરત(Surat) : સુરત શહેરના લોકો તથા મોટા ગજાના ઉદ્યોગપતિઓ સાથે છેતરપિંડીનો (Cheating) ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના (SMC) કમિશનર (Municipal Commissioner) બંછાનિધિ પાનીના (Banchanidhi Paani) નામે કોઈ ચીટર દ્વારા ફોન (Fraud Call) કરી નાણાંની (Money) માંગણી કરવામાં આવી રહી હોવાની વિગતો સામે આવી છે. આવા ફ્રોડ ફોન થતા હોવાનું ધ્યાન પર આવતા સુરતના મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના અગ્ર રહસ્ય સચિવ દ્વારા જાહેર જનતા જોગ અપીલ (Appeal) કરવામાં આવી છે કે આવા ફોન કે મેસેજ પર ધ્યાન આપવું નહીં (Be Alert). તે ફોનને સાચા માની કોઈ આર્થિક વ્યવહાર કરવો નહીં.
- સુરતના ઉદ્યોગપતિઓને મનપા કમિશનરને નામે ફોન આવ્યા
- નાણાંની માંગણી કરવામાં આવતા ઉદ્યોગકારો ચોંક્યા
- રાજસ્થાનના કોઈ ઠગ દ્વારા ફોન કરાતા હોવાની આશંકા
- ફોન કે મેસેજ પર ધ્યાન નહીં આપવા પાલિકા તરફથી સૂચના
વાત જાણે એમ છે કે સુરતના લોકો અને ઉદ્યોગપતિઓને 7728969760 નંબર પરથી ફોન આવી રહ્યાં છે. ફોન કરનાર દ્વારા પોતે સુરત મનપાનો કમિશનર હોવાની ઓળખ આપવામાં આવે છે અને ત્યાર બાદ નાણાંની માંગણી કરવામાં આવે છે. આ બાબતની જાણકારી મનપાના અધિકારીઓને થતાં તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે.
સુરત મનપા કમિશનરના અગ્ર રહસ્ય સચિવ ઝવેર પટેલે જાહેર જનતા જોગ એક અપીલ કરી છે કે ઉપરોક્ત નંબર સુરત મહાનગર પાલિકાના કમિશનર બંછાનિધિ પાની, IAS સાહેબનો નથી. જેથી ઉપરોક્ત નંબર પરથી સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની તરીકે ઓળખ આપી ફોન અથવા મેસેજ આવે તો ધ્યાન લેવો નહીં. આ ફોન કોઈ ત્રાહિત વ્યક્તિ દ્વારા કરી લોકોને ઠગવામાં આવી રહ્યાં છે. દરમિયાન વધુમાં જાણવા મળ્યા મુજબ આ ફોન રાજસ્થાનથી કોઈ ઠગ દ્વારા કરવામાં આવતો હોવાની શંકા છે. ઠગને શોધવાની દિશામાં પાલિકા દ્વારા ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસની મદદ લેવામાં આવશે.
તમને જણાવી દઈએ કે છેલ્લાં કેટલાંક સમયથી સાયબર ફ્રોડના કિસ્સા ખૂબ વધ્યા છે. પ્રસિદ્ધ વ્યક્તિઓ તરીકે ઓળખ આપી કે પછી ઈ-મેઈલ કે અન્ય સોશિયલ મીડિયા એકાઉન્ટ હેક કરી રૂપિયા માંગવામાં આવે છે. ઘણી વખત ઈ-મેઈલ હેક કરી તેના પરથી મદદ માંગવામાં આવે છે. આવા ઠગથી બચવા માટે સાવધાની રાખવી ખૂબ જ આવશ્યક છે.