સુરત: (Surat) સુરત પોલીસ વિભાગના (Police Department) કોલિંગના ડેટા લીક કરવાના કૌભાંડમાં (Scam) ઝોન-2ના કોન્સ્ટેબલ દિલ્હીથી સુરત પરત આવ્યા ન હતા અને તેમનો મોબાઇલ પણ સ્વિચ ઓફ આવતો હોવાથી સુરત પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ કોન્સ્ટેબલ દિલ્હીથી (Delhi) નીકળ્યા બાદ અમદાવાદમાં સ્પોટ થયો હોવાની વિગતો મળી છે. આ કેસને ગંભીરતાથી લઇ સુરત પોલીસ કમિશનરે સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવાનો આદેશ આપ્યો છે, પોલીસની આ તપાસમાં કાપોદ્રા પોલીસની પણ એક ટીમ જોતરાઇ હોવાનું કહેવાય છે.
સુરત પોલીસ વિભાગના ડીસીપી ઝોન-2માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ મિથુન ચૌધરી તેમજ હાલમાં કાપોદ્રા પોલીસમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિપુલ કોટડિયાએ પોતાના જ પોલીસ વિભાગની માહિતી લીક કરવાનું કૌભાંડ આચર્યું હતું. ડીસીપી કક્ષાના અધિકારીઓના આઇડી અને પાસવર્ડ મેળવી તેમાંથી પોલીસના કોલ રેકોર્ડિંગ મેળવી લઇ તે ડેટા દિલ્હીની પ્રાઇવેટ જાસૂસી સંસ્થાને વેચવાનું કૌભાંડ કરાયું હતું, એક માહિતી પાસઓન કરવાના રૂ.25 હજાર બંને કોન્સ્ટેબલો મેળવતા હોવાના આક્ષેપ વચ્ચે દિલ્હી પોલીસ મિથુન ચૌધરીને ઊંચકી ગઇ હતી. તેની તપાસ બાદ દિલ્હી પોલીસે વિપુલની પણ ધરપકડ કરી હતી અને મિથુનને જવા દીધો હતો.
મિથુને દિલ્હી પોલીસથી બહાર નીકળ્યા બાદ પોતાનો મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો હતો અને ગુમ થઇ ગયો હતો. ચારથી પાંચ દિવસ છતાં પણ મિથુનનો કોઇ અત્તોપત્તો નહીં લાગતાં સુરતના પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. આ વાતને પોલીસ કમિશનર અજય તોમરે પણ ગંભીરતાથી લીધી છે. પો.કો. મિથુનને શોધવા કમિશનરને સુરત ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપી છે. આ તપાસમાં કાપોદ્રા પોલીસની ટીમ પણ જોતરાઇ છે. પોલીસના કહેવા પ્રમાણે મિથુન દિલ્હીથી નીકળ્યા બાદ અમદાવાદ સ્પોટ થયો હતો. જેને લઇ કાપોદ્રા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદ ગઇ હોવાની વિગતો મળી છે.