સુરત: (Surat) હજીરા ખાતે ઓએનજીસી કંપનીમાં કોન્ટ્રાક્ટ (Contract) હેઠળ કામ કરતા યુવાન સહિત પાંચ જણાને દુબઈ અને યુક્રેનના સ્ટુડન્ટ વિઝાની (Visa) લાલચે 26.41 લાખ પડાવનાર લક્ઝુરીયા બિઝનેશ હબમાં એક્સએલ ઇન્ટરનેશનલના ત્રણ સામે ઉમરા પોલીસમાં ફરિયાદ (Police Complaint) નોંધાઈ હતી. પોલીસે બે ભાગીદારોની ધરપકડ કરી વધારે તપાસ હાથ ધરી છે.
- દુબઈ અને યુક્રેનના સ્ટુડન્ટ વિઝાની લાલચે 26.41 લાખ પડાવનાર ત્રણ સામે પોલીસ ફરિયાદ
- ડુમસ રોડ પર લક્ઝુરીયા બિઝનેશ હબમાં એક્સએલ ઇન્ટરનેશનલના ત્રણ સામે ફરિયાદમાં બે ભાગીદારની ધરપકડ
વેસુ ખાતે સુમન મલ્હાર એપાર્ટમેન્ટમાં રહેતા 26 વર્ષીય મુકેશ દલપત પરમાર હજીરાની ઓએનજીસી કંપનીમાં કોન્ટ્રાક્ટ હેઠળ નોકરી કરે છે. તેને ઇન્સ્ટાગ્રામ ઉપર વર્ક પરમીટ અને વિઝાની જાહેરાત વાંચી હતી. જાહેરાત જોઈને તે ડુમ્મસ રોડના લક્ઝુરીયા બિઝનેશ હબમાં એક્સએલ ઇન્ટરનેશનલની ઓફિસમાં પહોંચી ગયા હતા. ઓફિસમાં ધાર્મિક માધવાણી, રાજેન્દ્ર તળસરીયા અને હેમલ પાંડવનો સંર્પક કર્યો હતો. મુકેશ પાસેથી તેમણે દુબઈના વર્ક પરમીટ વિઝાના નામે 1.83 લાખ રૂપિયા લઈ લીધા હતા. પરંતુ વર્ક પરમીટ વિઝાને બદલે માત્ર એક મહિનાના ટુરીસ્ટ વિઝા અપાવ્યા હતા. મુકેશે રૂપિયા પરત માંગતા ત્રણેયે તેને ધાક ધમકી આપી હતી. બાદમાં ઓફિસને તાળા મારી ગાયબ થઈ ગયા હતા.
મુકેશને બાદમાં જાણવા મળ્યું હતું કે, એક્સએલ ઇન્ટરનેશનલના ભાગીદારોએ માત્ર તેની સાથે નહીં પણ અન્ય ચાર જણાને પણ વર્ક પરમીટ વિઝા અપાવવાના બહાને કુલ 26.41 લાખ પડાવ્યા હતા. ઉમરા પોલીસે ઠગાઈની ફરિયાદ નોંધી રાજેન્દ્રભાઇ રવજીભાઇ તરસરીયા (રહે-એ/૯૦૪ સર્જન પેલેસ ભરીમાતા રોડ સીંગણપોર) તથા હેમલભાઇ હિપેશભાઇ પાંડવ (રહે-૧૧૭/૧૧૮ માધવાનંદ સોસાયટી ધનમોરા સર્કલની બાજુમાં કતારગામ) ને ઝડપી પાડ્યો હતો. જ્યારે ધાર્મિકભાઇ સુરેશભાઇ માધવાણી (રહે-૩૮ નંદીગ્રામ સોસાયટી લક્ષ્મી એન્કલેવ કતારગામ) ને વોન્ટેડ જાહેર કર્યો હતો.
રૂપિયા ડબલ કરી આપવાની સ્કીમ આપી 10 હજારની ઠગાઇ
સુરત : અઠવામાં રહેતા યુવકને ઓનલાઇન ડબલ રૂપિયા કરી આપવાની સ્કીમ આપીને રૂા.10 હજાર ટ્રાન્સફર કરી લેવામાં આવતા પોલીસ ફરિયાદ થઇ હતી. પ્રાપ્ત વિગતો મુજબ અઠવાના ગોપીપુરામાં રહેતા ભવ્ય સુનિલકુમાર મંદિરવાલા સોશિયલ મીડિયા ઇન્સ્ટ્રાગ્રામ ઉપયોગ કરી રહ્યા હતા ત્યારે યુનિક નેશનલ ઓફિશિયલ સાઇડ ઉપર ક્લીક કરતા એક મેસેન્જર ઓપન થયું હતું. સામે ગણેશ તાનાજી નામના યુવકે વાતો કરીને ભવ્યને રૂપિયા ડબલ કરી આપવાની સ્કીમ આપી હતી. ગણેશે પેટીએમનો ઉપયોગ કરતા હોય તેવા વ્યક્તિને પેટીએમમાં જ ડબલ રૂપિયા આપવાની સ્કીમ આપી હતી. ભવ્યને રૂા.2 હજારની સામે 4 હજાર આપવાની વાત કરી હતી. ત્યારબાદ એક કોલ આવ્યો હતો અને એક કોડ આપ્યો હતો. ભવ્યએ કોડ પેટીએમમાં જમા કરાવતા સીધા જ 2 હજાર કપાઇ ગયા હતા. ભવ્યએ ફરીવાર ફોન કરીને કહેતા ગણેશે રૂા.8 હજારની ટ્રાન્સફર કરવાનું કહીને તેની સામે 16 હજાર આપવાનું કહ્યું હતું. ભવ્યએ આ રૂપિયા પણ જમા કરી દીધા છતાં રૂપિયા ડબલ નહીં થતાં પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. બનાવ અંગે મહિધરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.