SURAT

સુરતના ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં ટ્વીસ્ટ

સુરત: સમાધાન થયા બાદ ઉમેદવાર નક્કી થઈ ગયા હોય છતાં છેલ્લી ઘડીએ કેટલાંક મૂરતિયાઓએ ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરતા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સમાં રાજકારણ ગરમાયું છે. આ નવા ટ્વીસ્ટને ચેમ્બર ઓફ કોમર્સના ચાણક્યને પણ દોડતા કરી મુક્યા છે.

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ ૨૦૨૩-૨૪ માટેના ઉપપ્રમુખ પદના ઉમેદવારની ચૂંટણીમાં બુધવારે ફોર્મ ભરવાના પ્રથમ દિવસે 10 ફોર્મ ઉપડી ગયાં હતાં. ગયા વર્ષે માજી પ્રમુખોના જૂથ દ્વારા વર્તમાન પ્રમુખ રમેશ વઘાસિયા અને વિજય મેવાવાલાને સાથે બેસાડી 2022-23 માટે રમેશભાઈ અને 2023-24ના વર્ષ માટે વિજય મેવાવાલા ઉપપ્રમુખ બનશે એવું સમાધાન બી.એસ.અગ્રવાલ, દિનેશ નાવડિયા, કાનજી ભાલાળા, હરિ કથીરિયાની ઉપસ્થિતિમાં થયું હતું.

જોકે, માજી પ્રમુખોના જૂથના જ ગણાતા મેનેજિંગ કમિટીના સભ્યોએ ફોર્મ લેતાં ચૂંટણી યોજવાના સંકેત મળી રહ્યા છે. ઉપપ્રમુખ પદ માટે બુધવારે વિજય મેવાવાલા, મૃણાલ શુક્લા અને દીપક શેઠવાલાએ ફોર્મ ભરી દીધાં હતાં. જ્યારે સીએ મિતિષ મોદી, નીતિન ભરૂચા, પરેશ લાઠિયા, મનીષ કાપડિયા, બંદના ભટ્ટાચાર્ય, નિખિલ મદ્રાસી અને જનક પચ્ચીગરે ફોર્મ લીધાં હતાં. તો પ્રમુખ પદ માટે પણ નીતિન ભરૂચાએ ફોર્મ લીધું હતું. જેથી વિજય મેવાવાલા સામે બાકીના ઉમેદવારોને બેસાડવા ભાવિ પ્રમુખને જાતે સક્રિય પ્રયાસો કરવા પડે. ચેમ્બરના ઉપપ્રમુખ પદ માટે 3 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકાશે અને એક કરતાં વધુ ઉમેદવારો હશે તો 23 એપ્રિલે મતદાન થશે.

Most Popular

To Top