SURAT

સુરતમાં સ્કૂલ કોલેજો બની રહી છે સુપર સ્પ્રેડર, તંત્ર કરશે આ કામ..

સુરત: (Surat) ચૂંટણીમાં રાજકીય પક્ષોએ કોરોનાની ગાઇડલાઇનના ધજાગરા ઉડાવીને સભા સરઘસો યોજાતા રહ્યાં અને સુરત મનપાનું તંત્ર મજબુર બનીને મુકસાક્ષી બની રહ્યું હતું. જેના પરિણામે હવે ફરીથી સુરત કોરોનાના ખપ્પરમાં હોમાઇ રહ્યું હોય તેવી હાલત દેખાવા માંડી છે. ફરીવાર રોજિંદા સવાસોથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાવા માંડ્યા છે. ખાસ કરીને સ્કૂલ-કોલેજના (School-College) વિદ્યાર્થીઓમાં (Students) પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય મનપા દ્વારા હવે ફરીવાર એન્ફોર્સમેન્ટ, કન્ટેન્ટમેન્ટ અને કોન્ટેક ટ્રેસિંગ મિકેનિઝમ ભાર મૂકીને કોરોનાને નાથવા પ્રયાસો શરૂ થઇ ચૂક્યા છે. મનપા કમિશનર બંછાનીધી પાનીએ જણાવ્યું હતું કે આ વખત એવી પ્રતિતિ થઇ રહી છે કે મહિલાઓમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે.

કોરોનાના અત્યાર સુધીના ટ્રેન્ડમાં મહિલા અને બાળકોમાં સંક્રમણનું પ્રમાણ 30 ટકાથી નીચે હતું. જયારે પુરૂષોમાં 70 ટકાથી ઉપર હતું, પરંતુ ચૂંટણી બાદ કોરોનાના જે દર્દીઓ નોંધાઇ રહ્યાં છે. તેમાં મહિલાઓમાં સંક્રમણની ટકાવારી 40 ટકા પર પહોંચી ગઇ છે. તેની પાછળ એક કારણ એવું પણ છે કે, સ્કૂલ-કોલેજોમાં જે બાળકો કોરોના સંક્રમિત થાય છે તેના માધ્યમથી તેની માતાઓને ચેપ લાગી રહયો છે. તેથી મનપા દ્વારા હવે એવી સ્ટ્રેટેજી અપનાવવામાં આવી છે કે, જે મહિલાને કોરોના પોઝિટિવ આવે તેનું બાળક જ્યાં ભણતું હોય તે સ્કુલ કે કોલેજમાં ટેસ્ટિંગ વધારાશે. અગાઉ શાકભાજી, દુધની ડેરી, મેડિકલ સ્ટોર કરીયાણાની દુકાનો વગેરે સુપર સ્પ્રેડરની ભુમિકામાં હતાં પરંતુ આ વખતે સ્કૂલ-કોલેજો સુપર સ્પ્રેડરોની ભુમિકામાં હોય તેવું ચિત્ર ઉભુ થયું છે.

ત્રીજી વખત ગાઇડલાઇનનો ભંગ કરતાં પકડાશે તો જે તે સ્કૂલ-કોલેજ બંધ કરાવી દેવાશે

શહેરમાં હાલમાં જે કોરોના સંક્રમણ દેખાય છે. તેમાં સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને તેના પરિવારના લોકો વધુ સંક્રમિત હોવાનું જણાયું છે. તેથી હવે આ સંકુલોમાં કોવિડની ગાઇડલાઇનનો ભંગ કરતા ત્રણ વખત પકડાય તો આ આખું સંકુલ બંધ કરાવાશે. અત્યાર સુધી જે કલાસમાં પોઝિટિવ આવ્યો હોય તે કલાસરૂમને જ બંધ કરાવાય છે.


આજે શાળા-કોલેજોમાં મોટા પાયે ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવશે

સુરત ફરી એકવાર કોરોનાના ખપ્પરમાં હોમાઇ રહ્યું છે. રોજે-રોજ કોરોનાના જે રીતે દર્દીઓ વધી રહ્યાં છે. તે જોતાં શહેરમાં ફરીવાર ભયનો માહોલ છવાયો છે, આ વખતે સ્કૂલ-કોલેજો સુપર સ્પ્રેડરની ભૂમિકામાં જણાઇ રહ્યાં હોય, મનપા દ્વારા મંગળવારથી શહેરભરની સ્કૂલ-કોલેજોમાં મોટા પાયે ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવશે તેવું મ્યુનિ.કમિ.એ જણાવ્યું હતું.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top