સુરત રેલવે સ્ટેશનની હાલમાં મેટ્રોપોલિટન સિટીને સમાંતર છે. દરમિયાન આ શહેરને મુંબઇ રેલવે સત્તાધીશો છેલ્લા 3 દાયકાથી એક પાર્કિંગની સવલત આપી શક્યા નથી. સુરતના અધિકારીઓ આ મામલે ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવાની તસદી પણ લેતા નથી.
હવે જ્યારે સુરતને રેલવે ડિવિઝન નથી ત્યારે 3 દાયકાથી સુરતને આ અન્યાય યથાવત્ છે. ઝેડઆરયુસીસી મેમ્બર રાકેશ શાહ અને ડીઆરયુસીસી મેમ્બર હબીબ વોરાએ આ મામલે જણાવ્યું કે, સુરત શહેરમાં પાર્કિંગની વાત છેલ્લા એક દાયકાથી વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવવાની આડમાં અટવાઇ ગઇ છે.
અગાઉ હાલમાં જ્યાં સુરત રેલવે રિઝર્વેશન સેન્ટર છે ત્યાં મલ્ટિસ્ટોરેજ પાર્કિંગ બનાવવાનો પ્લાન હતો. પરંતુ છેલ્લા દોઢ દાયકાથી વર્લ્ડ ક્લાસની આડમાં આ આખો પ્રોજેક્ટ અટવાઇ ગયો છે. એક સરવે પ્રમાણે સવારના નવથી બાર અને સાંજના છથી નવ દરમિયાન એકસાથે પાંચ હજાર વાહનો રેલવે સ્ટેશન પર ધસી આવતાં હોય છે.
તેના કારણે આ આખો વિસ્તાર ટ્રાફિક માટે મોટી સમસ્યા સર્જી છે. આ ઉપરાંત યાત્રીઓને પણ સ્ટેશનના છેવાડે સુધી પહોંચવાનું અઘરું થઇ જાય છે. આ શહેરના લોકો અને સત્તાધીશો તથા રાજકીય નેતાઓએ શહેરની આ શર્મનાક સ્થિતિને સ્વીકારી લીધી છે. આ શહેરને છેલ્લા 3 દાયકામાં એક નેતા પાર્કિંગ પણ અપાવી શક્યો નથી એ હકીકત છે. અલબત્ત, હાલમાં પ્રથમ તબક્કામાં પાર્કિંગની સમસ્યાનો નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી રહી છે.