સુરત: (Surat) શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમરે (Police Commissioner Ajay Tomar) ચાર્જ લીધો તે દિવસથી તેમને ‘નો ડ્રગ્સ ઇન સિટી’ ઝુંબેશ શરૂ કરી હતી. શરૂઆતથી નશાના કારોબાર ઉપર કાર્યવાહી કરવા તેમને સપાટો બોલાવ્યો હતો. અને હવે ડ્રગ્સ માફિયાઓ જેમના નામથી થથરી ઉઠે તેવા એસીપી ભાવેશ રોજીયા સુરત ક્રાઈમ બ્રાંચમાં આવતા સુરત ક્રાઈમ બ્રાંચનું (Crime Branch) નેટવર્ક વધારે મજબૂત થયું છે. અને સુરત ક્રાઈમ બ્રાંચે પોલીસ કમિશનરની સૂચનાથી ગુજરાત એટીએસ (Gujarat ATS) સાથે મળીને એક જ મહિનામાં દેશના અનેક સ્થળે રેઈડ (Raid) કરી મોટું નેટવર્ક તોડી પાડ્યું છે.
- સુરત ક્રાઈમ બ્રાંચના મજબૂત નેટવર્કથી 1347 કરોડનું હેરોઈન, એમડી ડ્રગ્સ પકડાયું
- પોલીસ કમિશનર અજય તોમરનું માર્ગદર્શન અને એસીપી ભાવેશ રોજીયાના નેટવર્કથી નશા કારોબારીઓમાં ફફડાટ
- છેલ્લા એક મહિનામાં ગુજરાત એટીએસ સાથે વડોદરા, દિલ્હી અને કલક્તામાં મોટા ઓપરેશનો કર્યા
શહેરમાં નશીલા પદાર્થોની બદી સદંતર નેસ્ત નાબૂદ થાય તેમજ તેની હેરા-ફેરી અટકાવવા તથા યુવાધનમાં નશીલા પદાર્થોના સેવનને રોકવા ડ્રગ્સની હેરા-ફેરીને અટકાવવા માટે પોલીસ કમિશનર અજયકુમાર તોમરે સુચના આપી હતી. સોનામાં સુગંધ ભળે તેમ સુરત ક્રાઈમ બ્રાંચમાં એસીપી બી.પી.રોજીયાએ ચાર્જ લેતા નશાના કારોબારીઓની કમર તોડવાની શરૂઆત થઈ હતી. તેમને મળેલી બાતમીઓના આધારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે ગુજરાત એટીએસ સાથે મળીને દેશના અનેક સ્થળો પર રેઈડ કરી નશાના કારોબારને પકડી પાડી અનેકની ધરપકડ કરી હતી.
કેસ-1
- વડોદરામાંથી 1125 કરોડનું ડ્રગ્સ પકડાયું
ગત 16 ઓગસ્ટે વડોદરાના સાવલી તાલુકાના મોક્સી ગામની સીમમાંથી કેમિકલ ફેક્ટરીની આડમાં બનતો એમ.ડી ડ્રગ્સનો 225 કીલોગ્રામ જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આશરે 1125 કરોડના આ ડ્રગ્સના કેસમાં અત્યાર સુધી ગુજરાત એ.ટી.એસ દ્વારા 8 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
કેસ-2
- દિલ્લીથી અફઘાનીને 20 કરોડના હેરોઈન સાથે પકડી પાડ્યો
ત્યારબાદ ગત 2 સપ્ટેમ્બરે ગુજરાત એ.ટી.એસ, સુરત ક્રાઈમ બ્રાંચ તેમજ દિલ્લી ક્રાઈમ બ્રાંચની ટીમો દ્વારા નવી દિલ્લીના વસંતકુંજ વિસ્તારમાંથી હેરોઈનનો 4 કિલોગ્રામનો જથ્થો જેની અંદાજીત કિંમત 20 કરોડ રૂપિયા જેમાં આરોપી વાહીદુલ્લા રહીમી (રહે. કંધાર અફઘાનિસ્તાન) ની ધરપકડ કરવામાં આવી હતી.
કેસ-3
- કોલકત્તામાંથી 197 કરોડનું હેરોઈન પકડાયું
વધુ એક ઓપરેશન સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે એટીએસ સાથે મળીને કોલકત્તામાં કર્યું હતું. જેમાં 9 સપ્ટેમ્બરે ગુજરાત એ.ટી.એસ, સુરત ક્રાઈમ બ્રાંચ તેમજ DRI અમદાવાદ ઝોનલ યુનિટની ટીમો દ્વારા કોલકત્તાના સેંચુરી કન્ટેઈનર ફ્રેઈટ સ્ટેશન ખાતેથી એક કન્ટેઈનરમાં સ્કેપની આડમાં છુપાવેલો 39.565 કીલોગ્રામ હેરોઈન જેની અંદાજીત કિંમત 197.825 કરોડ રૂપિયાનો માતબર જથ્થો પકડી પાડયો હતો.
નશા કારોબારીઓને પકડવા સુરત પોલીસને કોઈ સીમા નડશે નહીં: પોલીસ કમિશનર
પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું કે, સુરત પોલીસ દ્વારા છેલ્લા બે વર્ષથી ‘નો ડ્રગ્સ ઇન સિટી’ ઝુંબેશ ચાલે છે. સુરત પોલીસ જેમ જેમ નશાના કારોબારીઓને પકડે છે તેમનું નેટવર્ક દેશભરમાં ફેલાયેલું છે. જેમ આ નશા કારોબારીઓને સીમા નથી નડતી તેમ સુરત પોલીસ પણ બધે જ દોડતી રહેશે અને જેટલું શક્ય હશે આ નશાકારોબારીઓને પકડીને પાંજરે પુરશે.