સુરત: શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતો એક યુવક જીવનથી હતાશ થઈને રેલવે પાટા પર સ્યુસાઈડ કરવા જઈ રહ્યો હોવાનો કોલ મળતા જ ડિંડોલી પોલીસ વીજળીક ઝડપે દોડી હતી. યુવકના મોબાઈલના લોકેશનને ટ્રેસ કરી પોલીસે તેની પાસે પહોંચી જઈ તેને બચાવી લીધો હતો. પોલીસની સતર્કતા અને સ્ફૂર્તિના લીધે યુવકનો જીવ બચી ગયો હતો.
આ ઘટનાની મળતી માહિતી અનુસાર આજે તા. 4 માર્ચે સવારે 11 વાગ્યાના અરસામાં ડીંડોલી રોયલ સ્ટાર ટાઉનશીપમાં રહેતા પ્રશાંત આહીરે નામના યુવકે સુરત શહેર પોલીસ કંટ્રોલ રૂમ પર ફોન કર્યો હતો. પ્રશાંતે કંટ્રોલ રૂમ પર કહ્યું હતું કે, પોતે રેલ્વે પાટા ઉપર સ્યુસાઇડ કરવા માટે જઈ રહ્યો છે.
સુરત પોલીસ કંટ્રોલ રૂમના સ્ટાફે આ કોલને ગંભીરતાથી લઈ તાત્કાલિક ડીંડોલી પોલીસ સ્ટેશનના પીએસઓને જાણ કરી એલર્ટ કર્યા હતા. પીએસઓએ તરત જ આ મામલે પી.આઇ. આર.જે. ચુડાસમાને જાણ કરી હતી. પીઆઈ ચુડાસમાએ જરા પણ સમય ગુમાવ્યા પોલીસ સ્ટાફને યુવકના છેલ્લા મોબાઈલ લોકેશનની દિશામાં દોડાવ્યો હતો.
પોલીસ કર્મચારીઓ તાત્કાલિક ડીંડોલી રોયલ સ્ટાર ટાઉનશીપની પાછળની તરફ આવેલા ઉધનાથી ભુસાવલ તરફ જતી રેલ્વે ટ્રેક પાસે પહોંચી ગયા હતાં. જ્યાં પ્રશાંત કાંતિલાલ આહીરે (ઉં.વ.૩૪ ધંધો-રીક્ષા ડ્રાઇવીંગ રહે. રોયલસ્ટાર ટાઉનશીપ, ફ્લાવર ગાર્ડન પાસે, ડીંડોલી, સુરત ) રેલવે પાટા પાસે આત્મહત્યા કરવાના ઈરાદે ફરતો મળી આવ્યો હતો.
પ્રશાંત આહિરે આત્મહત્યા કરે તે પહેલા પોલીસ કર્મીઓએ તેને પકડી લીધો હતો અને ડીંડોલી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. પોલીસ સ્ટેશનમાં પ્રશાંત આહિરેનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેના માતા-પિતાને બોલાવી કબ્જો સોંપ્યો હતો. આમ, ડીંડોલી પોલીસે માનવીય અભિગમ દાખવી સમય સૂચકતા વાપરી આત્મહત્યા કરવા ગયેલ યુવકનો જીવ બચાવી પ્રશંસનીય કામગીરી કરી હતી.