સુરત: એર ઇન્ડિયા એક્સપ્રેસની (Air India Express) સુરત-શારજાહ ફ્લાઇટને (Surat Sharjah Flight) સુરતથી મળી રહેલા સારા પ્રતિસાદને લીધે એરલાઈન્સે આ ફ્લાઈટ સપ્તાહમાં બે દિવસ ગુરુવાર અને શનિવારની સાથે સોમવારે પણ ઓપરેટ કરવા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા પાસે સ્લોટની મંજૂરી માંગી હતી. આ મજૂરી મળી જતાં એરલાઈન્સે 1 ડિસેમ્બરથી સુરતથી સપ્તાહમાં 3 દિવસ ગુરુ, શનિ અને સોમવારની ટિકિટનું બુકિંગ શરૂ કર્યું હતું.
- ડિસેમ્બરથી શારજાહ-સુરત ફ્લાઇટ સપ્તાહમાં બેને બદલે હવે 3 દિવસ અવરજવર રહેશે
- એર ઇન્ડિયા એક્સપ્રેસે સુરતથી ગુરુવાર, શનિવાર અને સોમવારની ટિકિટનું બુકિંગ શરૂ કર્યું
કોરોના સંક્રમણ પહેલાં આ ફ્લાઈટ સપ્તાહમાં 4 દિવસ ચાલતી હતી. સુરતથી એરલાઇન્સને 189 સીટર વિમાન સામે 176 સીટનું બમ્પર બુકિંગ છેલ્લા 3 મહિનામાં મળ્યું હતું. જેથી ઓક્ટોબર-2022થી માર્ચ-2023 સુધીનાં વિન્ટર શિડ્યુલમાં સુરતથી ગુરુવાર, શનિવાર અને સોમવારે ઓપરેટ થશે. જો કે, ટિકિટનો દર 23,000 રાખવામાં આવ્યો છે. ઓક્ટોબર-2022માં સુરત એરપોર્ટથી 2028 ઇન્ટરનેશનલ પેસેન્જરોની અવરજવર રહી હતી. દુબઈમાં વેપાર ધરાવતા સુરત અને દક્ષિણ ગુજરાતના વેપારીઓ આ ફ્લાઇટનો વધુ ઉપયોગ કરી રહ્યા છે.
શારજાહથી વેપારીઓ ટેક્સી કરી દુબઇ પહોંચતા હોય છે. અગાઉ એક સમયે 8,500થી 10,000 રૂપિયામાં આ ફ્લાઇટની ટિકિટ મળતી હતી. હવે સામાન્ય દિવસોમાં ટિકિટનો દર 18000થી,23000 રૂપિયા સુધી રહે છે. છતાં સુરતથી સરેરાશ પ્રત્યેક ફ્લાઈટમાં સારી સંખ્યામાં પેસેન્જર અવરજવર કરી રહ્યા છે. સુરત એરપોર્ટથી ડોમેસ્ટિક પેસેન્જર સંખ્યા ઘટી રહી છે, ત્યારે છેલ્લા 3 મહિના દરમિયાન શારજાહ-સુરત ફ્લાઈટમાં પેસેન્જર સંખ્યા વધી હતી. દિવાળી વેકેશન જોતાં નવેમ્બરના પ્રારંભમાં ગુરુવારની ફ્લાઈટનો પણ સારો પ્રતિસાદ મળી શકે છે.
સુરતથી સીધી દુબઈની ફ્લાઈટ શરૂ કરવાની પણ વાત ઉઠી હતી
સુરતથી દુબઈ અને ત્યાંથી આખી દુનિયામાં પ્રવાસ કરનારાઓની સંખ્યા બહુ છે. ડોમેસ્ટિક પેસેન્જર (Domestic Passenger) પણ વધી રહ્યા છે. સુરતીઓની માંગ રહી છે કે સુરતથી દુબઈ, સિંગાપોર (Singapore) અને બેંગકોકની (Bangkok) ફ્લાઈટ શરૂ કરવામાં આવે. સુરતના વેપાર અને ઉદ્યોગજગતે પણ વારંવાર દુબઈ સહિતના ઇન્ટરનેશનલ ડેસ્ટિનેશન માટે ફ્લાઈટ શરૂ કરવા માંગ કરી હતી. ઇન્ડિગો એર લાઈન્સ હવે દુબઈની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી હોવાની વાતો પણ ઉઠી હતી. ચાર મહિના પહેલાં એવી ચર્ચા ઉઠી હતી કે એરલાઈન્સને દુબઈમાં સ્લોટ મળી ગયો છે અને એકાદ બે મહિનામાં એરલાઈન્સ દુબઈ માટે ફ્લાઈટ શરૂ કરી શકે છે. પરંતુ ત્યાર બાદ કોઈ અપડેટ મળ્યું નથી. બની શકે કે આગામી દિવસમાં આ એરલાઈન્સ ફ્લાઈટ શરૂ કરવાની સત્તાવાર જાહેરાત કરી શકે છે.