SURAT

સુરત: સરથાણાની સગીરાને બ્લેકમેલ કરી ત્રણ યુવકોએ કર્યું દુષ્કર્મ, વીડિયો બનાવી વાયરલ કરી દીધો

સુરત: (Surat) સરથાણામાં ઇન્સ્ટ્રાગ્રામ (Instagram) ઉપર મિત્રતા બાદ સગીરાને લગ્નની લાલચે બળાત્કાર (Rape) ગુજારાયો હતો. યુવકે આ વીડિયો બનાવીને પોતાના બે મિત્રોને આપતા બંને મિત્રોએ પણ સગીરાની સાથે દુષ્કર્મ કર્યું હતું. ત્રણેયએ પોતાની વાસના સંતોષી લીધા બાદ યુવતીનો નગ્ન વીડિયો વાઇરલ કરી દીધો હતો. જે અંગે સરથાણા પોલીસમાં (Police) ફરિયાદ કરવામાં આવતા પોલીસે ત્રણેય યુવકોની ધરપકડ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ કતારગામના સિંગણપોર પાસે નંદનવન સોસાયટીમાં રહેતા સચીન ભરતભાઇ કુકડીયાની મુલાકાત સોશીયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ઉપર સરથાણામાં રહેતી સગીરાની સાથે થઇ હતી. થોડા દિવસો સુધી વાત કર્યા બાદ સચીને સગીરાને મળવા માટે સરથાણામાં એક કાફેમાં બોલાવી હતી. આ કાફેમાં સચીને સગીરાની પાસે શરીરસંબંધની માંગણી કરી હતી, પરંતુ શરૂઆતમાં જ સગીરાએ ના પાડી દીધી હતી. બાદમાં સચીને લગ્ન કરવાનું કહીને સગીરાને પોતાની પ્રેમજાળમાં ફસાવીને તે કાફેમાં બળાત્કાર ગુજાર્યો હતો. સચીને સગીરાને અંધારામાં રાખીને બળાત્કારનો આખો વીડિયો બનાવી દીધો હતો. ત્યારબાદ સચીને આ વીડિયો સિંગણપોરમાં જ મણીપાર્ક સોસાયટીમાં રહેતા મિત્ર કિશન રામજીભાઇ ડાભીને આપ્યો હતો. કિશને સગીરાને બ્લેકમેઇલ કરીને તે જ દિવસે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ સચીને આ વીડિયો સિંગણપોરના ભગુનગરમાં રહેતા વૈભવ અશોકભાઇ બગદરિયાને આપ્યો હતો. વૈભવે પણ સગીરાની સાથે વાત કરીને શરીરસુખની માંગણી કરી હતી. સમાજમાં બદનામીના ડરના કારણે ત્રણેયની વાત માની લીધી હતી. ત્રણેયએ બળાત્કાર કર્યા બાદ સગીરાનો વીડિયો સોશીયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. આ વીડિયો ફરતો ફરતો સગીરાના પરિવાર સુધી પહોંચ્યો હતો. સગીરાએ પોતાની સાથે થયેલી ઘટના પોતાના પરિવારને કહ્યા બાદ સરથાણા પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે બનાવ અંગે ગુનો નોંધીને સચીન કુકડીયા, કિશન ડાભી તેમજ વૈભવ બગદરીયાની ધરપકડ કરી હોવાની વિગતો મળી છે.

સચીન અને કિશને એક જ દિવસે સગીરાની સાથે રેપ કર્યો હતો
પોલીસના જણાવ્યા પ્રમાણે સચીન કિશનને લઇને સરથાણા કાફેમાં ગયો હતો. પહેલા સચીને બળાત્કાર કર્યા બાદ વીડિયોના આધારે કિશન પણ કાફેમાં ઘુસી ગયો હતો. કિશને પણ સગીરાને બ્લેકમેઇલ કરીને તે જ દિવસે રેપ કર્યો હતો. સગીરાએ આ વીડિયો ડિલીટ કરી દેવા માટે કહ્યું પરંતુ સચીન અને કિશને તેણીની વાત માની ન હતી અને વારંવાર બળાત્કાર ગુજાર્યો હતો.

કાફેના સંચાલકની સામે પણ કાર્યવાહી થવાના એંધાણ
સચીન અને કિશન સગીરાને લઇને સરથાણા જકાતનાકા પાસે આવેલા અવધ રોયસરોયના એક કાફેમાં લઇ ગયો હતો. આ કાફેમાં કપલબોક્ષ પણ હતા. કપલબોક્ષમાં સચીને સગીરાની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આગામી દિવસોમાં કાફેના સંચાલકો સામે પણ કાર્યવાહી કરે તેવી શક્યતા છે.

Most Popular

To Top