SURAT

સુરત આઉટર રિંગરોડનો પ્રોજેક્ટ 6 મહિના વહેલો પૂર્ણ થશે, આ વિસ્તારના લોકોને મળશે નવી કનેક્ટવિટી

સુરત: સુરત શહેર માટે અતિ મહત્વના એવા આઉટર રિંગરોડ પ્રોજેક્ટની પ્રથમ ફેઝની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે અને આઉટર રિંગરોડનો પ્રથમ ફેઝ જાન્યુઆરી 2024માં ખુલ્લો મુકી દેવાશે તેમ મનપા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું.

  • આઉટર રિંગરોડનો પ્રથમ ફેઝ જાન્યુઆરી 2024માં ખુલ્લો મૂકી દેવાશે: મનપા કમિશનર
  • આઉટર રિંગરોડના બીજા ફેઝની સોઈલ ટેસ્ટીંગની કામગીરી ચાલી રહી છે, જે આવનારા એક માસમાં પુર્ણ થઈ જશે
  • 2 પ્રથમ ફેઝમાં એક રેલવે ઓવર બ્રીજ, એક ફ્લાય ઓવર બ્રીજ, વ્હીકલ અંડર પાસ, એક રિવર બ્રીજ અને 3 મેગા ક્રીક સ્ટ્રક્ચર અને બાકીના રોડ વર્કનો સમાવેશ થયો છે.

પ્રથમ ફેઝનો કુલ 17.31 કિ.મી નો રૂટ કે જેનો કુલ ખર્ચ રૂા. 486 કરોડનો છે. પ્રોજેક્ટ પુર્ણ કરવાની સમયમર્યાદા જુન 2024ની હતી પરંતુ તેના 6 માસ પહેલા જ આ પ્રોજેક્ટ પુર્ણ થશે અને શહેરીજનો માટે ખુલ્લો મુકી દેવાશે તેમ મનપા કમિશનરે જણાવ્યું હતું.

મનપા કમિશનરે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, આઉટર રિંગરોડના પ્રથમ ફેઝમાં કુલ પાંચ પેકેજ છે. જે પૈકી 1-ઈ પેકેજ સિવાયના તમામ પેકેજના રોડવર્કની કામગીરી જુન 2023 સુધીમાં પુર્ણ થઈ જશે. 1-ઈ પેકેજની કામગીરી ડિસેમ્બર 2023 સુધીમાં પુર્ણ થશે.

આઉટર રિંગરોડના પ્રથમ ફેઝમાં એક રેલવે ઓવર બ્રીજ, એક ફ્લાય ઓવર બ્રીજ, વ્હીકલ અંડર પાસ, એક રિવર બ્રીજ અને 3 મેગા ક્રીક સ્ટ્રક્ચર અને બાકીના રોડ વર્કનો સમાવેશ થયો છે. જે કામો ઝડપથી થઈ રહ્યાં છે. 1-ઈ સિવાયના અન્ય પેકેજો જેમાં 1-એ અને 1-બી ના કામો 15 દિવસમાં પુર્ણ થશે તેમજ 1-સી અને 1-ડીના કામો 30 દિવસમાં પુર્ણ થઈ જશે.

અત્યારસુધીમાં આઉટર રિંગરોડનો 350.05 કરોડનો ખર્ચ થઈ ચુક્યો છે જે પૈકીનો છેલ્લા 4 માસમાં જ 100 કરોડનો ખર્ચ થયો છે અને તેમાં 31 માર્ચ સુધીમાં વધુ 10 કરોડનો એટલે કે, કુલ 110 કરોડનો ખર્ચ થઈ જશે. તેમજ આઉટર રિંગરોડનો બીજા ફેઝનું હાલ સોઈલ ટેસ્ટીંગનું કામ ચાલી રહ્યું છે. જેનો કુલ રૂટ 10.45 કિ.મી નો છે અને કુલ ખર્ચ 275 કરોડનો છે. સોઈલ ટેસ્ટિંગનું કામ આવનારા એક માસમાં પુર્ણ થઈ જશે.

આ પ્રોજેક્ટ પુર્ણ થતા ગઢપુર રોડ, સુરત કામરેજ રોડને મોટા વરાછા, ભરથાણા, કોસાડની નવી કનેક્ટિવિટી મળશે. આ ઉપરાંત આ રોડના કારણે અંદાજે 10 કિલોમીટર અંતરમાં પણ ઘટાડો થશે તેમજ ઈંધણ અને પ્રદૂષણની માત્રામાં પણ ઘટાડો થશે.

Most Popular

To Top