SURAT

સુરતના કુખ્યાત બુટલેગર લંગડાના અડ્ડા પર વિજીલન્સની રેડ

સુરત: સ્ટેટ મોનિટરીંગ સેલમાં નિર્લિપ્ત રાયે ચાર્જ (Charge) લીધા બાદ પોલીસ (Police) બેડામાં જ ફફડાટ ફેલાયો છે. લિંબાયતમાં (Limbayat) મહિલા બુટલેગરો પર રાજકારણીના આશીર્વાદ છતાં સ્ટેટ વિજીલન્સે સપાટો બોલાવ્યો હતો. કુખ્યાત બુટલેગર લંગડાના અડ્ડા પર વિજીલન્સે રેડ કરી 3.29 લાખ સાથે 26 જુગારી ઝડપી પાડ્યા હતા.

સ્ટેટ મોનિટરીંગ સેલની બે ટીમો ગાંધીનગરથી સુરત દોડી આવી ગઈકાલે લિંબાયત નવા નગરમાં રત્ન ચોક પાસે પતરાના શેડમાં ચાલતી જુગારની ક્લબ પર રેડ કરી હતી. જુગારીઓ ભાગી ન જાય તે માટે વિજીલન્સનો સ્ટાફ ખાનગી કપડામાં 3 ગલીઓમાં ગોઠવાઇ ગયો હતો. રેડ પાડતાની સાથે જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યાંથી 26 જુગારીઓને પકડી પાડ્યા હતા. 8 બાઇક 3.29 લાખની રોકડ, મોબાઇલ સહિત 5 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો. જુગારની ક્લબ રામવરણ ઉર્ફે મુન્નો લંગડો લક્ષ્મીપ્રસાદ યાદવ અને તેનો ભાગીદાર સન્ની ભાસ્કર પાટીલ ચલાવતો હતો. જુગારની ક્લબ પર શકીલ બેસતો હતો. લિંબાયતમાં જુગાર ક્લબ ઉપર પોલીસની મહેરબાની ભલે રહી હોય પણ મહિલા રાજકારણીનો પણ આશીર્વાદ હોવાની ચર્ચા છે.

ભુપો પણ પડ્યો પાથર્યો રહે છે
પીસીબીમાં ફરજ બજાવતો ભુપો પણ લિંબાયતમાં પડ્યો પાથર્યો રહે છે. ભુપાનું લિંબાયતના દારૂના અડ્ડા અને જુગાર ક્લબોમાં નેટવર્ક હોવાથી મહિને લાખોની ઉઘરાણી કરીને આકાઓ સુધી પહોંચાડે છે. અને પોતે મોટી કટકી મારી વટથી ફરે છે. મળતી માહિતી મુજબ પોલીસ કમિશનરે લિંબાયતમાં ડિસ્ટાફના 20 થી વધારે પોલીસ કર્મીઓના મોબાઈલ કબજે લઈ તપાસ સોંપી છે.

જોળવા ગામે બંધ દુકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
પલસાણા: પલસાણાના જોળવા ગામે સત્યમ કોમ્પ્લેક્સમાં એક બંધ દુકાનમાં છુપાવવામાં આવેલો 33 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો સુરત જિલ્લા એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ એલસીબી પી.આઈ. કે.જે.ધડુક અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન પોલીસને બાતમી મળતાં તેમણે પલસાણાના જોળવા ગામે મોરારી એસ્ટેટ એરિયા સત્યમ કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં બંધ પડેલી દુકાનમાં રેડ કરી હતી. આ બંધ દુકાનમાંથી પોલીસે રૂ.33,100 કિંમતની 191 બોટલ ઝડપી પાડી હતી. આ વિદેશી દારૂનો જથ્થો લિસ્ટેડ બુટલેગર કાલુસિંગ દિલીપસિંગ રાજપૂતે મંગાવ્યો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top