SURAT

સુરતમાં દેમાર 9 ઈંચ વરસાદ ઝીંકાયો, જાણો કયા ઝોનમાં કેટલો વરસાદ પડ્યો

સુરત શહેરમાં ગઈકાલે રવિવારે રાતે 10થી 12 વાગ્યા સુધીના બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો હતો. ત્યાર બાદ આખી રાત 14 મીમી વરસાદ જ પડ્યો હતો, પરંતુ સવારે 6 વાગ્યે સૂરજ ઉગતાની સાથે જ મેઘરાજાએ જાણે નવી ઈનિંગ શરૂ કરી હતી. સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના 8 કલાકમાં સુરત શહેરમાં દેમાર 9 ઈંચ વરસાદ ઝીંકાયો હતો. એક રીતે વાદળ ફાટ્યું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. લગભગ દર બે કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ આ સમયગાળા દરમિયાન પડ્યો હતો.

આજે સોમવારે તા. 23 જૂનની સવારના 8 વાગ્યાથી 10 વાગ્યા દરમિયાન એટલે કે 2 કલાકમાં જ શહેરમાં પોણા છ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ 10થી 12 વાગ્યા સુધઈમાં 2 ઈંચ અને 12 થી 2 વાગ્યા દરમિયાન વધુ દોઢ ઈંચ વરસાદ પડ્યો હતો. આમ કુલ 9 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે.

સૌથી વધુ ઈસ્ટ ઝોન બીમાં વરસાદ નોંધાયો
ગઈકાલે રાતથી શહેરમાં વરસાદ જામ્યો છે. આજે સવારે 6 વાગ્યાથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી. અડાજણ, રાંદેર, પાલ સહિતના વેસ્ટ ઝોનના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અહીંના લોકોને 2006ના પૂરની યાદ આવી ગઈ હતી. વેસ્ટ ઝોનમાં 180 મીમી. વરસાદ પડ્યો હતો. સેન્ટ્રલ ઝોનમાં સવારે 8થી 10માં જ સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો હતો. અહીં સવારે 6થી બપોરે 2 વાગ્યા સુધીમાં 234 મી.મી. વરસાદ પડ્યો હતો. તેના લીધે અહીંના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત નોર્થ ઝોનમાં 187 મીમી, ઈસ્ટ ઝોન એમાં 231 મીમી, ઈસ્ટ ઝોન બીમાં 251 મીમી, સાઉથ ઝોનમાં 95 મીમી, સાઉથ વેસ્ટ ઝોનમાં 46 મીમી અને સાઉથ ઈસ્ટ ઝોનમાં 122 મીમી વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો સાઉથ વેસ્ટ જોનમાં જ્યારે સૌથી વધુ ઈસ્ટ ઝોન બીમાં વરસાદ પડ્યો છે.

સ્કૂલોમાં રજા આપી દેવાઈ
ભારે વરસાદના લીધે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શાળા-કોલેજોમાં તાત્કાલિક અસરથી રજા આપી દેવા આદેશ કરાયા હતા. જે વિસ્તારોમાં પાણી ભરાયા હોય તે વિસ્તારની શાળાઓને સ્કૂલોમાં રજા આપી દઈ વિદ્યાર્થીઓને સહીસલામત ઘરે પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવા તાકીદ કરાઈ હતી.

સુરત સેન્ટ્રલ બસ સ્ટેશન જતી-આવતી તમામ એસ.ટી. બસ સેવા બંધ
સુરત શહેર અને જિલ્લામાં આજે 23જૂન સોમવારે પડી રહેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન સાથે પરિવહન વ્યવસ્થાને પણ મોટો ફટકો પહોંચ્યો છે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC)ના સુરત વિભાગ દ્વારા સુરત સેન્ટ્રલ બસ સ્ટેશનથી જતી અને આવતી તમામ એસ.ટી. બસ સેવાઓ તાત્કાલિક અસરથી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ભારે વરસાદને કારણે માત્ર સુરત વિભાગ જ નહીં પરંતુ અન્ય નજીકના વિભાગોની પણ કુલ અંદાજિત ૨૦૦ બસ ટ્રીપ રદ કરવામાં આવી છે. આ પગલાં મુસાફરોની સુરક્ષા અને વાહનવ્યવહારના સંભવિત ખોરાખોરાને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા છે

Most Popular

To Top