SURAT

સુરતની કોર્ટમાં એક માસમાં બળાત્કારના 5 કેસોમાં આરોપીઓને આવી કડક સજા ફટકારાઈ

સુરત: (Surat) બળાત્કાર (Rape) જેવા ગંભીર ગુનામાં આરોપીઓ માસૂમ બાળકીઓ તેમજ સગીરાઓને પોતાની હવસનો શિકાર બનાવે છે, કોર્ટમાં પણ કેસ લાંબો સમય ચાલતા આરોપીઓને છૂટોદોર મળી જાય છે અને તેઓ બિન્ધાસ્ત ગુનો (Crime) કરવા માટે પ્રેરાય છે. પરંતુ સુરતની કોર્ટમાં (Court) છેલ્લા એક મહિનામાં જ બળાત્કારના પાંચ જેટલા કેસોમાં આરોપીઓને સજા કરીને દાખલા બેસાડવાનું શરૂ કર્યું છે. હવે બળાત્કારીઓને ખેર નથી તેવી રીતે બળાત્કારના ગંભીર ગુનામાં સ્પીડી ટ્રાયલની સાથે જ આરોપીઓને સજા (Punish the accused) પણ કરવામાં આવી રહી છે. સુરતમાં છેલ્લા એક મહિનામાં જ આવા અલગ અલગ પાંચ કેસોમાં આરોપીઓને સજા કરવામાં આવી હોવાના કિસ્સા બન્યા છે. જેમાં કતારગામમાં એક યુવકને 10 વર્ષની સજા, ઝાંપાબજારમાં આરોપીને ત્રણ વર્ષની કેદ, સચીન જીઆઇડીસીમાં આરોપીને જીવનના અંતિમ શ્વાસ સુધીની સજા, પાંડેસરામાં ત્રણ આરોપીઓને 10 વર્ષની સજા તેમજ કાપોદ્રામાં પાડોશી મહિલા સાથે બળાત્કાર કરનારને 14 વર્ષની સજા કરવામાં આવી હતી.

કેસ-1, સચીન જીઆઇડીસીમાં આરોપી અજય નિશાદને અંતિમ શ્વાસની સજા
થોડા દિવસ પહેલા જ સચીનમાં પાંચ વર્ષની બાળા સાથે બનેલી બળાત્કારની ઘટનામાં સચીન જીઆઇડીસી પોલીસે આઠ દિવસમાં ચાર્જશીટ રજૂ કરી દીધું હતું. સરકારી વકીલે પાંચ દિવસમાં જ ટ્રાયલ પુરી કરી હતી અને કોર્ટે ઘટના બન્યાના 29માં દિવસે આરોપી અજય નિશાદને અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી હતી.

કેસ-2, કતારગામમાં સગીરાને બે વાર ભગાડી જનારને 10 વર્ષની કેદ
કતારગામમાં રહેતી સગીરાને રાંદેરમાં રહેતો આરોપી શશી વસાવા બે વાર ભગાડી ગયો હતો અને તેણીની સાથે બદકામ કર્યું હતું. આ મામલે પોલીસ ફરિયાદ થઇ હતી અને શસીને જેલમાં મોકલાયો હતો. આ કેસમાં ત્રણ દિવસ પહેલા જ કોર્ટે શશી વસાવાને તકસીરવાર ઠેરવીને 10 વર્ષની કેદની સજાનો હુકમ કર્યો હતો.

કેસ-3, ઝાંપાબજારમાં ચોકલેટની લાલચે શારીરિક છેડતી કરનાર આધેડને ત્રણ વર્ષની કેદ
ઝાંપાબજારના કાકાભાઇ સ્ટ્રીટમાં રહેતો મોહંમદ આરીફ અબ્દુલખાલીફ શેખએ 12 વર્ષની સગીરાને ચોકલેટ તેમજ લગ્નની લાલચ આપીને સલાબતપુરાના એક કારખાનામાં લઇ ગયો હતો. ત્યારબાદ સગીરાની ઉપર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં પણ કોર્ટે આરોપી મોહંમદ આરીફને ત્રણ વર્ષની કેદની સજા કરી હતી.

કેસ-4, કાપોદ્રામાં પાડોશીની સાથે બળાત્કાર કરનારને 14 વર્ષની કેદ
કાપોદ્રામાં સને-2010ના કેસમાં પાડોશમાં જ રહેતી એક મહિલાની સાથે એકલતાનો લાભ લઇને પાડોશી યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. આ કેસમાં 11 વર્ષ બાદ આજે ચૂકાદો આવ્યો હતો અને આરોપી બિરેન્દ્ર મિશ્રાને તકસીરવાર ઠેરવીને 14 વર્ષની સજાનો હુકમ કરાયો હતો.

કેસ-5, સગીરાના બિભત્સ ફોટા વાઇરલ કરવાની ધમકી આપનાર ત્રણને 10 વર્ષની કેદ
સને-2018માં રાજસ્થાનથી સુરત આવેલી એક સગીરાની સાથે ઇન્સ્ટ્રાગ્રામ ઉપર મિત્રતા કેળવીને સોસાયટીમાં રહેતા ત્રણ મિત્રો તેમજ બે સગીરે બળાત્કાર અને દુષ્કર્મ કર્યું હતું. આ કેસમાં બે સગીરોની સામે જૂવેનાઇલ કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે, જ્યારે ત્રણ આરોપી નામે અજય, સાહિલ અને સોમેશ્વરને તકસીરવાર ઠેરવીને 10 વર્ષની કેદની સજા કરાઇ હતી.

Most Popular

To Top