SURAT

લોકો પાસે ઉઘરાણા કરતી સુરત પોલીસે લાખો રૂપિયાનો દંડ જમા કરાવ્યો નથી, RTIમાં મોટો ખુલાસો

સુરત (Surat): રસ્તા પર ઉભા રહીને વાહનચાલકો અને લોકો પાસેથી રોજ હજારો-લાખો રૂપિયાનું ઉઘરાણું કરતી સુરત પોલીસ પોતે દંડ ભરવામાં આળસું છે. વારંવાર નોટીસો મોકલાવા છતાં સુરત પોલીસે હજુસુધી લાખો રૂપિયાનો દંડ (Penalty) સરકારની તિજોરીમાં જમા કરાવ્યો નહીં હોવાનો ચોંકાવનારો ખુલાસો આરટીઆઈમાં (RTI) થયો છે.

ગુજરાત પોલીસ (Gujarat Police) ખાતાની ફરજમાં બેદરકારી બદલ પોલીસ કર્મચારીઓને દંડ સાથેના કારણ દર્શાવવા નોટીસ આપવામાં આવે છે. નોટીસના જવાબ વ્યાજબી ના હોય તો હિયરીંગ પછી આખરી હુકમ કરીને દંડ ફટકારવામાં આવે છે. સુરત શહેર પોલીસ ખાતામાં છેલ્લાં 3 વર્ષ દરમિયાન ઝોન-1,2,3 અને ટ્રાફિક ખાતામાં ફરજમાં બેદરકારી બદલ કારણ દર્શાવવા નોટીસ મળેલા કર્મચારીઓની સંખ્યા 6442 થી વધારે છે. સામાજિક કાર્યકર્તા અને RTI એક્ટીવીસ્ટ સંજય ઇઝાવાને મળેલ માહિતી મુજબ ઝોન-1,2,3 અને ટ્રાફિક ખાતામાં વર્ષ 2019 દરમિયાન 3151, વર્ષ 2020 દરમિયાન 1818 અને વર્ષ 2021 દરમિયાન 2555 જેટલા પોલીસ જવાનોને ફરજ પરના બેદરકારી બદલ નોટીસ મળી છે.

સુરત શહેર પોલીસ ઝોન -1 માં 2 વર્ષ દરમિયાન રૂ. 33 લાખ 32 હજાર 850 જેટલા રકમ નો દંડ કર્મચારીઓને આપવામાં આવ્યો હતો. કર્મચારીઓની સુનાવણી બાદ આખરી હુકમ મુજબ દંડની રકમ રૂ. 18 લાખ 10 હજાર જેટલો થઇ ગયો હતો. એમાંથી રૂ. 9 લાખ 13 હજાર 374 દંડ પેટે અલગ-અલગ પોલીસ સ્ટેશન દ્વારા સ્વીકારવામાં આવી છે. RTI માહિતી મુજબ હજુ આ 3 વર્ષ ના આખરી દંડની 50% રકમ વસુલાત બાકી છે. ઝોન -2 માં 3 વર્ષ દરમિયાન કુલ 2373 જેટલી નોટીસ ફરજમાં બેદરકારી બદલ ફટકારાઈ છે. જે અંગે આખરી હુકમ પૈકી રૂ. 6 લાખ 60 હજાર 100 હજુ ઝોન -2 ના અલગ-અલગ પોલીસ સ્ટેશનો દ્વારા વસુલવાના બાકી છે.

ઝોન -3 માં 3 વર્ષ દરમિયાન કુલ 1555 જેટલી નોટીસ ફરજમાં બેદરકારી બદલ મોકલી છે. માહિતી અધિકાર અધિનિયમની છટકબારીનો ઉપયોગ કરીને દંડની રકમ અંગે કોઈ માહિતી ઝોન -3 ના નાયબ પોલીસ કમિશ્નર દ્વારા આપવામાં આવ્યો નથી. ઝોન -4 માં આ અંગે કોઈ માહિતી આપવાનો જ ઇનકાર કરવામાં આવ્યો હતો. ઝોન-3 અને 4 ના પ્રથમ અપીલ અધિકારી એવા અધિક પોલીસ કમિશ્નર શરદ સિંધલે પણ માહિતી આપવા ઈનકાર કર્યો હતો.

સ્પેશિયલ ટીમને તપાસ સોંપવા માગ
આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ કહ્યું કે “કર્મચારીઓને ફરજ પરના બેદરકારી બતાવી ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોટી રકમની નોટીસ પાઠવી ડરાવવામાં આવે છે, ત્યાર પછીની હિયરીંગમાં ગેરકાયદેસર રીતે કર્મચારીઓ પાસે થી રકમ વસુલીને પોતાના ખિસ્સા ભરીને દંડની રકમ ઓછી કરી દેવામાં આવે છે. આ માહિતી મને મળતા આ રીતની અરજી કરી માહિતી માંગવાની ફરજ પડી હતી. કર્મચારીઓને શોષણ કરવાની વાત કઈ હદ સૂધી સાચી છે, અધિકારીઓ આ પ્રકારના દંડની માહિતીઓ આપવા નથી માંગતા. યેન કેન બહાને માહિતી આપવાનું ટાળે છે. આ અંગે પોલીસ કમિશ્નર અને ડી.જી.પી. દ્વારા સ્પેશિયલ ટીમની નીમુણુક કરી તપાસ હાથ ધરાવવી જોઈએ”

Most Popular

To Top