Business

સુરત પોલીસ સુરતીઓ સાથે કેવો વ્યવહાર કરે છે તે હવે ખુદ પોલીસે પહેરેલા કેમેરામાં જ દેખાઈ જશે

સુરત: (Surat) પોલીસદાદાઓની દાદાગીરી અંકુશમાં લાવવા માટે શહેરમાં જડબેસલાક સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. આ સિસ્ટમ છે બોડી વોર્ન પોકેટ કેમેરા (Body Warne Pocket Camera). પોલીસ હવે ઓન ફિલ્ડ કામગીરી દરમિયાન પણ કેમેરાની વોચમાં આવી ગયા છે. જો પોલીસ હવે સામાન્ય પ્રજા સાથે અશિસ્ત કે, ગેરવર્તણૂક કરશે તો તે સીધો જ રડારમાં આવી જશે. પોલીસ જે તે સ્થળે તપાસ માટે જાય કે પછી ફરજ ઉપર હોય ત્યારે તેમણે પોકેટ ઉપર ફરજિયાત કેમેરા લગડવાના રહેશે. જેના કારણે સામાન્ય પ્રજા સાથે અસભ્ય વર્તણૂક કે આરોપી જેવું વર્તન કરનારા પોલીસ જવાનની નોકરી હવે જોખમમાં મૂકાઇ શકે છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓની સીધી નજર (Watch) હેઠળ હવે તમામ પોલીસ દાદાઓ આવી જશે.

સુરતમાં હવે પોલીસ સ્ટાફે ફરજિયાત પોકેટ કેમેરા રાખવા પડશે. સુરતમાં એક હજાર કેમેરા પોલીસદાદાઓને આપવામાં આવ્યા છે. તેમાં એક હજાર પોકેટ કેમેરા જે પોલીસ કર્મચારી કે અધિકારી ફિલ્ડ પર હશે તે લોકોએ સાથે રાખવા પડશે. ગુજરાતમાં પ્રથમ વખત આ પાયલોટ પ્રોજેકટ સાકાર થઇ રહ્યો છે. આ પ્રોજેકટના માસ્ટરમાઇન્ડ કમિશનર અજય તોમર છે. કોન્સ્ટેબલ કક્ષાના પોલીસ સામે ગેરવર્તણૂક અને અપશબ્દોની ફરિયાદ વારંવાર ઉઠી રહી છે તેને કાબૂમાં લાવવા માટે આ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે પોલીસ કોન્સ્ટેબલ કે અધિકારી ફિલ્ડ પર હશે તે લોકોએ ફરજિયાત આ કેમેરા લગાડવાના રહેશે.

  • બોડી વોર્ન કેમેરા પ્રોજેકટ સાકાર થયો તો પોલીસ કંટ્રોલમાં આવી જશે
  • દરેક પોલીસ સ્ટેશનમાં કંટ્રોલરૂમ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે
  • તેમાં જે પોલીસ કર્મચારી જે કોઇ કામગીરી કરી રહ્યો હશે તે તમામ વિગતો કેમેરા પર આવી જશે
  • જો કોઇ પોલીસની ફરિયાદ થઇ છે તો વાસ્તવમાં કોનો વાંક છે તે પૂરાવો હવે કેમેરામાંજ કંડારાઇ જશે
  • જો કોઇ પોલીસે આ કેમેરો બંધ કર્યો તો તેણે તેનો લેખિતમાં ખુલાસો કરવો પડશે
  • પોલીસદાદાઓ ફોન પર શું વાત કરે છે કે પછી લોકો સાથે કેવી રીતે વાત કરે છે તે તમામ વિગતો આ કેમેરામાં આવી જશે

ટ્રાફિક પોલીસને પણ સીધી વોચમાં લાવી દેવાશે
હાલમાં જયારે સૌથી વધારે લોકો સાથે ઘર્ષણની ફરિયાદો ટ્રાફિક પોલીસની આવી રહી છે. ત્યારે ટ્રાફિક પોલીસને સીધા હવે કેમેરાની નજર હેઠળ લાવી દેવાશે. દરમિયાન જે તે પોલીસે તેની ફરજ દરમિયાન આ કેમેરા પહેરવા પડશે. જેથી પોલીસ વાસ્તવમાં કયા સ્થળે ડયૂટી કરી રહ્યા છે કે નહીં તે તમામ વિગતો ખબર પડી જશે.

શું કહે છે એસીપી પરમાર
એસીપી પરમારે જણાવ્યું કે, પોલીસ અને પ્રજા વચ્ચે સંવાદિતા જાળવવા માટે આ શ્રેષ્ઠ માધ્યમ છે. કમિ અજય તોમરના વિચારથી આ કામગીરીને ઓપ આપવામાં આવ્યો છે. હાલમાં એક હજાર કેમેરા અપાશે. ત્યારબાદ વધુ કેમેરા એલોટ કરાશે આ કેમેરાઓ પોલીસ અધિકારીઓ સીધી તેમના મોબાઇલ ફોનથી પણ વોચ રાખી શકશે.

Most Popular

To Top