SURAT

‘તારી કોઈ જરૂર નથી’, કહી સુરતના પોલીસ હેડ કોન્સ્ટબલને તેના જ સસરાએ પગમાં ફટકો માર્યો

સુરત: અમરોલીમાં પત્ની અને પુત્રીઓને મળવા માટે ગયેલા પુણા પોલીસમથકના હેડ કોન્સ્ટેબલને સસરાએ અપશબ્દો કહી ઢીકમુક્કીનો માર મારવા ઉપરાંત પગમાં ફટકો મારી દીધો હતો. આ મામલે કોન્સ્ટેબલે અમરોલી પોલીસમથકમાં સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

અમરોલી પોલીસમથકેથી મળતી વિગતો અનુસાર મૂળ ઉમરપાડાના ગોંદલિયા ગામના વતની અને હાલ મગદલ્લા પોલીસ લાઇનમાં રહેતા સુંદર બોકડિયા વસાવા પુણા પોલીસમથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. દરમિયાન છેલ્લા 15 દિવસથી સુંદરની પત્ની પિયરમાં ત્રણ પુત્રીઓ સાથે રહેતી હોય, ગઇકાલે સુંદર વસાવા પત્ની અને પુત્રીઓને મળવા માટે ઉત્રાણ વી.આઇ.પી. સર્કલ સૂરજ ફાર્મમાં ગયો હતો. પત્નીને પુત્રીના એડમિશન બાબતે પૂછતાં પત્નીએ કોઇ જવાબ આપ્યો ન હતો. આ સમયે સસરા કનુ સોનજી વસાવાએ ઉશ્કેરાઇને મારી દીકરી કૈલાસ હોમગાર્ડમાં જોડાઇ ગઇ છે. તારી કંઇ જરૂર નથી તેમ કહી ગાળો આપી માર માર્યો હતો. ઢીકમુક્કીનો માર મારતાં બેભાન થઇ ગયેલા સુંદર વસાવાને સસરા કનુ વસાવાએ પગમાં લાકડાનો ફટકો મારી દીધો હતો. આ બનાવ અંગે સુંદર વસાવાએ અમરોલી પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.

નર્સ તરીકે કામ કરતી મહિલાએ રૂપિયા આપવાની ના પાડતા પતિનો ચપ્પુથી હુમલો
સુરત : અડાજણમાં રહેતી અને ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી મહિલા ઉપર તેના જ પતિએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પતિની અસામાજીક પ્રવૃતિથી વારંવાર ઘર બદલવાનો વારો આવતો હતો, આખરે મહિલાએ ડિપોઝીટના રૂપિયા આપવાની ના પાડતા તેની ઉપર હુમલો કરાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ અડાજણના હનીપાર્ક રોડ ઉપર કેદાર દર્શન એપાર્ટમેન્ટમાં રહેતો રમેશ ઉર્ફે ડભુ મંગાભાઇ મારૂ અગાઉ મારામારી અને હત્યાના ગુનામાં ઝડપાઇ ગયો છે, આ ઉપરાંત તેની અસામાજીક પ્રવૃતિને કારણે તેઓ જ્યાં પણ ભાડે રહેવા જાય છે ત્યાંથી થોડા જ મહિનામાં ઘર ખાલી કરવાનો વખત આવી જાય છે. હાલમાં તેઓ જ્યાં રહે છે તે ફ્લેટ પણ ખાલી કરી દેવા માટે ફ્લેટ માલિકે કહ્યું હતું. બીજી જગ્યા ઉપર જવા માટે રમેશે તેની પત્ની રતનબેન પાસે ડિપોઝીટના રૂપિયા માંગ્યા હતા. રમેશભાઇની અસામાજીક પ્રવૃતિને કારણે રતનબેને પણ આ વખતે ડિપોઝીટના રૂપિયા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ વાતને લઇને પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં રમેશભાઇએ ઘરના રસોડામાંથી ચપ્પુ લઇ આવીને પત્ની રતનબેન ઉપર જીવલેણ હુમલો કરી ત્રણ ઘા મારી દીધા હતા. ખાનગી હોસ્પિટલમાં કામ કરતી રતનબેનએ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી. બનાવ અંગે રતનબેનના ભાણેજ નિતીનભાઇ દાફડાએ તેના રમેશભાઇની સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top