SURAT

નિયમોનું પાલન શું ફ્કત જનતાએ જ કરવાનું? માસ્ક વગર બેફામ કારમાં ફરી રહેલા આ પોલીસ કર્મીઓ વિરૂદ્ધ શું કાર્યવાહી થશે?

સુરત: (Surat) સામાન્ય પ્રજા પાસેથી પોલીસ (Police) માસ્ક (Mask) વગર ગાડી ચલાવનારાઓને રૂપિયા ૧૦૦૦નો દંડ કરે છે. આ જુઓ સુરતના સિંઘમ કે જેવો પોતે માસ્ક વગર કારમાં ફરી રહ્યા છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યશપાલસિંહ અને અન્ય પોલીસ કર્મી માસ્ક પહેર્યા વગર સરકારની ગાઇડ લાઇનનો ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં તેઓ કારમાં વાગતા ગીતો પર ઝૂમતા પર દેખાયા હતા. ત્યારે હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે કોરોનાની આ મહામારીમાં જ્યારે જનતા પહેલાં થી જ આર્થિક તેમજ માનસિક રીતે ભાંગી પડી છે એવામાં નીતિ નિયમોના ના પર ફક્ત અને ફક્ત જનતાને જ ટાર્ગેટ કરાય તે કેટલું માનવીય છે.

પોલીસ કર્મીઓ સરકાર અને પોલીસ કમિશનરનો આદેશ પણ ઘોળીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે. ગરીબ અને મધ્યમવર્ગને લૂંટવામાં કોઈ કસર ન રાખનારા પોલીસ કર્મીઓ કાયદાના લીરે લીરા ઉડાવી રહ્યા છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા યશપાલસિંહ અને અન્ય પોલીસ કર્મી માસ્ક વગર કારમાં ફરી રહ્યાં છે અને ફિલ્મી ગીતો પર ઝૂમી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ તથા બંને કર્મચારીઓ પર જનતાનો ફિટકાર વરસી રહ્યો છે ત્યારે હવે સુરતના પોલીસ કમિશનર તેમની સામે કયા પ્રકારના પગલાં લે છે તે જોવું રહ્યું.

‘તમે અમને જ પકડો છો, રિક્ષાવાળાને પકડતા નથી’ કહીને ટીઆરબી સાથે માથાકૂટ

સુરત : રિંગરોડની ટેક્સટાઇલ માર્કેટ પાસેથી મોટરસાઇકલ ઉપર મોબાઇલમાં વાત કરતી વેળા પકડેલા યુવકે પોલીસ સાથે જીભાજોડી કરી હતી. જેને લઇને પોલીસે આ યુવકની સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વરાછા વિસ્તારમાં રહેતો જીગ્નેશભાઇ ગોટી સીબીઝેડ મોટરસાઇકલ લઇને આવી રહ્યો હતો. દરમિયાન પોલીસે તેને સલાબતપુરા રિંગરોડ ટેક્સટાઇલ ચોકી પાસે અટકાવ્યો હતો અને ચોકીમાં લઇ ગયા હતા. ત્યાં સિંગણપોર સેવન એવન્યુ પાસે સિલ્વર સ્ટોનમાં રહેતા યોગેશ પોપટભાઇ કળથિયા આવ્યો હતો અને પોલીસને કહેવા લાગ્યો કે, તમે અમને જ કેમ પકડો છો, આ રિક્ષાવાળાઓને કેમ પકડતા નથી. તમે ખોટે ખોટા હેરાન કરો છો, તમારે બીજુ કોઇ કામ નથી. પોલીસે યોગેશની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

સાત વાગ્યે કાપડ બજારના વેપારીઓ એક સાથે છૂટતા રિંગરોડ પર અંધાધૂંધી

આઠ વાગ્યે શહેરમાં કરફયુ લાગુ કરવામાં આવ્યો છે. ત્યારે સાંજના સાત વાગ્યે ડાયમંડ હાઉસો અને કાપડ બજારમાં એક સાથે લોકો ઘરે જવા ધસારો કરતા એક અંદાજ પ્રમાણે સાંજના સાત વાગ્યા પછી ચાર લાખ વાહનોનો જમેલો રિંગરોડ પર જોવા મળી રહ્યો છે. તેને કારણે રાત્રિના સાડા આઠ વાગ્યા સુધી ટ્રાફિક જામની ભયંકર સમસ્યા ઉભી થઇ છે. ટ્રાફિક પોલીસને આ મામલે જાણ કરવામાં આવી છે પરંતુ ટીઆરબી જવાનો અહીં નહીવત મૂકવામાં આવતા હોવાની વિગત જાણવા મળી છે. છેલ્લા પાંચ દિવસથી સાંજના સાત વાગ્યા પછી રિંગરોડ પર એક કિલોમીટરનુ અંતર કાપતા અડધો કલાક કરતા વધારે સમય લાગી રહ્યો છે. આમ શહેરમાં ટ્રાફિક સમસ્યા વધારે વકરવા પામી છે. દરમિયના શુક્રવારના રોજ પણ રિંગરોડ પર અંધાધૂંધ સર્જાઇ હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top