SURAT

પાંડેસરામાં કારમાં આવેલા હુમલાખોરોએ જાહેરમાં યુવકને તલવારના ઘા માર્યા, CCTV ફૂટેજ આવ્યા સામે

સુરત: (Surat) સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાણે હોય જ નહીં તેવું લાગી રહ્યું છે. સુરતની પોલીસ (Police) આંખે પાટા બાંધીને ઊંઘતી હોય તેવી સ્થિતિ સર્જાય છે. છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં હત્યાની બે ઘટના બની છે. વધુ એક હાફ મર્ડર ની ઘટના સામે આવી છે. પોલીસ નો ધાક જ ના હોય તેમ સુરતમાં પાંડેસરા વિસ્તારમાં ત્રણથી ચાર હુમલાખોરોએ જાહેરમાં એક યુવક પર તલવાર જેવા ધારદાર હથિયારોથી હુમલો કર્યો હોવાની ઘટના બની છે.

સુરતના ભેસ્તાન વિસ્તારમાં રહેતા અને માથાભારે ઈસમ તરીકેની છાપ ધરાવતા એક યુવક પર જૂની અદાવતમાં જીવલેણ હુમલો થયો છે. આ સમગ્ર બનાવના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભેસ્તાન વિસ્તારમાં રહેતો માથાભારે જીતેશસિંહ રાજપુત પર હુમલો થયો છે. ગતરોજ મોડી રાત્રે જીતેશ પાંડેસરામાં તિરુપતિ સર્કલ પાસે આવેલા એસ આર ઓટો નજીક મિત્રને મળવા ગયો હતો. તે પોતાના મિત્ર સાથે વાતો કરી રહ્યો હતો ત્યારે અચાનક ત્યાં એક ઇકો કાર આવીને ઊભી રહી હતી. આ ઈકો કારમાંથી ચારથી પાંચ જેટલા લોકો ચપ્પુ તથા તલવાર જેવા ધારદાર હથિયારો લઈને ઝડપથી ઉતર્યા હતા અને સીધો જ જીતેશ પર હુમલો કરી દીધો હતો . અચાનક હુમલો થતાં જીતેશસિંહ પોતાનો બચાવ કરી શક્યો ન હતો. હુમલાખોરોએ ઉપરા છાપરી અનેક ઘા મારતા તે લોહી લુહાણ થઈને જમીન પર ઢળી પડ્યો હતો. જીતેશને તડપતો છોડી હુમલાખોરો તે જ ઈકો કારમાં બેસીને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.

દરમિયાન આ સમગ્ર ઘટના નજીકની દુકાનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં કારમાં આવેલા હુમલાખોરો નજરે પડે છે. બનાવની જાણ થતાની સાથે જ પાંડેસરા પોલીસનો કાફલો તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘાયલ જીતેશસિંહ રાજપૂતને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વિવેકસિંગ દ્વારા જૂના ઝઘડાની અદાવતમાં તેના પર હુમલો કરાવ્યો હોવાનું જીતેશસિંહએ પોલીસને જણાવ્યું છે. પોલીસે જીતેશસિંહ રાજપૂતની ફરિયાદ લઈ વિવેકસિંહ રાજપૂત અને તેના માણસો સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top