SURAT

સુરતના માથાભારે મનીયા ડુક્કર સહિત પાંચની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ: 7 દિવસના રિમાન્ડ

સુરત: (Surat) જેલમાંથી બેઠા બેઠા જ જેલનો ખર્ચો કાઢવા માટે ડિંડોલીના નાના-મોટા વેપારીઓને ધમકાવીને તેની પાસેથી રૂપિયા ખંખેરતી મનીયા ડુક્કર (Maniya Dukkar) સહિત પાંચ આરોપીને ડિંડોલી પોલીસે (Police) ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા. આ તમામના સાત દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. અગાઉ પોલીસે ગેંગના બે આરોપીની ધરપકડ કરી હતી.

  • થોડા દિવસ પહેલા ડિંડોલી પોલીસે ડુક્કર ગેંગની સામે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ બાદ આજે પાંચની ધરપકડ કરી
  • મનીયા ડુક્કરની ગેંગએ દિવાળી પહેલા પણ ટેલરીંગના વેપારીને ધમકાવીને રૂપિયા ખંખેર્યા હતા, આ ઉપરાંત નાના-મોટા વેપારીઓને પણ ધમકાવ્યા હતા
  • મનિયા ડુક્કર ગેંગ જેલમાંથી બેઠા બેઠા જ જેલનો ખર્ચો કાઢવા માટે ડિંડોલીના નાના-મોટા વેપારીઓને ધમકાવીને તેની પાસેથી રૂપિયા ખંખેરતી

આ કેસની વિગત મુજબ ડિંડોલીમાં રહેતા અને ટેલરીંગનું કામ કરતા વેપારી પાસેથી 15 દિવસ પહેલા જ મનીયા ડુક્કર ગેંગના રાજ ઉર્ફે વાલ્મિક, કોમલ, મિથુન અમદાવાદી તેમજ અન્ય ઇસમો આવ્યા હતા અને તેઓએ વેપારીને જેલના ખર્ચાના રૂા. 10 હજારની માંગણી કરી હતી. વેપારીએ ડરીને 2 હજાર આપ્યા હતા અને બીજા રૂપિયા માટે આ માથાભારે ટોળકીએ વેપારીને ધમકાવ્યા પણ હતા. બનાવ અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી. બીજી તરફ મનીયા ડુક્કરની ગેંગએ દિવાળી પહેલા પણ ટેલરીંગના વેપારીને ધમકાવીને રૂપિયા ખંખેર્યા હતા, આ ઉપરાંત નાના-મોટા વેપારીઓને પણ ધમકાવ્યા હતા. આ ગેંગ સામે કોર્ટની પરવાનગી બાદ ડિંડોલી પોલીસે મનીયા ડુક્કર ગેંગની સામે ગુનો નોંધ્યો હતો. દરમિયાન જેલમાં બંધ પ્રવિણ ઉર્ફે આંબા આધારભાઇ કોળી, દયાવાન ઉર્ફે બંટી અશોક પાટીલ, સાગર ઉર્ફે નીતિન ઉર્ફે મનોજ ઉર્ફે મનીયા ડુક્કર સંતોષભાઇ સોનવણે, અજય ઉર્ફે જેકીયા ગુલાબ ખેર, સાગર આધાર ભાઇદાસ કોળીની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવામાં આવી હતી. ડિંડોલી પોલીસે પાંચેયને કોર્ટમાં રજૂ કરીને 20 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ પાંચેયના સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ ડિંડોલી પોલીસે આ ગેંગના નરેન્દ્ર ઉર્ફે કબૂતર તેમજ અર્જુન પાસવાનની ધરપકડ કરી હતી અને તેઓના રિમાન્ડ મેળવ્યા હતા. આગામી દિવસોમાં પોલીસ આ તમામ આરોપીઓને સાથે રાખીને ક્રોસ ઇન્ટ્રોગેશન સાથે વધુ પુછપરછ કરશે.

Most Popular

To Top