સુરત (Surat): સુરત શહેર પોલીસ કમિશનર ઓફિસમાં હાલમાં જ નવા આવેલા એક પોલીસ અધિકારી ચર્ચામાં આવ્યા છે. તેમાં સુરત શહેરના ચાર મોટા બૂટલેગરોને (Bootlegger) મિટીંગ ( Meeting) માટે કોલ આપતા હાલમાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. તેમાં શહેરમાં બે વર્ષ પહેલા એક મોટા બૂટલેગર જેને શહેરમાં વિદેશી દારૂનો પરવાનો પાંચ કરોડમાં અપાયો હોવાની ચર્ચા છે. તેની સાથે મિટીંગ ગોઠવવામાં આવી હતી. આ પોલીસ અધિકારી આવતાની સાથે શહેરમાં જુગારની કલબ માટે એક ગાંડાને અને અન્ય ચાર બૂટલેગરોને પણ મિટીંગ કરવા માટે આમંત્રણ મોકલાયું છે.
- સુરતનો દારૂનો પરવાનો વેચવા માટે સંખ્યાબંધ બૂટલેગરોને ઇન્ફોર્મ કરાતા પોલીસ બેડામાં ખળભળાટ
- આ અધિકારી સામે ભૂતકાળમાં પણ ગંભીર આક્ષેપો થઇ ચૂકયા છે, બૂટલેગર સાથે મિટીંગ પણ કરાઇ હોવાની વાત
દરમિયાન કમિ. અજય તોમરે એક તરફ આખી સીસ્ટમ પોતાના કાબૂમાં લીધી છે. ત્યારે ભૂતકાળમાં સુરતમાં ફરજ બજાવી ગયેલા ભ્રષ્ટ પોલીસો હાલમાં સુરતમાં આવતાની સાથે જ તેમનું પોત પ્રકાશતા આ મામલો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલો એટલે ગંભીર છે કેમકે દારૂનો પરવાનો આપવા માટે બે નંબરમાં ટેન્ડર સીસ્ટમ પ્રમાણે આ પોલીસ અધિકારી કોલીંગ કરી રહ્યા છે. અલબત શહેરના બૂટલેગરો અને પોલીસ બેડામાં આ મામલે ગંભીર ચર્ચાઓ છેડાઇ છે. આ મામલે કમિ. તોમર તપાસ કરે તો ચોક્કસ જ પોલ ખૂલી જવા પામશે. હાલમાં જ કમિ. અજય તોમરે પિધ્ધડ હાર્દિક પીપરીયા નામના પીએસઆઇને ઘરે બેસાડી દીધો છે. તેમાં આવતા દિવસોમાં વધુ એક પોલીસ અધિકારી ઘરે બેસે તેવા ચક્રો ગતિમાન થયા છે.
તમને જણાવી દઈએ કે છેલ્લાં કેટલાંક સમયમાં સુરત પોલીસની અનેક ગેરરીતિઓ સામે આવી છે. પીએસઆઈ પીપરીયા દારૂ પી છાકટા થઈ તોફાન કરવાનો વિવાદ તાજો છે. તો સુરત પોલીસના બે લોકરક્ષક બોગસ ડુપ્લીકેટ મેમો બુક બનાવી આઠ મહિનાથી સુરતની પ્રજાને દંડના બહાને છેતરતા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 2020માં લોકડાઉન દરમિયાન વાહનો ઉંચકી તે વિવાદ પણ હજુ ચર્ચાઈ રહ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમર શહેરમાં ક્રાઈમ રેટ ઝીરો કરવા માંગે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની જ પોલીસના હાથ ભ્રષ્ટાચારથી ખરડાયેલા જોવા મળી રહ્યાં છે.