સુરત : સુરતમાં સોનાના દાગીના લઈ રસ્તા પર ચાલતા બે યુવકોને ખટોદરા પોલીસે અટકાવ્યા હતા અને તેઓની વર્તણૂંક શંકાસ્પદ જણાતા તેઓની પૂછપરછ કરી હતી અને આ સાથે જ સુરત પોલીસે મોટા ગુનાને ઉકેલી કાઢ્યો હતો. ખરેખર બન્યું એવું હતું કે બંને યુવકો ચોર હતા અને તેઓ ચોરીના દાગીના લઈ વેચવા નીકળ્યા હતા ત્યારે પોલીસને હાથે ઝડપાઈ ગયા.
- સોનાના દાગીના લઈને ફરતા બે તસ્કરો સોસિયો સર્કલ પાસેથી ઝડપાયા
- બાળકિશોરે ચોરી કરી રૂપિયા 3.23 લાખના દાગીના બીજાને આપતા તેઓ વેચવા નીકળ્યા હતા
ખટોદરા પોલીસની હદમાં તડકેશ્વર સોસાયટીમાં ગત 28 મે ના રોજ રૂ. 3.23 લાખના દાગીનાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ખટોદરા પોલીસે ગઈકાલે પેટ્રોલિંગ દરમિયાન સોસિયો સર્કલ પાસેથી બે તસ્કરોને ચોરીના આ દાગીના સાથે ઝડપી પાડ્યા હતા.
ગઈકાલે ખટોદરા પોલીસના પીએસઆઈ યુ.એન.જાડેજા તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમ્યાન પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ પ્રભાતસિંહ તથા નિકુલભાઇ ભુપતભાઈને બે વ્યક્તિઓ હાલમાં સોસિયો સર્કલ સર્વોદય પેટ્રોલપંપ પાછળની ગલીમાં શંકાસ્પદ ચીજવસ્તુ સોના દાગીના લઇને ફરતા હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે આરોપી રાહુલ રતીરામ યાદવ (ઉ.વ.૨૨ ધંધો- નોકરી રહે,- પ્લોટ નં.૦૫ શિવશકિત નગર રાજુ ભરવાડના મકાનમાં વિશ્વકર્મા મંદીર પાસે આઝાદનગર રોડ ખટોદરા) તથા બાળકીશોરને પકડી પાડ્યા હતા. અને બાળકીશોર પાસેથી ઘરફોડ ચોરીમાં ગયેલા સોનાના 3.23 લાખના ઘરેણા કબજે લીધા હતા.
બંને આરોપીઓએ પોતે ગત 28 મે ના રોજ ભટાર ખાતે તડકેશ્વર નગર સોસાયટીમાં રહેતી 39 વર્ષીય રીનાબેન જાદવના મકાનમાંથી આ સોનાના દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ચોરી બાળકિશોરે કરી હતી. અને ચોરીના દાગીના વેચવા માટે રાહુલને આપ્યા હતા. રાહુલની સામે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2022 માં બે ગુના દાખલ છે.