સુરત: પ્રત્યેક વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દિવાળી (Diwali) વેકેશન દરમિયાન અમરોલી-સાયણ સ્થિત અંજની વિવિંગ ઈન્ડસ્ટ્રીઝમાં ઉડિયા ભાષામાં ભડકાઉ પોસ્ટરો (Poster) લગાવાતાં વિવિંગ સોસાયટીના પ્રમુખ વિજય માંગુકિયાએ પોલીસને (Police) ફરિયાદ કરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવા માંગ કરી છે. છેલ્લા બે દિવસથી ઉડિયા કારીગરોના વ્હોટ્સએપ પર મેસેજ મોકલવામાં આવી રહ્યાં હતાં. ત્યાં આજે ‘20 પૈસા મજૂરીનો દર વધારો લીધા વિના કામ કરશો તો હાથ-પગ કાપી નાખીશું’.એવા પોસ્ટરો કારખાના બહાર ચોંટાડવામાં આવતાં વિવર્સ ફફડી ઉઠ્યા હતાં.
આગામી શનિવાર સુધી વિવિંગ ઉદ્યોગમાં વેકેશન છે. ત્યારે સોમવારથી કામદારો કામ પર જશે તો હાથ-પગ કાપી નાખવાની ધમકી ઉડિયા ભાષામાં વાયરલ મેસેજ અને ચોંટાડવામાં આવેલા પોસ્ટર પર લખવામાં આવ્યાં છે. લસકાણાના ક્રિષ્ણા અને રામદેવ ઇન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં પણ પોસ્ટરો લાગ્યા છે. જો કે પોલીસે વિવર્સ આગેવાનોની મદદથી આ પોસ્ટરો ઉતારી લીધા છે.
દિવાળી બાદ છેલ્લા ચારેક વર્ષથી વિવિંગ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરતા પરપ્રાંતીય કામદારો દ્વારા મજુરીના દરોમાં વધારાની માગ સાથે હિંસક તોફાનો અને આંદોલન કરવામાં આવી રહ્યાં છે.આ વખતે મજૂરીના દરમાં 20 પૈસા વધારાની માંગ મુકવામાં આવી છે.આ માંગ કોણ મૂકે છે કોણ પોસ્ટર લગાવે છે આજ સુધી પોલીસ શોધી શકી નથી. આ વખતે અમરોલી, સાયણ રોડ સ્થિત અંજની ઈન્ડસ્ટ્રીઝ અને લસકાણાની કેટલીક વિવર્સ સોસાયટીઓમાં ઉડિયા ભાષામાં મજૂરીના ભાવમાં 20 પૈસા વધારા માટેના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા છે અને જો ઉડિયા કારીગર કામ પર જાય તો તેના હાથ-પગ કાપી નાખવાની ધમકી આપવામાં આવી છે.
કામદારોને ઉડિયા ભાષામાં સોશિયલ મીડિયા મારફતે ઍક મેસેજ વાયરલ કરવામાં આવ્યો છે જેમાં જણાવાયું છે કે, વિવિંગનું કારખાનું ચલાવતા શેઠિયાઓ કરોડપતિ થઈ ગયા છે. તેથી કામદારોને પણ મજૂરીના ભાવમાં મીટરે 20 પૈસાનો વધારો આપવો જોઈએ.ભૂતકાળમાં કામદારો દ્વારા હિંસક તોફાનો અને આંદોલનો થઈ ચૂક્યા છે. કારખાનાઓને આગ લગાડવાથી લઈ તાકાઓ ફાડી નાંખવા, તોડફોડ કરવા સુધીની ઘટનાઓ બની હોવાથી પોલીસે પેટ્રોલિંગ વધાર્યું છે.