સુરત: સુરત પોલીસે (Surat Police) હવે લોકોના મોબાઈલ (Mobile) ચેક કરવાનું અભિયાન શરૂ કર્યું છે. શંકા પડે તો પોલીસ રસ્તામાં ઉભા રાખીને પણ હવે તમારો ફોન પોલીસ ચેક કરશે અને જો તમારા ફોનમાં આવો વીડિયો જોવા મળ્યો તો પછી તમારી ખેર નથી. સીધા જ તમને જેલભેગા કરી દેવામાં આવશે. સુરત પોલીસે મોબાઈલમાં પ્રતિબંધિત વીડિયો (Restricted videos) રાખવા કે જોવાના ગુનામાં એકને પકડી પણ લીધો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં પાછલા કેટલાંક દિવસોમાં નાના બાળકો પર બળાત્કારના કેસો વધ્યા છે. ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા સરપ્રાઇઝ મોબાઇલ ચેકીંગ (Surprise mobile checking)ઓપરેશન શરૂ કરાયું છે. આ અભિયાન હેઠળ શહેરના ઉધના, ડિંડોલી, સચિન વિસ્તારમાં શંકાસ્પદ લોકોના મોબાઇલ ફોન ચેકીંગ કરવામાં આવી રહ્યા છે. દરમિયાન રમજાન મોહમદ વકીલ (ઉ. વર્ષ 10 રહે. આશાપુરા મંદિર પાસે ઉધના)નો મોબાઇલ પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો. તેમાં સંખ્યાબંધ પોર્નોગ્રાફી ફિલ્મ મળી આવી હતી. દરમિયાન આ ફિલ્મ મળી આવતા તેની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાયબર ક્રાઇમ અને લોકલ પોલીસ સ્ટેશનોને શંકાસ્પદ હોય તેવા લોકોનો મોબાઇલ ફોન ચેક કરવા માટે આદેશ અપાયા છે. છેલ્લા એક વર્ષમાં અંદાજ પ્રમાણે 20 કરતા વધારે બાળકો દુષ્કર્મનો ભોગ બન્યા છે અને પોતાનો જીવ ગુમાવ્યો છે.
તમને જણાવી દઈએ કે દિવાળી બાદ સુરત શહેર સહિત રાજ્યમાં નાની બાળકીઓ પર બળાત્કારના ગુના ચિંતાજનક હદે વધ્યા છે. બાળકો પર થતાં દુષ્કર્મના વધતા કેસના પગલે ગુજરાતનું ન્યાયતંત્ર એલર્ટ થયું છે. સુરતમાં તો પાછલા એકથી દોઢ મહિનામાં ચાર આરોપીઓને ફાંસી અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. બાળકો પર થતાં અત્યાચાર, બળાત્કારના ગુનામાં સરકાર ગંભીર છે અને ગુનેગારોને કડક સજા આપવામાં આવશે તેવો મેસેજ આપવામાં આવી રહ્યો છે, પરંતુ આ ગુનાને મૂળથી જ ડામી દેવા પણ જરૂરી છે. બાળકો પર દુષ્કર્મના મોટા ભાગના ગુનામાં ચાઈલ્ડ પોર્નોગ્રાફી (Child Pornography) વીડિયો જવાબદાર હોવાનું ધ્યાન પર આવ્યું હોય સુરત પોલીસ દ્વારા હવે ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોનારાઓને જ પકડવાનું શરૂ કરાયુંછે, જે અંતર્ગત સાઈબર ક્રાઈમ દ્વારા સરપ્રાઈઝ મોબાઈલ ચેકિંગ શરૂ કરાયું છે.