સુરત: (Surat) સુરત શહેરના ઉત્રાણ વિસ્તારમાં રાતોરાત કરોડપતિ બનવાનાં સપનાં જોઇ રહેલા અરવિંદ નામના રેતીચોરે એક મહિલા રાજકારણીના (Politician) પતિ સાથે ગોઠવણ કરી આખો સેટઅપ ગોઠવ્યો હોવાની વિગતો બહાર આવી છે. સુરત શહેરના (Surat City) તાપીના તટિય પ્રદેશોમાં લાંબા સમયથી ગેરકાયદે રેતીખનન (Sand Mining) થઇ રહ્યું છે. અત્યાર લગી ખનીજમાફિયાઓએ પાલ, અડાજણ, ભાઠા સહિત વરિયાવ અને ડભોલી, અમરોલી પુલ નીચે રેતીખનન કરતા હતા. પરંતુ જિલ્લાના કામરેજ તાલુકાના લોકલ રાજકારણીઓને સાથે રાખી જે રીતે ત્યાં રેતીખનન થઇ રહ્યું છે, એ મોડસ ઓપરેન્ડી હવે સુરત શહેરના તાપી વિસ્તારમાં પણ થઈ રહી છે.
ઉત્રાણ ગામના ધાબાના વડ પાસે મહાદેવ મંદિર પાછળના ભાગે અરવિંદ નામના એક રેતીચોરે લાંબા સમયથી અંધકારમાં ગેરકાયદે રેતીખનન શરૂ કરી દીધું હતું. આ રેતીખનન માટે ખાણ-ખનીજમાં વિભાગમાં બેસી રહેતા વચેટિયાઓ અને પોલીસ વિભાગ સાથે ગોઠવણ કરી અરવિંદ રેતીખનન કરતો હતો. પરંતુ આ અંગે વધુ તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, ખરેખર અરવિંદ પાસે બે બોટ છે. અને તે રેતીખનન માટે એક મોહરુ છે. વાસ્તવમાં પરદા પાછળ અસલી ખેલાડી મહિલા રાજકારણીના પતિદેવ છે. આ મહાશયે અગાઉ અમરોલી અને હવે ઉત્રાણમાં પોતાના છેડા અડાડી ગેરકાયદે રેતીખનન શરૂ કરાવી દીધું છે.
પોલીસને પણ આ રાજકારણીના પતિદેવ કોલ કરી દેતા હોવાની વાત છે. તેવી જ રીતે ખાણ-ખનીજ વિભાગના નીચેલા કર્મચારીઓને પણ આ મહાશય સીધા કોલ કરી રેઇડ નહીં પાડવા દબાણ કરે છે. જેને લઇ આગામી દિવસોમાં આ મામલો કલેક્ટરના દરબારમાં પહોંચશે. સુરત કલેક્ટરને આ અંગે ફરિયાદ કરી ગેરકાયદે ખનન અટકાવવા પ્રયાસ કરાશે. આ ઉપરાંત સ્થળ ઉપર નાવડી, ટ્રક સહિતનો મુદ્દામાલ પણ જપ્ત કરી ફોજદારી નોંધાવવા માંગણી કરાશે.
ઉત્રાણમાં રાતે રેતીચોરોને પકડવા વોચ ગોઠવાતાં ખનીજચોર છૂમંતર
ઉત્રાણ ગામમાં શરૂ થયેલા ગેરકાયદે રેતીખનન સામે સ્થાનિક લોકોએ હંગામો મચાવતાં મામલો બહાર આવ્યો છે. રાત્રિના અરસામાં ચાલી રહેલા ગેરકાયદે રેતીખનન અંગે અરવિંદ નામના માણસનું નામ બહાર આવતાં તપાસ શરૂ કરી દેવાઇ છે. આ તપાસમાં અરવિંદ કેટલાક સ્થાનિક રાજકારણીઓ સાથે મળી ગેરકાયદે રેતીખનન કરતો હોવાનું બહાર આવ્યું છે. ભૂસ્તર વિભાગની ટીમે ઉત્રાણ ગામમાં સતત વોચ ગોઠવી છે. વિતેલા બે દિવસથી રાતના અરસામાં પણ ત્યાં તપાસ કરાઇ રહી છે. પરંતુ રેતીખનનનો મામલો મીડિયામાં ઊછળતાં રેતીચોરો ગાયબ થઇ ગયા છે. જો કે, આ અંગે પૂછપરછ કરતાં નવનિયુક્ત રોયલ્ટી ઇન્સ્પેક્ટર કાછડિયાએ કહ્યું હતું કે, તેમને આ વિસ્તારમાં વોચ ગોઠવી છે. લોકલ લેવલે માહિતી ઝડપથી મળે એ માટે નેટવર્ક ગોઠવી દીધું છે. હવે જેવા રેતીચોરો તાપી નદીમાં પગ મૂકશે કે તરત તેમની તમામ સાધન-સામગ્રી જપ્ત કરી લેવાશે.