SURAT

સુરતની વસ્તી વધતા પોલીસ સ્ટેશનોના ડિવિઝન બદલાશે, આ વિસ્તારો નવા ઝોનમાં દાખલ થશે

સુરત: (Surat) શહેરમાં વસ્તીમાં ધરખમ વધારો થવાની સાથે શહેરનું વિસ્તરણ થયું છે. જેની સામે પોલીસ સ્ટેશનો (Police Station) તથા શહેરમાં પોલીસ મહેકમ ખૂબ ઓછો છે. પરંતુ હવે શહેરમાં ક્રાઈમ કંટ્રોલ (Crime Control) પર લાવવા માટે પોલીસનું સૂચિત નવું માળખું તૈયાર થઈ રહ્યું છે. જે મુજબ શહેરમાં હવે ચાર ઝોનની જગ્યાએ ૬ ઝોન અને આઠ ડિવિઝનની (Division) જગ્યાએ 12 ડિવિઝન કાર્યરત કરાય તેવી વિચારણા છે. તમામ ડિવિઝનના એસીપીના (ACP) દેખરેખમાં માત્ર ત્રણ ત્રણ પોલીસ સ્ટેશન રહેશે. આ સાથે જ પોલીસ સ્ટેશનોની સંખ્યા પણ અગાઉ 28 હતી જે વધારીને હવે 35 કરવામાં આવે તેવી વિચારણા છે. હાલ તો બે નવા પોલીસ સ્ટેશન શરૂ પણ કરી દેવાયા છે. આગામી દિવસોમાં બીજા નવા અને સુચિત પોલીસ સ્ટેશનો પણ શરૂ કરાશે.

  • આગામી દિવસોમાં સુરત પોલીસને 6 ઝોન, 12 ડિવિઝનમાં વહેંચવામાં આવશે
  • વસ્તી મુજબ સુરતમાં પોલીસ સ્ટેશનની સંખ્યા 35 કરાશે, મહેકમ પણ વધારાશે
  • હાલમાં સુરત પોલીસમાં 4 ઝોન અને 8 ડિવિઝન કાર્યરત છે, જેમાં વધારો કરાશે
  • પોલીસનું નવું ભૌગોલિક સીમાંકન ક્રાઈમ ઉપર અંકુશ લાવે તેવી સંભાવના

શહેરમાં વસ્તીની સામે પોલીસની સંખ્યા ખૂબ ઓછી છે. પરંતુ છેલ્લા વર્ષેમાં પોલીસની નવી ભરતી અને શહેરમાં ફાળવવામાં આવેલો પોલીસ મહેકમ વધારાયો છે. વસ્તીની દ્રષ્ટિએ હાલ પોલીસની સંખ્યા જોતા ક્રાઈમ કંટ્રોલ ખૂબ સારો કહી શકાય છે. પરંતુ અગામી દિવસોમાં શહેરના પોલીસ સ્ટેશનનું ભૌગોલિક સીમાંકન હવે બદલાય તેવી શક્યતા છે. હાલ બે સેક્ટરમાં ચાર ઝોન અને 8 ડિવિઝન કાર્યરત છે. જેની જગ્યાએ આગામી દિવસોમાં 2 સેક્ટરમાં ૬ ઝોન અને ૧૨ ડિવિઝન કાર્યરત થાય તેવી શક્યતા છે.

સુરત શહેરમાં અગાઉ બે એડિશનલ સીપી રેન્જ-૧ અને રેન્જ-૨ નીચે કુલ ચાર ડીસીપી ચાર ઝોનમાં વેચાયા હતા. જેમની દેખરેખમાં 8 ડિવિઝન અને આ આઠ ડિવિઝનના એસીપીના દેખરેખમાં ૨૮ જેટલા પોલીસ સ્ટેશન કાર્યરત હતા. પરંતુ નવું માળખું જો બને તો તે મુજબ હવે પોલીસ કમિશનરના નેતૃત્વમાં બે રેન્જના બે એડિશનલ સીપી ત્યારબાદ તેમના દેખરેખમાં ૬ ઝોનના છ ડીસીપી અને 12 ડિવિઝનના ૧૨ એસીપી રહેશે. અને ૧૨ એસીપીના અંડરમાં કુલ ૩૫ પોલીસ સ્ટેશન કાર્યરત રહેશે. જેના કારણે શહેરમાં પોલીસ સ્ટેશનની ભૌગોલિક સીમાંક થશે. અને પોલીસ સ્ટેશનદીઠ વસ્તી ઘટશે તો પોલીસ તેમના વિસ્તારમાં પૂરતું પેટ્રોલિંગ કરવાની સાથે ક્રાઇમ રેટ ઘટાડવા પૂરતો પ્રયાસ કરી શકશે.

કયા કયા પોલીસ સ્ટેશનના ડિવિઝન બદલાશે?
નવા બે ઝોન અને તેમા ચાર નવા ડિવિઝન શરૂ થાય તો તેમાં ઉમરા, વેસુ, ડુમસ, હજીરા, મરીન, ઇચ્છાપોર, અડાજણ, પાલ, રાંદેર, સિંગણપોર અને જહાંગીરપુરા પોલીસ સ્ટેશનનો સમાવેશ થશે. આ પોલીસ સ્ટેશન નવા ઝોનમાં દાખલ થશે એટલે ડિવિઝનમાં ઘણા ફેરફાર થઈ શકે છે. અત્યારે પ્રાથમિક રીતે આ માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જે આગામી દિવસોમાં નક્કી થશે.

નવા સાત પોલીસ સ્ટેશન બનશે, બે શરૂ થઈ ગયા
સુરત શહેરમાં અત્યારે નવા પાંચ પોલીસ સ્ટેશનોને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ઉતરાણ, વેસુ, પાલ, સારોલી અને અલથાણ પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ 5 મંજૂર પોલીસ સ્ટેશનો પૈકી ઉતરાણ અને સારોલી પોલીસ સ્ટેશન શરૂ પણ કરી દેવાયુ છે. જ્યારે બીજા ત્રણ પોલીસ સ્ટેશન બનીને તૈયાર છે. આ સિવાય લસકાણા અને ભેસ્તાનમાં પણ બે નવા સૂચિત પોલીસ સ્ટેશન માટે મંજૂરી માંગવામાં આવી છે. જો આ તમામ પોલીસ સ્ટેશનો શરૂ થાય તો શહેરમાં નવા સાત પોલીસ સ્ટેશનનો ઉમેરો થશે.

Most Popular

To Top