Surat Main

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે ઉકાઈમાં 1.37 લાખ ક્યુસેક પાણીની આવક, 24 કલાકમાં સપાટી વધશે

સુરત: (Surat) ઉકાઈ ડેમ (Ukai Dam) અને હથનુર ડેમના ઉપરવાસમાં ગત બે દિવસમાં પડેલા વરસાદથી (Rain) હથનુર ડેમમાંથી 1.37 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. આજે બપોરે પાણીનો આ જથ્થો ઉકાઈ ડેમમાં પહોંચતા આજે 1.37 લાખ ક્યુસેક આવક થઈ હતી.

સિંચાઈ વિભાગ અને ઉકાઈ કંટ્રોલ રૂમના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હથનુર ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ગત બે દિવસોમાં ભારે વરસાદ ખાબક્યો હતો. જેને પગલે હથનુર ડેમમાં પાણીનો મોટો જથ્થો આવતા ગઈકાલ રાતથી હથનુરમાંથી 1.37 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું. આજે રાત્રે પણ હથનુર ડેમમાંથી 1.21 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું જે ક્રમશ: ઘટાડીને સાંજે 68 હજાર ક્યુસેક કરાયું હતું. હથનુર ડેમમાંથી બે દિવસથી છોડવામાં આવતું પાણી આજે ઉકાઈ ડેમમાં આવતાં ઉકાઈ ડેમમાં બપોરે 1.37 લાખ ક્યુસેક પાણીની આવક થઈ હતી.

સાંજે આ ઘટીને 1.34 લાખ ક્યુસેક હતી. ઉકાઈ ડેમમાંથી 3608 ક્યુસેક પાણી છોડવાનું ચાલું રખાયું હતું. ઉકાઈ ડેમનું રૂલ લેવલ 333 ફુટ હોવાથી ડેમ હજી ઘણો ખાલી હોવાથી હાલ પાણી છોડાશે નહીં. ડેમની સપાટી ગઈકાલે 314.60 ફુટ હતી જે ચોવીસ કલાકમાં વધીને 317.54 ફુટે પહોંચી છે. ડેમ દર 10 કલાકમાં એક ફુટ ભરાતો હોય છે. એટલેકે આગામી ચોવીસ કલાકમાં ડેમની સપાટીમાં હજી બે થી અઢી ફુટનો વધારો થશે. અને ડેમની સપાટી 320 ફુટ સુધી પહોંચશે.

ઉપરવાસમાં વરસાદને પગલે પાણીની આવક ચાલું
ઉકાઇ ડેમની ઉપરવાસમાં આવેલા ટેસ્કામાં અડધો ઇંચ, ચીકલધરામાં એક ઇંચ, ગોપાલખેડામાં દોઢ ઇંચ, ડેડતલાઈમાં એક ઇંચ, દહીંગાવમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાયના સ્ટેશનો પર સામાન્ય વરસાદ નોંધાતા કુલ 128 મીમી વરસાદ ખાબક્યો છે. જેને પગલે હથનુરડેમમાં પાણીની આવક ચાલું રહી હતી.

દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ

દક્ષિણ ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહમાં સાર્વત્રિક વરસાદ થયો છે. આજથી ચાર દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે, જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરતાં રવિવારે રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય થયું છે, જેને પગલે આગામી ચાર દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાશે, જેમાં કેટલાક વિસ્તારોમાં તો ભારેથી અતિભારે વરસાદ પડશે.

Most Popular

To Top