SURAT

સુરતની આ કહેવાતી મોટી સ્કૂલમાં વિદ્યાર્થીને લઘુશંકા માટે પણ ન જવા દેવાયો, બાળકે બેંચ પર જ..

સુરત: એલ.પી.સવાણી (L P Savani) સંકુલની પાલનપુર કેનાલ રોડ ખાતે આવેલી ગુજરાતી માધ્યમની શાળામાં (School) અભ્યાસ કરી રહેલા ધોરણ-7ના એક વિદ્યાર્થીને (Student) ચાલુ કલાસમાં લઘુશંકા કરવા જવા દેવામાં નહીં આવતા ચાલુ કલાસમાં જ લઘુશંકા (Urination) થઇ જતા બાળક શરમજનક સ્થિતિમાં મુકાઇ ગયો હતો. એટલું જ નહીં પણ આ આ મામલે રજૂઆત કરવા શાળાએ પહોંચેલા વાલીને પણ શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે અમારી શાળાના નિયમ મુજબ બાળક બે પિરિયડની વચ્ચેનાં સમયગાળામાં જ લઘુશંકા કરવા જઇ શકે છે, જો તમને આ નિયમ અનુકુળ ન હોય તો બાળકનું એલ.સી કઢાવી લેવું. જેથી અકળાયેલા વાલીએ જિલ્લા કલેકટર, શિક્ષણાધિકારી અને બાળ સુરક્ષા આયોગ (દિલ્હી)માં ફરિયાદ કરતા મામલો ગરમ થઈ ગયો છે.

  • એલપી સવાણી સ્કૂલમાં બાળકને લઘુશંકા માટે નહીં જવા દેવાતા બેંચ પર જ લઘુશંકા થઈ ગઈ!
  • ક્લાસમાં જ લઘુશંકા થઈ જતાં ધો.7નો વિદ્યાર્થી ડિપ્રેશનમાં સરી પડ્યો, કલેકટર, શિક્ષણાધિકારીને વાલીએ ફરિયાદ કરી

આ અંગે જિલ્લા શિક્ષણાધિકારી તેમજ કલેકટર કચેરીમાં થયેલી ફરિયાદની વિગત પ્રમાણે એલ.પી.સવાણી સ્કૂલ ગુજરાતી માધ્યમ(પાલનપુર કેનાલ રોડ) ખાતે ધોરણ-7માં અભ્યાસ કરતા એક બાળક શુક્રવારે સાંજે 4 વાગ્યાના અરસામાં શાળામાં ગુજરાતી વિષયના પિરીયડમાં અભ્યાસ કરી રહ્યો હતો. આ દરમિયાન બાળકને લઘુશંકા જવું હોય તેણે શાળાની શિક્ષીકા સ્મૃતિબેનને બાથરૂમ જવા દેવા માટે વિનંતી કરી હતી, જો કે તેમણે બાળકને કલાસ પૂર્ણ થાય પછી જ લઘુશંકા કરવા જવાનું કહીને બેસાડી દીધો હતો, આ દરમિયાન બાળકને કલાસરૂમમાં જ લઘુશંકા થઇ ગઈ હતી. અન્ય બાળકોએ પણ તેની મજાક ઉડાવશે તેવા ભયનાં કારણે આ બાળક ડિપ્રેશનમાં જતો રહ્યો હતો.

આ મામલે વાલીએ જણાવ્યું હતું કે તેઓ જયારે શાળામાં રજૂઆત કરવા પહોંચ્યા ત્યારે શાળાના આચાર્ય ક્ષિતીજભાઇને સમગ્ર મામલાની તપાસ કરાવવાના બદલે એવું જણાવ્યું હતું કે, અમારી શાળાના નિયમ મુજબ બાળકને બે પિરીયડ વચ્ચેનાં સમયગાળામાં જ લઘુશંકા કે પછી અન્ય કામ માટે વર્ગખંડની બહાર નિકળી શકે છે, જો આ નિયમ તેઓ પાળવા તૈયાર ન હોય તો શાળામાંથી બાળકનું એલ.સી કઢાવી શકે છે. આ સમ્રગ પ્રકરણમાં જિલ્લા શિક્ષણાધિકારી એચ.એચ.રાજ્યગુરુએ જણાવ્યું હતું કે વાલીની ફરિયાદનાં આધારે નિરીક્ષકને તપાસ સોંપવામાં આવી છે અને તલસ્પર્શી તપાસ બાદ શાળાના મંડળ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top