સુરત: (Surat) મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેનાના (Shivsena) સંખ્યાબંધ ધારાસભ્યોના (Mla) બળવાથી ભૂકંપ આવ્યો છે. જેમાં સુરત એપી સેન્ટર બન્યુ હોય સતત બીજા દિવસે પણ રાજકીય ડ્રામા ચાલુ રહ્યો હતો. સોમવારે મોડી રાત્રે શિવસેનાના કેબિનટે મંત્રી એકનાથ શિંદે સહિત 34 ધારાસભ્યોનો સુરત લઇ લવાયા બાદ મંગળવારે આખો દિવસ ઓપરેશન લોટસથી રાજકીય ગતિવિધિઓ ધમધમતી રહી હતી. દરમિયાન રાત્રે અઢી વાગ્યે સુરત એરપોર્ટ (Surat Airport) પરથી આ તમામને ચાર્ટર પ્લેન મારફત આસામના ગુવાહાટી ખાતે મોકલી અપાયા હતા, જો કે બુધવારે પણ આ રાજકીય ઘટનાક્રમ આગળ વધ્યો હતો. બુધવારે વધુ પાંચ બળવાખોર ધારાસભ્યોને સુરત લાવ્યા બાદ ચારને ગુવાહાટી રવાના કરાયા હતાં જયારે મોડી રાતે આવેલા એક ધારાસભ્યને ગૂરૂવારે સવારે ગુવાહાટી મોકલવા વ્યવસ્થા કરાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.
- હજુ પણ એક ધારાસભ્ય સુરત આવશે જેને સવારે રવાના કરાશે
- શિવસેનાના ધારાસભ્યોને મુંબઇથી વાયા સુરત આસામ રવાના કરાતા તર્ક-વિતર્ક
- સતત બિજા દિવસે સુરતમાં મહારાષ્ટ્રનું મહાભારત ભજવાયું
અત્રે ઉલ્લેખનીય શિવસેનામાં બળવો થયા બાદ તેના ધારાસભ્યોને સુરતની ફાઈવ સ્ટાર હોટલમાં 24 કલાક સરભરા કરવામાં આવી હતી. ત્યાર બાદ મોડી રાત્રે સુરતની હોટલથી એરપોર્ટ લઈ જઈ તેમને ગુવાહાટી લઈ જવામાં આવ્યા હતા. જ્યાંથી શિવસેનાના એક ધારાસભ્ય નીતિન દેશમુખ પરત મહારાષ્ટ્ર ફર્યા છે જોકે, બુધવારે મહારાષ્ટ્ર ભાજપના પ્રમુખ ચંદ્રકાંત પાટીલ શિવસેનાના ત્રણ ધારાસભ્ય યોગેશ કદમ, ગોપાલ દલવા અને મુંજુલા ગાવિત તથા અન્ય એક વ્યક્તિ સાથે સુરત આવી પહોંચ્યા હતા. જેને પણ સુરતથી ચાર્ટર ફલાઇટ કરી ગુવાહાટી મોકલાયા છે. તેમજ મોડી રાતે વધુ એક ધારાસભ્ય સુરત આવશે અને રાતવાસો કર્યા બાદ સવારે ગુવાહાટી જવા રવાના થશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે. જો કે
મહારાષ્ટ્રનું વડુ મથક મુંબઈ તથા અન્ય શહેરમાંથી ગૌહાટી ફ્લાઇટ છે તેમ છતાં આ ધારાસભ્યોને મુંબઈથી ગૌહાટી વાયા સુરત કેમ લાવવામાં આવી રહ્યાં છે તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.