સુરત: (Surat) શહેરમાં બે-ત્રણ દિવસના વિરામ બાદ સુરત જિલ્લામાં આજે સાંજે ફરી બે કલાકમાં સર્વત્ર ધોધમાર વરસાદ (Rain) નોંધાયો હતો. કામરેજમાં બે, ચોર્યાસી, માંગરોળ, ઓલપાડ અને સુરતમાં એક થી સવા ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ઉકાઈ ડેમના (Ukai Dam) ઉપરવાસમાં પણ સામાન્ય કરતા સારો વરસાદ નોંધાયો છતાં ડેમમાં 40 હજાર ક્યુસેક પાણીની આવક ચાલું રહી હતી. ડેમની સપાટી 340.75 ફુટે પહોંચી જતા ડેમમાંથી 22 હજાર ક્યુસેક પાણી છોડવાનું ચાલું રાખવામાં આવ્યું હતું.
- ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વરસાદ, જોકે ડેમમાં પાણીની આવક ઘટીને 40 હજાર ક્યુસેક નોંધાઈ
- ડેમની સપાટી 340.75 ફુટે પહોંચી, ડેમમાંથી 22 હજાર ક્યુસેક પાણી છોડવાનું યથાવત
- રાજસ્થાન પરથી વરસાદી સિસ્ટમ ફરી ગુજરાત ઉપર મુવ થતાં
હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજસ્થાન તરફ મુવ થયેલી વરસાદી સિસ્ટમ પાછી દક્ષિણ ગુજરાત તરફ આવી છે. જેને કારણે બે દિવસથી ફરી વરસાદી માહોલ જામ્યો છે. આગામી બે દિવસ સુધી આ સિસ્ટમને કારણે માહોલ વરસાદી રહેશે. અને ત્યારબાદ બંગાળની ખાડી પરથી આવી રહેલી બીજી સિસ્ટમમાં મર્ચ થતાં ત્રણ-ચાર દિવસ દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે. આજે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ સાંજે બે કલાક જિલ્લામાં પલસાણા તાલુકાને બાદ કરતા સર્વત્ર વરસાદ નોંધાયો હતો. ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ વિતેલા 24 કલાકમાં 21 રેઈન ગેઝ સ્ટેશનમાં કુલ 198 મીમી વરસાદ નોંધાયો હતો. જેને પગલે ઉકાઈ ડેમમાં 40 હજાર ક્યુસેક પાણીની આવક ચાલું રહી હતી. ડેમમાંથી 22 હજાર ક્યુસેક પાણી છોડાવાનું યથાવત રાખ્યું છે. ઉકાઈ ડેમની સપાટી આજે 340.75 ફુટે પહોંચી હતી.
- તાલુકા વરસાદ (મીમી)
- બારડોલી 15
- ચોર્યાસી 30
- કામરેજ 54
- મહુવા 02
- માંડવી 02
- માંગરોળ 30
- ઓલપાડ 35
- પલસાણા 00
- સુરત 20
- ઉમરપાડા 15